Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ભવો સુધી નિરંતર જન્મ મરણ થાય. દેવગતિ અને નરકગતિના જીવો એક એક ભવ કરે પરંતુ તેમાં પણ અસંખ્ય વર્ષો સુધી રહે. આમ પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોનાં કારણે ચિરકાળ સુધી ભવભ્રમણ કરે પછી મનુષ્ય ભવ મળવાનો સંયોગ પ્રાપ્ત થાય છે.
આ જ કારણે મનુષ્યભવની દુર્લભતાના દશ દૃષ્ટાંત ‘શ્રી ઉત્તરાધ્યયન નિર્યુક્તિ'–૧૬માં બતાવેલ છે. જેમ કે,
चुल्लग पासगधन्ने, जूए रयणे च सुमिण चके च । चम्म जुगे परमाणू, दस दिट्ठता मणु अलंभे ।। १६ ।।
અર્થાત્ : ૧) ચુલ્લક (ભોજન માટેનું ઘર), ૨) પાસક (જુગાર રમવાના પાસાં), ૩) ધાન્ય, ૪) દ્યૂત, ૫) રત્ન, ૬) સ્વપ્ન, ૭) ચક્ર (રાધાવેધ), ૮) કૂર્મ, ૯) યુગ અને ૧૦) પરમાણુ. આ દશ દૃષ્ટાંત જેમ દુષ્કર છે, તેમ મનુષ્યભવથી ભ્રષ્ટ થયેલા જીવને ફરીથી મનુષ્ય જન્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં મનુષ્યભવની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તે ઉપર્યુક્ત દશ દૃષ્ટાંત વડે ઢાલ ૩૬ પંકિત નંબર ૪૦૦ થી ૪૧૭માં દર્શાવે છે. મનુષ્યત્વના દશ બોલની દુર્લભતા
-
કદાચ પૂર્વ જન્મના પ્રબલ સંસ્કારો અને કષાયોની મંદતાને કારણે, પ્રકૃતિની ભદ્રતા, પ્રકૃતિની વિનીતતા, અનુકંપા અને અમત્સરતા અર્થાત્ પરગુણ સહિષ્ણુતા આ ચાર કારણો દ્વારા મનુષ્ય આયુનો બંધ થવાથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે.
આ જ કારણે મનુષ્યભવની દુર્લભતાનાં દશ દૃષ્ટાંતો ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિયુક્તિમાં દર્શાવવામાં આવેલ છે. સાથે સાથે નિર્યુક્તિકારે મનુષ્ય જન્મની પ્રાપ્તિની સાથે જીવનની પૂર્ણ સફળતા માટે બીજી પણ દશ દુર્લભ બાબતો કહેલી છે. જેમ કે,
माणुसरिक्त जाई कुलरुवारोग्ग आड्यं बुद्धी ।
सवणुग्गह सद्धा, संजमो य लोगंमि दुल्लुहाई ।। १५१ ।।
અર્થાત્ : ૧) ઉત્તમક્ષેત્ર, ૨) ઉત્તમ જાતિ કુળ, ૩) સર્વાંગ પરિપૂર્ણતા, ૪) નીરોગિતા, ૫) પૂર્ણાયુષ્ય, ૬) બુદ્ધિમત્તા, ૭) ધર્મશ્રવણ, ૮) ધર્મ સ્વીકરણ (ધર્મની સમજ), ૯) શ્રદ્ધા અને ૧૦) સંયમ
મનુષ્યદેહની પ્રાપ્તિ થવાં છતાં પણ શાસ્ત્રકારોએ મનુષ્યતત્વની પ્રાપ્તિને સૌથી મહત્ત્વપૂર્ણ અને દુર્લભ બતાવેલ છે.
‘શ્રી સ્થાનાંગ સૂત્ર’માં છ બોલની દુર્લભતા દર્શાવી છે. જેમ કે, ૧) મનુષ્યભવ, ૨) આર્યક્ષેત્રમાં જન્મ, ૩) સુકુલમાં ઉત્પત્તિ, ૪) કેવળી પ્રજ્ઞમ ધર્મનું શ્રવણ, ૫) સાંભળેલા ધર્મ ઉપર શ્રદ્ધા અને ૬) શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ કરેલા ધર્મનું કાયાથી સમ્યક્ આચરણ.
આ છ બોલમાં પ્રથમ ત્રણ બોલ માનવતા અને ગુણ સંપન્નતા પ્રગટ કરવા માટે છે અને અંતિમ ત્રણ બોલ આત્મ કલ્યાણની અપેક્ષાએ છે. તે સંસારી જીવોમાંથી અલ્પ સંખ્યક જીવોને