Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અર્થાત્ : તીર્થંકરોને જન્મથી આરંભીને ચાર અતિશયો, કર્મના સંક્ષયથી ઉત્પન્ન થયેલા અગિયાર અતિશયો અને દેવતાએ કરેલા ઓગણીસ અતિશયો હોય છે. ચોત્રીસ અતિશયવાળા ભગવાનને હું વંદના કરું છું.
આમ ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ચોત્રીસ અતિશયોના વિભાજનમાં મતભેદ નજરે પડે છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં પ્રથમ ચાર અતિશય જન્મથી હોય, અગિયાર અતિશય કેવળજ્ઞાન થયા પછી પ્રગટે અને ઓગણીસ અતિશય દેવકૃત હોય છે. આ પ્રમાણે અરિહંત પ્રભુના ચોત્રીસ અતિશયોનું આલેખન ઢાલ-૭ પંકિત ૬૧ થી ૬૫માં કર્યું છે. અરિહંત અઢાર દોષરહિત હોય
દોષનો સામાન્ય અર્થ ભૂલચૂક, ગુનો, વાંક, ખામી, પાપ વગેરે થાય.
જૈનાગમોમાં અરિહંત પ્રભુને અઢાર દોષરહિત બતાવવામાં આવ્યાં છે. અરિહંત ભગવાન વીતરાગી અને સર્વજ્ઞ હોય છે. ચાર ઘાતી કર્મોનો નાશ કરવાથી તેમનામાં અર્જુન્ત અવસ્થા પ્રગટ થાય છે. એમના આત્મામાં કોઈ પણ પ્રકારના વિકાર અથવા દોષ હોય નહિ.
‘નિગ્રંથ પ્રવચન’ આદિ જૈનાગામોમાં અઢાર દોષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અઢાર દોષોનાં નામ છે ૧) મિથ્યાત્વ, ૨) અજ્ઞાન, ૩) મદ, ૪) ક્રોધ, ૫) માયા, ૬) લોભ, ૭) રિત, ૮) અરતિ, ૯) નિદ્રા, ૧૦) શોક, ૧૧) અલિક, ૧૨) ચોરી, ૧૩) મત્સર-ઈર્ષ્યા, ૧૪) ભય, ૧૫) હિંસા, ૧૬) પ્રેમ, ૧૭) ક્રીડા અને ૧૮) હાસ્ય.
‘નિયમસાર મૂ.’ ‘દ્રવ્યસંગ્રહ ટીકા' આદિમાં પણ અઢાર દોષોથી રહિત આમ છે એમ દર્શાવ્યું છે. ‘વસુનન્દિ શ્રાવકાચાર’ના અનુસાર અઢાર દોષો નીચે પ્રમાણે છે.
छुह तण्ह भीरू रोसो, रागो मोहो चिंताजरारूजामिच्यू । स्वदे खेंद मदो रइ विम्हियाणिद्रजणुव्वेगो ॥ ६ ॥
અર્થાત્ : ક્ષુધા, તૃષા, ભય, રોષ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, ખેદ, સ્વેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ (અરતિ). આ અઢાર દોષોનો અરિહંત પ્રભુમાં અભાવ હોય છે.
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ ‘જૈન ધર્મ’ નામના પુસ્તકમાં અઢાર દૂષણ બતાવ્યાં છે. જેમ કે, પાંચ પ્રકારના અંતરાય કર્મ દાનાંતરાયકર્મ, લાભાંતરાયકર્મ, વીર્યંતરાયકર્મ, ભોગાંતરાયકર્મ અને ઉપભોગાંતરાય કર્મ તેમ જ હાસ્ય, રતિ, અતિ, ભય, જુગુપ્સા, શોક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ. આ અઢાર દૂષણોનો સર્વથા અભાવ જેમાં હોય તે જ તીર્થંકર છે, અરિહંત છે.
આમ ભિન્ન ભિન્ન ગ્રંથોમાં અઢાર દોષના નામોમાં ભિન્નતા નજરે પડે છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં જૈનાગમોના આધારે પ્રથમ પાંચ અંતરાય કર્મોનો અભાવ તેમ જ અન્ય તેર દોષ એમ અઢાર દોષો અરિહંત પ્રભુમાં ન હોય તેનું આલેખન ઢાલ - ૬ પંકિત નંબર ૫૩ થી ૫૯માં કર્યું છે.