Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ઢાલ – ૩ કડી નંબર ૨૦થી ૨૮માં પણ કવિએ સરસ્વતીદેવીનું સર્વાંગી વર્ણન કર્યું છે. કે જે એમની કલ્પનાશક્તિને દાદ આપી જાય છે.
સરસ્વતીદેવીના ઉર પર મોતી અને કનકનો હાર છે. વળી ફૂલનો હાર પણ શોભી રહ્યો છે. કોકિલકંઠી કામિની એવા સરસ્વતી જયજયકાર બોલે છે. માટે હે બ્રહ્માણી! તું સારું સારું સ્મરણ કરાવજે, તારા નામનો જયજયકાર થાય છે. તારા ગળામાં રત્નનો હાર છે, પગમાં ઝાંઝરનો ઝમકાર છે. હે બ્રહ્માણી! તું સારું સારું સ્મરણ કરાવજે. - આંચલી.
અહીં કવિ સરસ્વતીદેવીનાં અંગોનું વિવિધ પ્રાકૃતિક ઉપમાઓ દ્વારા વર્ણન કરતાં કહે છે કે, એમનું મુખ ચંદ્રમા જેવું, લોચનો મૃગનયન જેવાં છે, એમનાં ગાલ સોનાનાં કચોળાં જેવાં છે. એમની નાસિકા પોપટની ચાંચ જેવી તેમ જ લલાટ અષ્ટમીનાં ચંદ્ર જેવો છે, જીભ તો જાણે સાક્ષાત્ અમૃતનો પ્યાલો છે, હોઠ પ્રવાલમોતીના રંગ જેવાં છે, દાંત દાડમની કળી જેવાં છે. આમ એમનું જેમ કે બાણ સંપૂર્ણ અંગ અનુપમ છે. એમની આંખની ભમરોનો વળાંક વેલડી જેવો ગોળ ચઢાવેલ ધનુષ. આવી વેધક દષ્ટિવાળા સરસ્વતીને ચતુર અને વિદ્વાન જ પામી શકે છે. મૂર્ખ લોકો ખાલી હાથે પાછા ફરે છે.
સરસ્વતીદેવીના કાન કામભોગને આકર્ષિત કરે તેમ ઝૂલી રહ્યાં છે, તેમ જ નાગ, નગોદર અને ઝાલી જેવાં આભૂષણોથી શોભિત છે. એમનાં ચોટલાએ વાસુકિ નાગને પણ જીતી લીધો છે, એમની ચાલની ઝડપે હંસને પણ હરાવ્યું છે. જેમ સુકાયેલી આંબાડાળ ઉપર મોગરો શોભે, તેમ એમના વિશાળ લલાટ ઉપર સેંથામાં ફૂલી, રાખડી, ખીંટલી જેવાં આભૂષણો શોભી રહ્યાં છે.
મોતી જેનું ભોજન છે એવા હંસ રૂપી વાહન ઉપર માતા બિરાજે છે. જે કવિજનો શારદાદેવીનું સ્મરણ કરે છે, તેના મુખમાં તેઓ વાસ કરે છે. અર્થાત્ આશિષ મેળવે છે.
આમ કવિ સરસ્વતીદેવીનું આનંદપૂર્વક વર્ણન કરીને તેમના ગુણગાન ગાય છે. આવા વચનો કાનથી સાંભળીને તરત જ સહુ નરનારી આનંદિત થયા.
પછી કવિ પણ આનંદિત થઈને કાવ્ય રચનામાં ઉત્તમ પ્રકારના આચારનું વર્ણન કરે છે અને નરનારીને કહે છે કે, તમે સહુ સાંભળો, ‘વ્રત’ કહું છું જે બાર પ્રકારે છે.
|| દૂહા ||
એણઈ જંગી ધર્મયુગલ કહ્યા, ભાખ્યા શ્રી જિનરાય ।
શ્રાવક ધર્મ યતી તણો, સુયુ એક ચીત લાય ।।૨૯ ।।
કડી નંબર ૨૯માં કવિએ બે પ્રકારના ધર્મની વાત કરી છે.
આ જગતમાં શ્રી જિનભગવંતોએ બે પ્રકારના ધર્મ કહ્યા છે, (૧) શ્રાવકધર્મ અને (૨) બીજો યતીધર્મ. તે તમે બધા એક ચિત્તથી સાંભળો.
ઢાલ || ૪ || ચોપઈ ।।
લાઈ ચીત સુણયુ સહુ કોય, દસ વીધ્ય ધર્મ યતીનો હોય ।
ખ્યમાવંત નિં આવપણું, માન ન રાખઈ મનમ્હાં ઘણુ ।।૩૦ ||