Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પણ બોલાય છે. (નેમિનાથની સ્તુતિ).
(૪) શત્રુંજયના નવ ખમાસણાના દુહા કાર્તિકી પૂનમને દિવસે શત્રુંજય તીર્થ કે એમના પટને ખમાસણ દેતી વેળાએ ચતુર્વિધ સંઘ ભાવથી બોલે છે.
(૫) એમના ભાવવાહી સ્તવનો, જૈન સ્તુતિઓમાંથી કેટલાંક પ્રખ્યાત ગાયકોએ ગાયા છે. “સંસારના ખોટા સગપણ' વિશેની સઝાયનું ટેપરેકોર્ડિંગ પણ થયું છે.
(૬) 'ભરતેશ્વર રાસ', 'કુમારપાળ રાસ', તથા ‘હીરવિજયસૂરિ રાસ' આદિ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આમ જૈન ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરનાર કવિ ઋષભદાસની કાવ્ય-કૃતિઓની આ લોકપ્રિયતા જ એમની મહત્તા સૂચવે છે. વ્રતવિચાર રાસ' શીર્ષકની યથાર્થતા
મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે વિપુલ પ્રમાણમાં ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર એટલે રાસા.
આ રાસાઓમાં વિષયની વિવિધતા રહેતી, જેમ કે ધાર્મિક, ઐતિહાસિક, ધર્મોપદેશક, ચૈત્યપરિપાટી, જૈનધાર્મિક પરંપરાની કથાઓ વગેરે આલેખાતાં. મોટા ભાગે આ દરેક રાસાઓનું શીર્ષક રાસાના મુખ્ય ચરિત્રનાં આધારે, મુખ્ય ઘટના અનુસાર અથવા પ્રધાનભાવ પર આધારિત રહેતું.
જેમ કે કુમારપાળ રાસ' કે જેમાં મુખ્ય પ્રધાનપાત્ર કુમારપાળ રાજાનું છે, તેના ઉપરથી જ રાસાનું શીર્ષક 'કુમારપાળ રાસ' એવું આપ્યું છે. તેવી જ રીતે તીર્થકરો-ગણધરોના કથાનકોવાળા રાસાઓ જેમ કે નેમિનાથ રાસ', “ગૌતમ સ્વામીનો રાસ' વગેરેનાં શીર્ષક રાસામાં રહેલાં મુખ્ય પાત્ર-ચરિત્ર ઉપરથી જ આપવામાં આવતા. તો વળી સંઘ યાત્રા કે તીર્થોદ્ધારોને વર્ણવતાં રાસાઓમાં તેમાં રહેલ મુખ્ય ઘટના કે વિષયને અનુરૂપ જેમ કે ‘ગિરનાર તીર્થોદ્ધાર રાસ', ‘પ્રેમચંદ સંઘ વર્ણન રાસ’ વગેરે શીર્ષક રહેતાં. તેવી જ રીતે શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓનાં કથાનકોવાળા રાસાઓનું શીર્ષક તેનાં મુખ્ય પાત્ર ઉપરથી રહેતું. જેમ કે “સુદર્શન શ્રેષ્ઠીનો રાસ’ ‘ચંદનબાળાનો રાસ' વગેરે. તેમ જ ધાર્મિક પરંપરા અને ઈતિહાસ પ્રસિદ્ધ સાધુ ભગવંતોના ચારિત્રોવાળા રાસાઓનાં શીર્ષક પણ મુખ્ય ચારિત્રના આધારે જ રહેતું. જેમ કે, ‘હીરવિજયસૂરિ રાસ’, ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ'.
કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'માં કવિએ કોઈ મુખ્ય ચારિત્રની કે ઘટનાની વાત કે મુખ્ય પાત્રની વાત આલેખી નથી પરંતુ વ્રતવિચાર રાસ'માં કવિએ આલેખેલ વિષયનો વિચાર કરીએ તો તેમાં જૈનધર્મનો ઉપદેશ આપ્યો છે. તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલ સર્વવિરતિ ધર્મને અનુસંગે દશ યતિ ધર્મ તેમ જ દેશવિરતિ ધર્મ એટલે સમ્યકત્ત્વ સાથે શ્રાવકના બાર વ્રતોનું નિરૂપણ કર્યું છે. સાથે સાથે વ્રતોનું ખંડન ન થાય તે માટે અતિચારોને પણ સમજાવ્યાં છે. આ વ્રતોને અંતરસ્પર્શી બનાવવા માટે જૈનધર્મના તાત્ત્વિક વિષયોનું જ્ઞાન પણ આપ્યું છે. આમ શ્રાવક ધર્મરૂપી વ્રતોની મહત્તા દર્શાવી છે. તેમ જ જૈનધર્મી ગૃહસ્થ આ શ્રાવક ધર્મનું ગ્રહણ અને આચરણ કરવું જોઈએ એવો બોધ આપવાનો-કર્તાનો મુખ્ય આશય છે. આમ વ્રત વિષયક' ઉપદેશ આ રાસમાં રહેલો હોવાથી ‘પાસ’નું શીર્ષક યથાયોગ્ય છે. જે નીચેના ત્રણ મુદ્દાઓથી વધારે સ્પષ્ટ થાય છે.