Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
માટે ઉત્તમ પાત્ર છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જૈનગ્રંથો અનુસાર ધર્મરત્નને યોગ્ય એવા શ્રાવકના એકવીસ ગુણોનું નિરૂપણ કર્યું છે. જે ઢાલ - ૫ પંકિત નંબર ૪૦ થી ૪૭માં શબ્દસ્થ થાય છે. સુશ્રાવકની નિત્ય કરણી
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ‘મોક્ષમાળા’માં શ્રાવકના સામાન્ય નિત્ય નિયમનું આલેખન કર્યું છે. જેમ કે, “પ્રભાત પહેલા જાગૃત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપ વ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાય કરીને મનને ઉજ્વલ કરવું.
માતાપિતાનો વિનય કરી, આત્મહિતનો લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પોતે ભોજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. આહાર વિહારનો નિયમિત વખત રાખવો, તેમ જ સતશાસ્ત્રના અભ્યાસનો અને તાત્ત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો.
સાંયકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચોવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશવ્રત દોષ અને સર્વ જીવને ખમાવી, પંચ પરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું.
‘મન્હ જિણાણ’ની સજ્ઝાયમાં પણ શ્રાવકને યોગ્ય સદાચારના છત્રીસ પ્રકારનાં કૃત્યોનું વર્ણન છે. દરેક શ્રાવકે તે કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત થવાની જરૂર છે.
જૈનશાસ્ત્રોમાં શ્રાવકધર્મના ષટ્કર્મોના વિષયનું કથન પણ દર્શાવ્યું છે. જેમ કે, देवपूजा गुरुपास्ति स्वाध्याय: संयमः तपः ।
दानं येति गृहस्थानां षट्कर्माणि दिने दिने ।
અર્થાત્ : ગૃહસ્થે દરરોજ દેવપૂજા, ગુરુવંદન, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન આ છ કાર્ય
રોજ કરવા જોઈએ.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં સુશ્રાવકની નિત્ય-કરણી નું જૈન ગ્રંથો અનુસાર સુંદર આલેખન કરી ઢાલ - ૨૩ પંકિત નંબર ૨૪ થી ૨૮, ૪૦ થી ૪૩ દ્વારા પ્રતીતિ કરાવે છે. જિનપૂજા
જૈનદર્શનમાં / ધર્મમાં મૂર્તિપૂજક પરંપરામાં પ્રભુની મૂર્તિની પૂજાનું એક વિશિષ્ટ અને અનોખું મહત્ત્વ છે. જૈન ભક્તો દેરાસરમાં પ્રભુની મૂર્તિની પૂજા કરે છે. પ્રભુના દર્શનથી તેમની વીતરાગતાનું ભાન થાય છે. આત્મા આનંદવિભોર બની તેમના જેવા બનવાની ઝંખના કરે છે. સંસારને ભૂલીને આંખ પરમાત્માની મૂર્તિ પર ઠરે છે. સંસારની મોહ દશા નાશ પામે છે. દર્શન અને પૂજન એ તો પરમાત્માની નિકટ જવાનો રાજમાર્ગ છે. પ્રભુનાં દર્શનથી આત્મા આનંદમય બને છે તો પ્રભુનું પૂજન એ તો પાવક અગ્નિ છે. પ્રભુની પૂજા કરવાથી મૂર્છિત સંસારની મોહ દશામાં ગળાડૂબ પડેલો આત્મા જાગૃત બને છે.
= ૧૨૭૪૨