Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કથન કર્યું છે, જેમ કે બાર તપ, છ આવશ્યક, પાંચ આચાર, દશ યતિ ધર્મ અને ત્રણ ગુપ્તિ.
તેવી જ રીતે અનગાર ધર્મામૃત/૯/૭૬માં આચાર્યના છત્રીસ ગુણોને દર્શાવ્યા છે. જેમ કે આચારતત્ત્વ, આધારતત્ત્વ વગેરે આઠ ગુણો અને છ અંતરંગ તથા છ બહિરંગ મળીને બાર પ્રકારના તપ તથા સંયમમાં વિશિષ્ટતાને પ્રગટ કરવાવાળા આચેલક્ય વગેરે દશ પ્રકારના ગુણ જેને સ્થિતિકલ્પ કહે છે. તેમ જ સામાયિક આદિ પૂર્વોક્ત છ પ્રકારના આવશ્યક છે.
આમ ભિન્ન ભિન્ન પ્રકારે આચાર્યના છત્રીસ ગુણોનું કથન જૈન ગ્રંથોમાં જોવા મળે છે.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં નિગ્રંથ ગુરુના છત્રીસ ગુણોનું તેમ આચાર્યપદના છત્રીસ ગુણોનું સૂત્રસિદ્ધાંત પ્રમાણે નિરૂપણ ઢાલ – ૧૧-૧૨-૧૩ કડી નંબર ૯૨ થી ૧૦૮માં કર્યું છે. મુનિના સત્તાવીશ ગુણ
જૈનધર્મ-દર્શનમાં સાધુ પદ પાંચેય પરમેષ્ટિમાં વ્યાપક છે. એકાંત મોક્ષના હેતુ માટે જ આત્મસાધના કરે તેને સાધુ કહે છે.
‘બૃહદ્યચક્ર'માં દેવસેનાચાર્ય અનુસાર સુખદુઃખમાં જે સમાન છે અને ધ્યાનમાં લીન છે તે શ્રમણ કહેવાય.
શ્રી સૂયગડાંગ સૂત્ર'/૧/૧૬માં સાધુને ચાર નામથી વર્ણવ્યા છે. ૧) માહણ, ૨) સમણ, ૩) ભિખુ અને ૪) નિગ્રંથ.
શ્વેતામ્બર પરંપરામાં મુનિ માટે સત્તાવીશ મૂલગુણોના પરિપાલનનું વિધાન છે.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ અને ‘શ્રી સમવાયાંગ સૂત્રમાં મુનિના સત્તાવીસ ગુણોનું કથન નીચે પ્રમાણે છે,
___पंचमहव्वय जुत्तो, पंचिंदिय संवरणो, चउविह कसायमुवको, तओ समाधारणया ॥१॥
ति सच्च संपन्न तिओ, खंति संवेग रओ ।
वेयण मच्चु भयगयं, साहु गुण सत्तवीसं ॥२॥ અર્થાત્ : પાંચ મહાવ્રત પાળે, પાંચ ઈન્દ્રિયનો નિરોધ, ચાર કષાયોનો ત્યાગ, ભાવ સત્ય, કરણ સત્ય, યોગ સત્ય, ક્ષમા, વીતરાગતા, મન સમાધારણતા, વચન સમાધારણતા, કાય સમાધારણતા, જ્ઞાન સંપન્નતા, દર્શન સંપન્નતા, ચારિત્ર સંપન્નતા, વેદનાતિ સહનતા અને મારણાંતિક કષ્ટ સહનતા. આ પ્રકારે મુનિના સત્તાવીશ ગુણ છે.
શ્રી આવશ્યક સૂત્ર'ની ટીકામાં આચાર્ય હરિભદ્રસૂરિએ સંગ્રહણી બે ગાથા દ્વારા સત્તાવીશ ગુણોનું કથન કર્યું છે. જેમ કે ૧) થી ૫) પાંચ મહાવ્રતોનું સમ્યક પાલન કરવું, ૬) રાત્રિભોજન ત્યાગ, ૭) થી ૧૧) પાંચેય ઈન્દ્રિયોને વશમાં રાખવી, ૧૨) ભાવ સત્ય, ૧૩) કરણ સત્ય, ૧૪) ક્ષમા, ૧૫) વીતરાગતા, ૧૬) થી ૧૮) મન-વચન-કાય અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનો સ્વીકાર, ૧૯) થી ૨૪) છ કાયની રક્ષા, (૨૫) સંયમ યોગયુક્તતા, ર૬) તિતિક્ષા-સહિષ્ણુતા અને ૨૭) મારણાંતિક ઉપસર્ગને પણ સમભાવથી સહન કરવા.