Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અશુભ પ્રવૃત્તિથી ફરી શુભ પ્રવૃત્તિમાં પાછા આવવું તે પ્રતિક્રમણ છે.
આચાર્ય ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં પ્રતિક્રમણના પ્રતિચરણ આદિ આઠ પર્યાયવાચી શબ્દોનું કથન કર્યું છે.
ષડાવશ્યકોનો ક્રમ પણ મનોવૈજ્ઞાનિક ઢબે રાખવામાં આવ્યાં છે. પહેલો સામાયિક આવશ્યક સમભાવની સાધના શીખવે છે. સમભાવનો સાધક જ ગુણાનુરાગી બની શકે છે. એટલે સામયિક પછી ચોવીસી સ્તવનનો ક્રમ આવે છે. ગુણપૂજક બન્યા પછી જ ગુરુજનોના ચરણે નમે છે. એટલા માટે જિનસ્તુતિ પછી ગુરુવંદનાનો ક્રમ આવે છે. નમ્રતા આવ્યા પછી વ્રતોમાં લાગેલાં દોષોની આલોચના કરે છે, માટે વંદના પછી પ્રતિક્રમણનું સ્થાન આવે છે. પાપની આલોચનાથી ચિત્તની શુદ્ધિ થયા પછી મન, વચન અને કાયની સ્થિરતા માટે કાયોત્સર્ગનો નિયમ છે. અને સ્થિર મનયોગવાળી વ્યક્તિ જ પ્રત્યાખ્યાન કરી શકે છે માટે કાયોત્સર્ગ પછી પ્રત્યાખ્યાનનો ક્રમ છે. આ રીતે છએ આવશ્યક આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ અને આત્મવિશુદ્ધિનો શ્રેષ્ઠત્તમ ઉપાય છે.
‘શ્રી અનુયોગદ્વાર સૂત્ર’માં પ્રતિક્રમણના બે પ્રકાર કહ્યાં છે ૧) દ્રવ્ય અને ૨) ભાવ પ્રતિક્રમણ. કાળની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. દેવસી, રાઈ, પાખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક. કારણની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ.
‘શ્રી સ્થાનાંગસૂત્ર’ના છઠ્ઠા સ્થાનમાં છ પ્રકારના પ્રતિક્રમણનું કથન છે. ૧) ઉચ્ચાર, ૨) પ્રશ્રવણ, ૩) ઈત્વર, ૪) યાવત્ કથિત, ૫) યત્કિંચિંમિથ્યા અને ૬) સ્વપ્નાંતિક પ્રતિકમણ.
પ્રતિક્રમણ સાધકની રોજનીશી છે. પ્રતિદિન સાંજે પોતાના હિસાબને ચોખ્ખા કરી લેનાર વ્યાપારી હંમેશા લાભને પ્રાપ્ત કરે છે તેમ ઉભયકાળ પોતાના દોષોનું શોધન કરી પ્રતિક્રમણ કરનાર સાધક ઉત્તરોત્તર આત્મગુણોના લાભને પ્રાપ્ત કરે છે.
‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’-૨૧માં કહ્યું છે કે, પ્રતિક્રમણ કરવાથી વ્રતોમાં લાગેલા દોષોનું નિવારણ થાય છે.
‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૮માં દર્શાવ્યું છે કે, ઉભયકાળ શુદ્ધભાવે પ્રતિક્રમણ કરવાથી જીવ તીર્થંકરનામ ગોત્રનો બંધ કરે છે.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ’માં છ આવશ્યકના નામ દર્શાવી પ્રતિક્રમણ કરવાથી આત્મા નિર્મળ બને છે, તેમજ પૂર્વના પાપો નાશ પામે છે, તે કથનનું નિરૂપણ ઢાલ - ૨૩ પંકિત નંબર ૨૪ થી ૨૬માં કર્યું છે.
પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)
પાપ પ્રવૃત્તિના ત્યાગ માટે સમ્યજ્ઞાન પૂર્વકના દૃઢ સંકલ્પને પ્રત્યાખ્યાન કહે છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'માં વ્યાખ્યાકારે પ્રત્યાખ્યાનનો વ્યુત્પત્તિલભ્ય અર્થ આ પ્રમાણે દર્શાવ્યો છે, પ્રતિ + આ + ખ્યાન. પ્રતિ શબ્દ (ઉપસર્ગ) નિષેધ અર્થમાં છે. આ = અભિમુખ અર્થમાં છે. ખ્યા ધાતુ કથન કરવાના અર્થમાં છે. આ ત્રણે શબ્દો મળીને પ્રત્યાખ્યાનનો અર્થ થાય - ગુરુની સન્મુખ પાપ પ્રવૃત્તિનો નિષેધ કરવો.