Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં વ્રતીના બે પ્રકાર દર્શાવ્યા છે જેમ કે, “આર્યનગરફ' (૭/ ૯) અર્થાત્ અગારી (ગૃહસ્થ) અને અણગાર (ગૃહત્યાગી ભાવમુનિ).
જૈન તત્ત્વપ્રકાશમાં આગારી ધર્મનો અર્થ બતાવતાં કહ્યું છે કે, અગાર એટલે ઘર. ઘરમાં અર્થાત્ ગૃહસ્થાવાસમાં રહીને ધર્મારાધન કરાય છે, તે આગારી/સાગારી ધર્મ કહેવાય. ગૃહસ્થના વ્રત સુવર્ણ સમાન છે અર્થાત્ સોનું વાલ બે વાલ, તોલો બે તોલા એમ મરજી મુજબ અથવા શક્તિ મુજબ ખરીદી શકાય છે, તેવી જ રીતે ગૃહસ્થના વ્રત પણ યથાશક્તિ પ્રમાણે અંગીકાર કરી શકાય. ક્ષયોપશમ અને શક્તિ પ્રમાણે વ્રત ધારણ કરી શકાય. આ કારણથી તે સાગારી/આગારી ધર્મ કહેવાય છે.
અણગાર એટલે ઉત્તમ ચારિત્રવાળા મુનિઓ ઘરના ત્યાગી હોવાથી અણગાર કહેવાય. વ્યવહારમાં પણ કહેવામાં આવે છે કે, સાધુના વ્રત મુક્તાફળ (મોતી) સમાન છે. અર્થાત્ મોતી અખંડિત ધારણ કરાય છે, તેવી રીતે મુનિઓ સાવધ યોગના ત્રિકરણ, ત્રિયોગે એમ નવ કોટિએ આજીવન પ્રત્યાખાન કરી પાંચ મહાવ્રતનું પાલન કરે છે. આમ સાધુના વ્રતમાં કોઈ પણ પ્રકારના આગાર ન હોવાથી, તેને અણગાર ધર્મ કહે છે.
જે અહિંસા, સત્ય વગેરે વ્રતોનું આજીવન અખંડ રૂપમાં આરાધના કરી શકે, તેના માટે મહાવ્રતોનું વિધાન કર્યું છે અને જે ન કરી શકે તેમના માટે તે વ્રતોને અણુવ્રતોના રૂપમાં બતાવ્યાં છે. મન, વચન અને શરીરથી હિંસા આદિ કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદના કરવી નહિ. આ નવ વિકલ્પ થાય છે. જ્યાં આ વિકલ્પ સમગ્રતાને માટે હોય છે, ત્યાં વિરતિ પૂર્ણ થાય છે અને જ્યાં સમગ્રતા નથી હોતી ત્યાં વિરતિ અપૂર્ણ રહે છે. 'તત્વાર્થ ભાષ્ય' અનુસાર ૭/૨
एभ्यो हिंसादिभ्य एकदेशविरतिरणुव्रतं, सर्वतो विरतिर्महाव्रतमिति । અર્થાત્ : અપૂર્ણ વિરતિ અણુવ્રત અને પૂર્ણવિરતિ મહાવ્રત કહેવાય છે.
બીજા શબ્દોમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી હિંસા વગેરે પાપોનો પરિત્યાગ કરવાવાળા સાધુ અને એનો આંશિક ત્યાગ કરવાવાળા ગૃહસ્થની કોટિમાં આવે છે.
આમ હિંસાદિ પાપોથી દેશથી (આંશિક કે સ્કૂલ) નિવૃત્તિ તે અણુવ્રત છે અને સર્વથા (સૂક્ષ્મથી) નિવૃત્તિ તે મહાવ્રત છે. મહાવત - અર્થ વિમર્શ
આચાર્ય આપ્ટેના મતે “મહાન’ અને ‘વ્રત' આ શબ્દોથી યુક્ત મહાવ્રત શબ્દના અર્થ સર્વોચ્ચ નિયમ, મહાન કૃત્ય, કઠોરવ્રત અને સાર્વભૌમવ્રત વગેરે છે
મહા' વિશેષણ એટલા માટે અર્થસભર છે કે અહિંસા વગેરે વ્રતોનું પાલન કરવાથી મહાન અર્થ સિદ્ધ થાય છે.
ભગવતી આરાધના/૧૧૭૮ ગાથામાં પણ “મહાવ્રત’ શબ્દને આ જ રૂપમાં વ્યાખ્યાયિત કરી બતાવ્યું છે. કે જે મહાન અર્થ મોક્ષને સિધ્ધ કરે છે, જે મહાપુરુષો દ્વારા આચરણીય છે અને જે સ્વયં મહાન છે તેનું નામ મહાવ્રત છે.