Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૧) રોચકતા અને જિજ્ઞાસા
રાસના આરંભમાં જ જિનભગવંતોએ પ્રરૂપેલાં બે ધર્મનું આલેખન કરીને, પછી દેશવિરતિ ધર્મ એટલે શ્રાવક ધર્મરૂપી બાર વ્રતોની વાત દષ્ટાંતો દ્વારા વાચકગણની રુચિ પ્રમાણે રચનાકાર કરવા માંગે છે. ત્યારે વાચકને જિજ્ઞાસા જાગે છે, કે બાર વ્રત એટલે શું? તે કેવાં હોય? એનાથી શું લાભ થાય? વગેરે પ્રશ્નો વાચકના મનમાં ઉદ્ભવે છે અને આમ વાચકની જિજ્ઞાસા અંત સુધી રહે છે. (૨) આકર્ષક અને સંક્ષિપ્ત
- આ રાસનું શીર્ષક બહુ જ સંક્ષિપ્ત અને આકર્ષક છે. કારણ કે રાસનું વ્રત એવું ટૂંકું નામ આપી, વ્રતની મહત્તા બતાવી છે. શ્રાવક ધર્મરૂપી બાર વ્રતો એટલે આત્માને ઉન્નતિના માર્ગે લઈ જવાનું પાંચમું પગથિયું છે. (૩) દષ્ટાંત મૂલક
રચનાકારે ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવક ધર્મરૂપી વ્રતોને સુલભતાથી સમજાવવા માટે અનેક દષ્ટાંત કથાનકોના પાત્રોનું આલેખન કર્યું છે કે જેથી બાળ સુલભ શ્રોતાગણ સુગમતાપૂર્વક હૃદયગમ કરી શકે સાથે સાથે આ રાસામાં શબ્દ, અર્થ, લય, ચિત્ર, ભાવ, વિચાર આદિ એટલાં બધાં તત્ત્વોને અવકાશ છે કે એકનું એક રાસા/કાવ્ય અનેક વ્યક્તિઓને જુદા જુદા રૂપે આકર્ષે છે.
કવિ ઋષભદાસે આ કૃતિને ‘વ્રતવિચાર રાસ' એવું શીર્ષક આપ્યું છે તો રાસ’ શબ્દની યથાર્થતા તપાસતાં જણાય છે કે મધ્યકાલીન યુગમાં રચાતા રાસાના દરેકે દરેક લક્ષણો વ્રતવિચાર રાસ'માં નિરૂપેલા છે. તેમ જ તે સમયમાં રાસાનું સ્વરૂપ લોકભોગ્ય હતું તેથી કવિએ પોતાની વ્રતવિષયક વિચારણાને રાસાના સ્વરૂપમાં આલેખીને તેને સફળતાપૂર્વક લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપર્યુક્ત મુદ્દાઓ દ્વારા પણ ‘વ્રતવિચાર રાસ'નું શીર્ષક યથાયોગ્ય છે. આમ સમગ્ર દષ્ટિથી અવલોકન કરતાં વ્રતવિચાર રાસ'નું શીર્ષક કૃતિની સાહિત્યિક દૃષ્ટિથી પણ યથાયોગ્ય છે.
આમ સમગ્ર રીતે કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ’નું સાહિત્યિક અવલોકન કરતાં જણાય છે કે, કવિ ઋષભદાસે આ રાસની રચના સામાન્ય જનોને જૈનધર્મના સિદ્ધાંતોની સમજ આપવા માટે કરી છે. તેમાં કવિની કવિત્વશક્તિ, પાત્રાલેખનશક્તિ, વર્ણનશક્તિ, દષ્ટાંત કથાઓ કહેવાની લાઘવયુક્ત રસાળ શૈલીનો સુંદર પરિચય થાય છે. એમનું આલેખન ક્યાંક ક્યાંક પરંપરાગત ઉપમાઓ દ્વારા તથા લંબાણપૂર્વક થયું હોવા છતાં તે ક્ષમ્ય છે, કારણ કે કવિએ 'વ્રત' જેવા વિષયને કથાઓનાં ઉપકરણમાં સુંદર રીતે શણગારી વાચક સમક્ષ રજૂ કર્યું છે. આમ સોળમી/સત્તરમી સદીના કવિ ઋષભદાસની આ કૃતિ જૈનસાહિત્યની રાસાકૃતિઓમાં શિરમોર ગણી શકાય.