Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આ મારું છે' આવા પ્રકારે અનુરાગ બુધ્ધિ થાય છે તે લોભ છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં લોભ નું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે,
कोहो पीइं पणासेइ, माणो विणय णासणो ।
माया मित्ताणि णासेइ, लोहो सव्व विणासणो ॥३८ ।। અર્થાત્ : ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, અભિમાન વિનયનો નાશ કરે છે. માયા મિત્રતાનો નાશ કરે છે. અને લોભ સર્વ શ્રેષ્ઠ ગુણોનો નાશ કરે છે.
‘વૈરાગ્યશતક'માં પણ કૃપણના ધનનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે,
લે લૂંટી ઘન ફૂપણનું કાં રાજા કાં ચોર, ખંખેરાયે ખાસડે, બોરડી કેરાં બોર.
અર્થાત્ : કૃપણનું ધન રાજા અથવા ચોર લૂંટી લે છે. તેમ જ બોરડીને બોર રૂપી ધન થકી ખાસડા ખાવા પડે છે.
આગમ ગ્રંથોમાં અતિલોભ પાપનું મૂળ છે. એ કથન અનેક દષ્ટાંતો વડે દર્શાવામાં આવ્યું છે.
શ્રી આચારાંગ સૂત્ર’–રમાં કૃપણના ધનની ગતિ દર્શાવતાં કહ્યું છે કે, ક્યારેક સંગ્રહિત ધનનો સ્વજન સંબંધી ભાગ પાડી લે, ચોર ચોરી જાય, રાજા લઈ લે છે, ધનરાશિમાં નુક્શાની આવે તો કયારેક ઘરમાં આગ લાગવાથી તે બળીને રાખ થઈ જાય છે. આમ કૃપણનું ધન અનેક પ્રકારે નાશ પામે છે.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં ‘કૃપણતા'નો મર્મ સમજાવવા માટે કૃપણને શિખામણ આપતાં કહે છે કે, ધનનો સંચય કરવાથી દુઃખ પ્રાપ્ત થાય છે અને યેનકેન પ્રકારે તે ધનનો નાશ થાય છે. જ્યારે દાતા સુપાત્ર દાન આપીને પૂણ્યનું ભાથું બાંધે છે, જે ઢાલ - ૨૩ પંકિત નંબર ૫૪ થી ૬૦માં સમજાવ્યું છે. કર્મસિદ્ધાંત
કર્મ સિદ્ધાંત જૈનદર્શનનો એક મુખ્ય સિદ્ધાંત છે. સાંસારિક જીવ જે વિવિધ પ્રકારના કર્મોના બંધન કરે છે. તેને વિપાકની દષ્ટિએ બે ભાગમાં વિભક્ત કરેલ છે. શુભ અને અશુભ, પુણ્ય અને પાપ, અથવા કુશળ અને અકુશળ. આ બે ભેદોનો ઉલ્લેખ જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન અને ઉપનિષદ આદિમાં કરેલ છે.
જે કર્મના ફળની પ્રાણી અનુકૂળ અનુભવ કરે તે પુણ્ય અને જેનો પ્રતિકૂળ અનુભવ કરે તે પાપ છે. પુણ્યના શુભફળની ઈચ્છા બધા જ કરે છે પરંતુ પાપના ફળની ઈચ્છા કોઈ કરતું નથી, તો * પણ તેના વિપાકથી કોઈ બચી શકતું નથી.
ગોસ્વામી તુલસીદાસ ‘રામાયણ'માં લખે છે કે,
કર્મ પ્રધાન વિશ્વ કરી રાખો, જે જસ કરઈ સો તસ ફલ ચાખા. આમ કરે તેવું પામે તે ઉક્તિ અનુસાર જે જીવ જેવું કર્મ બાંધે છે, તેવું જ ફળ ભોગવે છે.
એ સત્ય છે કે બધા જ ભારતીય દાર્શનિકોએ કર્મવાદની સ્થાપનામાં યોગદાન આપ્યું છે પરંતુ જૈન પરંપરામાં કર્મવાદનું જેવું સુવ્યવસ્થિત સ્વરૂપ છે, તેવું અન્ય દર્શનોમાં નથી. જૈન