Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ત્રીજા અણુવ્રતનું ફળ
‘યોગશાસ્ત્ર’માં ત્રીજા વ્રતનું ફળ દર્શાવતા કહ્યું છે કે, ત્રીજા વ્રતની સમ્યક્ પ્રકારે આરાધના કરનારો શ્રાવક રાજા, પ્રજાનો માનનીય અને વિશ્વાસ પાત્ર હોય છે. તેમની ન્યાયોપાર્જિત લક્ષ્મી બહુકાળ પર્યંત સ્થિર રહે છે, વૃદ્ધિ પામે છે અને સુખ દાતા પણ નીવડે છે. સંતોષના પ્રતાપે આ ભવમાં સુખી રહે છે અને પરલોકમાં પણ સ્વર્ગ અને ક્રમથી મોક્ષના સુખો પ્રાપ્ત કરે છે. ચોથું વ્રત - સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (ચોથું અણુવ્રત)
રાજેન્દ્ર અભિધાનકોશ અનુસાર દિવ્ય અને ઔદારિક કામભોગોનો કૃત, કારિતપૂર્વક મન, વચન, કાયાથી સર્વથા ત્યાગ બ્રહ્મચર્ય કહેવાય છે. કામસેવનની મર્યાદાપૂર્વક સ્વસ્રીમાં જ સંતોષ કરવો તેમ જ પરસ્ત્રીનો ત્યાગ કરવો ‘સ્થૂલ મૈથુન વિરમણ' વ્રત છે.
‘ધર્મસંગ્રહ'માં ચોથા અણુવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, स्वकीयदारसन्तोषो वर्जनं वाऽन्यथोषिताम् । श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रतं मतम् ।।२८ ॥
અર્થાત્ : પોતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ કરવો તેને શ્રાવકોનું ચોથું અણુવ્રત
કહ્યું છે.
‘રત્નકરેંડ શ્રાવકાચાર’માં ચોથા અણુવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, જે પાપના ભયથી ન તો પરસ્ત્રી સાથે પ્રતિગમન કરે અને ન બીજાને ગમન કરાવે. તે પરસ્ત્રી ત્યાગ તથા સ્વદાર સંતોષ નામનો અણુવ્રત છે.
સાધુની પેઠે સર્વતઃ બ્રહ્મચર્ય વ્રત પાળવું તો ગૃહસ્થ માટે દુષ્કર છે. અન્ય ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાનો ઉદય અધિક હોય છે. તેથી ‘સ્થૂલ મૈથુન’થી નિવર્તે છે. અર્થાત્ સ્વદારાથી સંતોષ રાખી શેષ મૈથુન સેવનનો પરિત્યાગ કરે છે. અર્થાત્ પરસ્ત્રી ગમનનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરસ્ત્રી ગમન બે પ્રકારે છે : ૧) ઔદારિક શરીરી-મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન એક કરણ અને એક યોગથી અને ૨) વૈક્રિય શરીરી. દેવ સંબંધી મૈથુન બે કરણ ત્રણ યોગથી ત્યાગ કરે છે. આમ શ્રાવકો બંને પ્રકારના પરસ્ત્રી ગમનનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. ઉપલક્ષણથી શ્રાવિકાઓ બંને પ્રકારના પર પુરુષનો ત્યાગ કરીને પોતાના પરિણીત પુરુષમાં સંતોષ રાખે છે.
પંચ પર્વોમાં સર્વથા બ્રહ્મચર્ય પાળવું તેમ જ શ્રાવક એક રાત્રિમાં બેવાર મૈથુન સેવે નહિ. એવું વિધાન પણ ગ્રંથોમાં દર્શાવ્યું છે.
સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના અતિચાર
‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન’, ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’ આદિમાં સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે.
(૧) ઈત્વરિક પરિગૃહીતાગમન અલ્પ સમય માટે પત્નીના રૂપમાં રાખેલી રખેલ, વાગદત્તા અથવા અલ્પવયની પત્ની સાથે સમાગમ કરવો, ઈત્વરિક પરિગૃહીતાગમન કહેવાય છે.