Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પ્રકરણ ૪. વ્રતવિચાર રાસ-સમાલોચના
(ક) સાહિત્યિક મૂલ્યાંકન કોઈ પણ કૃતિના પ્રતિપાદ્ય વિષયને અનુરૂપ ભાષા-શૈલીનો તેમ જ તેના ભાવોને તાદશ્ય કરવા તે તેના સાહિત્યિક સ્તરના મૂલ્યાંકનની કસોટી છે. આ દષ્ટિથી જ્યારે આપણે કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'નું અવલોકન કરીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે તેનું સાહિત્યિક મૂલ્યાંકન કેટલું ઊચું છે અનોખું છે.
કવિ ઋષભદાસની કાવ્યમય વ્રતવિચાર રાસ' કૃતિમાં ક્રમવાર સાહિત્યિક મૂલ્યાંકન કરતાં તેમાં સહુ પ્રથમ તેનું બંધારણ પછી મંગલાચરણ, સરસ્વતી વંદના, તેમાં આવતાં વિવિધ પાત્રો, રસ નિરૂપણ, વર્ણનો, અલંકારો, કહેવતો, રૂઢિ-પ્રયોગો, સુભાષિતો, હરિયાલી, વિવિધ છંદો, વિવિધ દેશીઓ, વિવિધ રાગ-રાગિણીઓ, ભાષાશૈલી, સમાસો આદિ શબ્દ વૈભવ તેમ જ શીર્ષકની યથાર્થતા વગેરે વિવિધ સાહિત્યના ગુણોનું આલેખન કર્યું છે જે નીચે મુજબ છે. રાસનું બંધારણ
બંધારણ એટલે રાસની રચના, તેની બાંધણી.
મધ્યકાલીન યુગમાં જૈન સાધુ કવિઓ તથા શ્રાવક કવિઓના હાથે રચાયેલા “રાસા' પ્રથમ ટૂંકા અને સળંગ હતા પરંતુ ધીમે ધીમે તેમાં સ્તુતિ, વર્ણનો, આડકથાઓ, ધર્મોપદેશો વગેરે ઉમેરાતા ગયા. તેથી રાસાનો વિસ્તાર વધતો ગયો. આવા રાસાઓમાં ઠવણી, અધિકાર, ખંડ, કડવક અને ઢાલ જેવા વિભાગ પાડવાની પ્રથા શરૂ થઈ. આવા લાંબા ‘રાસા' રમવા માટે ઉપયોગી ન બનતાં તેનું ફક્ત વાંચન, પઠન કે શ્રવણ થતું. આવા ‘રાસા' સુગેય રચના હોવાને લીધે તેમાં લયબદ્ધ ગાવા માટે વિવિધ રાગ-રાગિણીઓનો વિવિધ છંદોનો ઉપયોગ થતો. કાવ્યને અલંકૃત કરવા માટે અલંકારોનો તેમ જ વિવિધ શૈલીનો ઉપયોગ થતો. આમ કાવ્ય તત્ત્વની દષ્ટિથી તેની રચના કરવામાં આવતી.
તે અનુસાર વિ.સં. ૧૬૯૬ના કારતક વદ અમાસના દિવસે ત્રંબાવતી નગરમાં કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ’ નું બંધારણ નીચે મુજબ છે. કડી (ગાથા)
આ રાસમાં ૮૬૨ કડીઓ છે. મોટા ભાગે દરેક કડીમાં બે પંક્તિની રચના છે. એક પંક્તિમાં બે પદ એટલે કે દરેક કડીમાં ચાર પદની રચના કવિએ કરી છે તથા ક્યાંક ક્યાંક બે કે ત્રણ પદની એક કડીની રચના પણ કવિએ કરી છે. હાલ
આ રાસ ૮૧ ઢાલોમાં વિભક્ત છે. આ ઢાલ કે જે રાસના દરેક વિષયનું વિભાજન કરે છે. લગભગ દરેક ઢાલમાં ૮થી ૧૦ કડી છે. તો ક્યાંક ક્યાંક નાનામાં નાની ઢાલ ૩ કડીની પણ છે અને મોટામાં મોટી ઢાલ ૩૪ કડીની પણ છે.