Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પ્રાયશ્ચિત ગ્રહણ કરે, ત્યાર પછી અઢાર પાપ સ્થાન, ચાર પ્રકારનો આહાર તથા પોતાના શરીરનો મમત્ત્વભાવનો, આ રીતે ૧૮ + ૪ + ૧ = ૨૩ બોલનો જીવનપર્યંત ત્યાગ કરે છે. આ રીતે પચ્ચક્ખાણનો સ્વીકાર કર્યા પછી સર્વ જીવો સાથે મૈત્રી ભાવ, અનુકૂળતા-પ્રતિકૂળતામાં રાગદ્વેષનો ત્યાગ કરીને સમભાવ, ઉપસર્ગ કે પરીષહમાં સંતાપ કર્યા વિના આત્મભાવ કેળવીને જીવન કે મૃત્યુની આકાંક્ષાથી પૂર્ણપણે દૂર રહીને સર્વ પ્રકારના ભૌતિક ભાવોની આસક્તિથી મુક્ત સમાધિ ભાવમાં સ્થિર થાય છે.
સંલેખના વ્રતના અતિચાર
‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર' આદિ ગ્રંથો અનુસાર સંલેખના વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે.
(૧) ઈહલોક આશંસા પ્રયોગ આ લોક સંબંધી ભોગ અથવા સુખની કામના કરવી કે હું મરીને સમૃદ્ધિશાળી, સુખસંપન્ન રાજા બનું.
(૨) પરલોક આશંસા પ્રયોગ પરલોક સંબંધી ભોગ અથવા સુખની ઈચ્છા કરવી કે હું મરીને સ્વર્ગ પ્રાપ્ત કરું તથા ત્યાંના અનુપમ સુખ ભોગવું.
(૩) જીવિત આશંસા પ્રયોગ – પ્રશસ્તિ, પ્રશંસા, યશકીર્તિ વગેરેના લોભથી અથવા મોતના ભયથી વધુ જીવવાની ઈચ્છા કરવી.
(૪) મરણ આશંસા પ્રયોગ –તપશ્ચર્યાને કારણે થનારી ભૂખ, તરસ તથા બીજી શારીરિક પ્રતિકૂળતાઓને કષ્ટ માનીને શીઘ્ર મરવાની ઈચ્છા કરવી.
(૫) કામભોગ આશંસા પ્રયોગ આ લોક સંબંધી તથા પરલોક સંબંધી શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ મૂલક ઈન્દ્રિય સુખોને ભોગવવાની ઈચ્છા કરવી. અમુક ભોગ્ય પદાર્થ મને પ્રાપ્ત થાય એવી ભાવના રાખવી.
-
‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' ૭/૩૨માં સંલેખના વ્રતના અતિચારો નીચે પ્રમાણે દર્શાવ્યા છે. ૧) જીવિત-આશંસા, ૨) મરણ-આશંસા, ૩) મિત્ર-અનુરાગ, ૪) સુખ-અનુબંધ અને
૫) નિદાન કરણ.
આ અંતિમ સાધનાકાળમાં ઉપર્યુક્ત અતિચારો સર્વથા ત્યાગવા. તેનાથી આંતરિક પવિત્રતા બાધિત થાય છે. માટે સાધકે અત્યંત જાગૃત રહીને સાધના કરવી.
આ રીતે ત્યાગ, તિતિક્ષા અને અધ્યાત્મની ઉચ્ચભાવના સાથે સ્વયં મૃત્યુ સ્વીકારવું, જૈનશાસ્ત્રોએ આવા મૃત્યુને મહોત્સવ કહ્યો છે.
સાગારી સંથારો
મૃત્યુનો ભરોસો નથી, કોઈ વખત અણચિતવ્યું મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યો જાય એવો ડર લાવીને ધર્માત્મા સદૈવ સૂતી વખત અલ્પકાળને માટે અર્થાત્ જાગ્રત થતા સુધીના અને કદાચ નિદ્રામાં જ મૃત્યુ થઈ જાય તો યાવજજીવનના પ્રત્યાખ્યાન કરી લે છે. તેને