Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
जयणा धम्मस्स जयणी, जयणा धम्मस्स पालणी चेव ।
तव वुठ्ठिकरी जयणा, एगंत सुहावहा जयणा ।।
અર્થાત્ : જયણા ધર્મની માતા છે. જયણા ધર્મનું પાલન કરનારી છે, જયણા ધર્મની વૃદ્ધિ કરનારી છે. અને વળી એકાંત મોક્ષ સુખ આપનારી પણ જયણા છે.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ’માં કાષ્ટાદિક ઈંધણનો વગર ખંખેર્યે ઉપયોગ કરવો. અણસોયું અનાજ દળવું, અણગળ પાણીનો ઉપયોગ કરવો વગેરે કાર્યો કરવાથી પાપનો પાર આવતો નથી. આ પાપથી બચવા માટે પ્રત્યેક કાર્ય યતનાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. એ વાતનો બોધ ઢાલ ૪૨ પંકિત નંબર ૫૮ થી ૬૦માં આપે છે.
ચંદરવો
-
‘ચંદરવો’ શબ્દનો સામાન્ય અર્થ છતમાં કાપડ બાંધવું થાય.
‘શ્રાદ્ધવિધિ’માં ‘ગૃહસ્થે ઘરમાં પાણિયારું, ફૂલો, સ્નાનગૃહ, ખાંડણિયું, દળવાની જગ્યા, ભોજનની જગ્યા અને સૂવાની જગ્યા એમ સાત સ્થાનો પર ચંદરવા બાંધવાનું જણાવ્યું છે. છત પર પેટે ચાલનારા ગરોળી, સાપ વગેરે પ્રાણીઓ ચાલી શકે છે, પણ ચંદરવા (કપડાં) ઉપર પેટે ચાલનારા તેમ જ બીજા મોટા ભાગના જીવો ચાલી શકતાં નથી. તેથી આવા જીવોની હિંસા ઉપરોક્ત સાત જગ્યાએ થવાની વિશેષ શક્યતા હોવાથી તેમાંથી બચી શકાય છે.
ભોજનમાં, ચૂલા પરની રસોઈમાં, સ્નાનના પાણીમાં, ખાંડણિયામાંના કે દળવાની જગ્યામાંના અનાજમાં, પાણિયારાના પાણીમાં ઝેરી જીવજંતુ કે જીવ જંતુનું ઝેર પડવાની શક્યતા ચંદરવાને લીધે રહેતી નથી. વળી સૂવાના સ્થાનમાં પણ મોં ખુલ્લું રહે તો આવા જંતુ કે તેના ઝેરનો ભોગ બની જવાય પણ ચંદરવો તે ભયથી પણ બચાવે છે. આવી રીતે સાત જગ્યાએ ચંદરવા બાંધવાથી દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે લાભ થાય છે.
જૈન આગમ ગ્રંથોમાં શ્રાવકના પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં ત્રસ જીવોની નિરર્થક હિંસાથી બચવા માટે શ્રાવકોને રસોડામાં, પાણિયારા, ભોજગૃહ, કોઠાર વગેરે જગ્યા ઉપર ચંદરવા બાંધવાનું કહ્યું છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં સુશ્રાવકના ઉત્તમ આચાર રૂપે મુખ્ય દશ જગ્યાએ ચંદરવા બાંધવાનો ઉપદેશ આપ્યો છે કે જેથી જીવનું જતન થાય અને શુભ પુણ્ય બંધાય. ષટ્ વેદમાં પણ ગૃહસ્થના ધર્મ તરીકે ચંદરવા બાંધવામાં આવતા હતા, તે વાત પણ કવિએ કરી છે. જેનું ઢાલ
૪૨ પંકિત નંબર ૫૩ થી ૫૭માં નિરુપણ કર્યું છે.
અણગળ પાણીનો નિષેધ
-
જૈનધર્મના કેટલાંક સાંપ્રદાયિક લાગતા રીતરિવાજો સમાજ જીવનને માટે પણ ખૂબ જ હિતકર્તા છે. જેમ કે પાણીને ગાળીને પીવાનું કે ઉકાળીને પીવાનું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ હિતાવહ છે.
પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો છે. એમ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે.
૨૦૯