Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
જે કરુણ રસનો ઉત્તમ નમૂનારૂપ છે. આ રાસમાં ભરતના સેનાપતિ સુષેણના અશ્વરત્ન ‘કમળાપીઢ'નું તાદશ્ય વર્ણન, ભરતની સ્ત્રીરત્નનું વર્ણન તેમ જ સુખી અયોધ્યાનગરી અને સમૃદ્ધ ખંભાતનગરીનાં સુંદર વર્ણનો કવિના કવિત્વ, વર્ણનશક્તિ અને પ્રતિભાનો સચોટ ખ્યાલ આપે છે. તેમ જ ૪૪ જેટલી દેશીઓ વિવિધ રાગરાગિણીઓનું આલેખન કર્યું છે જે કવિની ગેયશક્તિનો પરિચય આપે છે.
આ રાસમાંથી જાણવા મળે છે કે કવિ ઋષભદાસને ઉપદેશમાળા, દશવૈકાલિક વગેરે ગ્રંથોનો સારો પરિચય હતો. આ કાવ્યમાંથી બોધ લેવા માટે કવિએ સીપ, શ્રીફળ, નદી, સરોવર, ગુર્જરભૂમિ, મરભૂમિ અને પર્વતનું શિખર આ સાત વસ્તુઓ જેવા સાત પ્રકારના મનુષ્યોનો – શ્રાવકોનો નિર્દેશ કર્યો છે. વાચકે પોતાના આત્મકલ્યાણ માટે યત્ કિંચિત પ્રયત્ન કરવા. “ઉગીને ઉગીઆ' એવા ભરત – બાહુબલી જેવા મહાપુરુષો બનવાની સુંદર શિખામણ આપી છે.
અંતમાં ભરત બાહુબલીના ચરિત્રો સમાપ્ત કરી પછી પોતાના ગુરુની પરંપરા જણાવી અને ગ્રંથ પ્રશસ્તિ લખી કવિ આ રાસના સમાપ્ત કરે છે. ૧૧. ક્ષેત્રસમાસ રાસ - સંવત ૧૬૭૮ મહાસુદ-૩ ગુરુવાર ખંભાત.
આ રાસની શરૂઆત સરસ્વતી અને પાર્શ્વનાથની સ્તુતિથી કરવામાં આવે છે. ૧.૧૮ કડી, પછી સાગરોપમનું પ્રમાણ આપવામાં આવ્યું છે. જંબુદ્વીપનો વિસ્તાર, જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું વર્ણન, લવણ સમુદ્ર, ધાતકીખંડ, અઢીદ્વીપ વગેરે વિસ્તારથી સમજાવ્યા છે. દ્વીપો વિષે પણ વિસ્તૃત માહિતી આપી છે.
અંત - આ રાસના અંતે કવિ કહે છે કે અસંખ્ય દ્વીપ સમુદ્રોના ભાવોને પોતે પૂરા ન કહી શકે પરંતુ આ તો જ્ઞાનીઓનાં વચનોમાંથી કેટલાંક વચનો લીધાં છે.
આમ જૈન ભૂગોળ જેવા ગહન વિષય ઉપરની આ કૃતિ પણ અપ્રગટ છે. ૧૨. સમકિતસાર રાસ - સંવત ૧૬૭૮ જેઠ સુદ-૨ ગુરુવાર ખંભાત.
સમકિતસાર રાસનો પ્રારંભ પ્રથમ સરસ્વતી અને પછી ઋષભાદિ શ્રી ચોવીસે તીર્થકરોના સ્મરણથી કરવામાં આવે છે.
જગતમાં ચિંતામણિ, કલ્પદ્રુપ, અમૃત, ચિત્રાવેલી, દક્ષિણા- વૃત્ત શંખ, રસકૂપિકા વગેરે ઘણી સાર-વસ્તુઓ છે પરંતુ એમાંથી કોઈ વસ્તુ સમકિતની તોલે આવે નહિ. કારણ કે એ સર્વસાર વસ્તુઓ એક જ ભવમાં સુખ આપે છે. જ્યારે સમકિત તો ભ વોભવ સુખ આપે છે. સમકિત પામ્યા પછી જીવ સિદ્ધ થાય છે. અથવા તો દેવલોકે જાય છે.
સમકિત માત્ર દુર્લભ એવા મનુષ્ય ભવમાં જ પામી શકાય છે. દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વને આરાધવાથી સમકિત પ્રાપ્ત થાય છે. તેમ જ એનું રક્ષણ થાય છે.
આ રાસમાં સમકિતના પાંચ ભેદ, બે પ્રકાર તેમ જ સમકિતના સડસઠ બોલ વિસ્તારથી સમજાવ્યાં છે. અંતે અતિ દુર્લભ એવું સમકિત જેમ મૃગ કસ્તુરીને, માતા બાળકને, કૃપણ ધનને રાખે તેમ જાળવવું. શુદ્ધ સમકિત રાખવાથી દિવ્ય પદવી પ્રાપ્ત થાય છે.