Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
૧૩. ચંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩)
ત્રંબાવતી તીર્થમાલામાં ખંભાતમાં આવેલા જિનાલયોનો ઉલ્લેખ થયો છે. આદિ - શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય,
| તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતાં આનંદ થાય. અંત - ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાખઈ શ્રી ભગવંત છે,
નિશ્ચલ મનિ પ્રભુ સેવતાં રે લાલા, લહઈ સુખ અનંત છે. ઋષભદાસ કવિ શ્રી શંખેશ્વર ભગવાનને નમન કરી, માતા શારદાને પણ નમન કરી, ત્રંબાવતી તીર્થમાળનું સ્તવન આનંદપૂર્વક કરે છે. આ તીર્થમાલામાં ખંભાતમાં આવેલા દરેક જિનાલયોનો ઉલ્લેખ થયો છે.૧૨
કવિ ઋષભદાસની ઉપર્યુક્ત પ્રાચીન ગુર્જર ભાષાની કાવ્ય રચનાઓ સિવાય અન્ય સંસ્કૃત કે પ્રાકૃત કે અપભ્રંશ ભાષાની કોઈ રચના મળતી નથી.
કવિ ઋષભદાસની સર્વ કૃતિઓનું પૂરું અવલોકન કર્યા વિના કવિના કવિત્વ અને પ્રતિભા વિષે છેવટનો અભિપ્રાય બાંધવો મુશ્કેલ છે. છતાં કવિ ઋષભદાસની ઉપલબ્ધ કૃતિઓમાં ઋષભદાસે રસની જમાવટ કરવામાં જે ચાતુર્ય, કલ્પનાશક્તિ, શબ્દપ્રયોગ, માધુર્ય, અલંકાર, છંદો ભાષાશૈલી, વર્ણનો વગેરે વાપર્યા છે, તે પરથી કહી શકાય એમ છે કે ઋષભદાસ સોળમી/સત્તરમી સદીના એક સમર્થ ગુજરાતી જૈન કવિ છે. તેમની કેટલીક કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃતના અનુવાદ રૂપે છે. છતાં તે એટલી બધી ઉત્તમ છે કે વાંચતા જણાતું નથી કે તે અનુવાદ છે. આમ તેમની કૃતિઓમાં વિદ્વતા તથા પંડિતાઈનો સ્પર્શ જોવા મળે છે. તેઓ કર્મો ધર્મે જૈન હતા. તેમના આચાર અને વિચારમાં જૈન ધર્મના સંસ્કાર હતા. આ જ સંસ્કારનો પડઘો તેમની રચનાઓમાં જોવા મળે છે. તેથી જ તેમની કૃતિઓમાં કલાપક્ષની સાથે ભાવપક્ષનો વિનિયોગ મણિકાંચનની જેમ દીપી ઊઠે છે. બધી જ કૃતિઓનું સર્જન તેમણે ખંભાતમાં અને લગભગ ગુરુવારના દિવસે જ કર્યું છે. ગુરુવાર એટલે વિદ્યારંભ માટે શ્રેષ્ઠવાર, કાવ્યારંભ માટે શ્રેષ્ઠવાર તેમ જ વ્યાકરણાભ્યાસ માટે પણ શ્રેષ્ઠવાર બતાવ્યો છે. આથી જ સુજ્ઞ કવિ ઋષભદાસે ગુરુવારને વિશેષ મહત્ત્વ આપ્યું છે.
કવિ ઋષભદાસની રચનામાં ઘણા દુહા, ચોપાઈ ખાસ કરીને કવિ શામળની શબ્દરચનાને મળતાં આવે છે કે શામળને ઋષભસવાઈ કહેવાનું આપણને મન થઈ જાય. કવિ ઋષભદાસે પોતાની ઘણી કૃતિઓમાં જેવી કે ‘વ્રતવિચાર રાસ', 'કુમારપાળ રાસ' વગેરેમાં ગૂઢ હરિયાળીઓ વાચકની બુદ્ધિમત્તાનું અંકન કરવા મૂકી હોય એમ લાગે છે. તેમ જ “વ્રતવિચાર રાસ’ અને ‘હીરવિજયસૂરિ રાસ'માં સંવાદ શૈલીના પ્રયોગથી કાવ્યમાં આવતા સંવાદો સજીવ લાગે છે. વળી ઋષભદાસની કૃતિઓની ઢાળોમાં લોકપ્રિય, કર્ણપ્રિય દેશીઓનો પ્રયોગ તેમ જ વિવિધ રાગ રાગિણીઓનો પ્રયોગ થયો છે. સાથે સાથે સુભાષિતો, લોક કહેવતો પણ જોવા મળે છે.
કવિ ઋષભદાસનો ‘હિતશિક્ષારાસ' સંસ્કૃતગ્રંથ 'હિતોપદેશ'ની યાદ અપાવે છે. આ રાસમાં કવિએ નીતિશાસ્ત્ર, ચરિત્ર (તેના પ્રકારો), વૈદક શાસ્ત્ર, જ્યોતિષ, સાધુધર્મ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ,