Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૨) અપરિગૃહીતા ગમન જે સ્ત્રી કોઈની પરણેલી નથી, એવી કુંવારી અથવા વેશ્યાની સાથે એને પરસ્ત્રી ન માનીને મૈથુન સેવવું એ અપરિગૃહીતા ગમન નામનો બીજો અતિચાર છે. (૩) અનંગ ક્રીડા કામાવેશ અસ્વાભાવિક કામક્રીડા કરવી, તેની અંતર્ગત સ્વજાતીય સંભોગ, અપ્રાકૃતિક મૈથુન, કૃત્રિમ કામ ઉપકરણોથી વિષય-વાસના શાંત કરવી વગેરે સમાવિષ્ટ છે. ચારિત્રની દૃષ્ટિએ આ પ્રકારનું આચરણ અત્યંત તુચ્છ છે. તેનાથી કુત્સિત કામ અને વ્યભિચારને પોષણ મળે છે.
(૪) પરવિવાહકરણ – ગૃહસ્થના સ્વતંતાન અને પરિવારજનો સિવાય અન્યના લગ્ન સંબંધ કરાવવા પરવિવાહકરણ કહેવાય છે. કેમ કે બીજાના લગ્ન કરાવવા, સગાઈ કરાવવી વગેરે પ્રવૃત્તિ અબ્રહ્મચર્યના ભાવોની પોષક પ્રવૃત્તિ છે.
(૫) કામભોગ તીવ્રાભિલાષા – કામભોગની તીવ્રતમ આકાંક્ષા રાખવી. તહેતુ કામવર્ધક ઔષધિઓ અથવા માદક પદાર્થોનું સેવન કરવું. કામભોગ તીવ્રાભિલાષા અતિચાર કહેવાય છે. ‘યોગશાસ્ત્ર’ ‘તત્ત્વાર્થ સૂત્ર’, ‘રત્નકાંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં અતિચારોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. તેમ જ ક્યાંક ક્યાંક શબ્દ ભેદ પણ દર્શાવ્યા છે.
અતઃ વ્રતી સાધક માટે આ પાંચ અતિચારોનો નિષેધ કર્યો છે.
ચોથા અણુવ્રતનું ફળ
‘ધર્મસંગ્રહ’માં ચોથા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગના સુખો અને અંતે અલ્પકાળમાં મોક્ષ એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય છે.
‘યોગશાસ્ત્ર'માં પણ કહ્યું છે કે, બ્રહ્મચર્યને આદરવાથી દેવો વડે તે પૂજાય છે તેમ જ તે લાંબા આયુષ્યવાળો, સારા સંસ્થાનવાળો, તેજસ્વી અને મહાન પરાક્રમી બને છે.
તેવી જ રીતે મહાભારતમાં પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે,
एक रात्रौ विनस्यपि, या गति ब्रह्मचारिणा ।
न सा ऋतु सहस्त्रेण, प्राप्त सक्या युधिष्ठिर ।।
અર્થાત્ : અહો યુધિષ્ઠિર! એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનારની જેવી ઉત્તમ ગતિ થાય છે તેવી ઉત્તમ ગતિ હજાર યજ્ઞ કરવાથી પણ થતી નથી.
પાંચમું વ્રત
સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત (પાંચમું અણુવ્રત)
પરિગ્રહ એટલે ‘પરિ સમન્તાન્ ગ્રહ્યતે કૃતિ પરિગ્રહઃ ।' જે જીવને ચારે બાજુથી જકડી રાખે તે પરિગ્રહ છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર' ૬/૨૧માં દર્શાવ્યું છે કે ‘મુઝ્ઝા પરિનો પુત્તો ।' મૂર્છાભાવને પરિગ્રહ કહ્યો છે. મૂર્છા-આસક્તિપૂર્વકની ઈચ્છા સંગ્રહવૃત્તિને જન્મ આપે છે.
અમર્યાદિત પરિગ્રહ મહાપાપનું કારણ છે. પરિગ્રહની પ્રાપ્તિમાં, તેના સંરક્ષણમાં અનેક પાપસ્થાનનો આશ્રય લેવો પડે છે. યથા-વસ્તુની પ્રાપ્તિ માટે મહારંભ, મહાસમારંભ કરે, અસત્યનું
* ૩૩૫ => •
-