Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
જનશ્રુતિ પ્રમાણે કવિ ઋષભદાસ માણેકચોકમાં રહેતા હતા. તે મકાન તથા તેમનું લાકડાનું કલાત્મક ઘર દેરાસર આજે પણ ત્યાં વિદ્યમાન છે, તેમ જ તે ચોકને “કવિ ઋષભદાસની પોળ' એવું નામ પણ અપાયેલું છે. વર્તમાનમાં કવિ ઋષભદાસના મકાનમાં રહેતા પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ માહિતી નીચે મુજબ છે. કવિ ઋષભદાસના મકાનમાં છેલ્લાં દોઢસો વર્ષથી રહેવા આવેલ નગીનભાઈ ઝવેરી, પછી એમના પુત્ર કેશીદાસ નગીનભાઈ, તેમના પછી હાલમાં એમના પુત્રો કુસુમચંદ્ર, બીપીનચંદ્ર, સુરેન્દ્રભાઈ અને ચંદ્રકાન્તભાઈ એમ ચાર ભાઈઓનો પરિવાર રહે છે. તેમાંથી સુરેન્દ્રભાઈ અને ચંદ્રકાન્તભાઈને અમે મળ્યા. તેમની પાસે પણ કવિ ઋષભદાસના વંશ-વારસ વિષે કોઈ માહિતી ન : હતી. તેઓ એટલું જ જાણતા હતા કે આ મકાનમાં કવિ ઋષભદાસ રહેતા હતા અને એ દષ્ટિથી એમણે આખું મકાન બતાવ્યું અને સમજાવ્યું.
કવિનું આ મકાન ત્રણ માળવાળું છે. જેમાં ભોંયતળિયું અને ઉપર બે માળ. મકાનનો મુખ્ય દરવાજે વિશાળ તેમ જ કલાત્મક કોતરણીવાળો છે. જે પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. તેમ જ આ દરવાજાને કળવાળો એવો આગળિયો છે કે જેમાં પહેલા માળેથી નીચે આવ્યા વગર ખોલી શકાય એવી અદ્ભુત રચના કરેલી છે. મકાનમાં કુલ સોળ ઓરડાઓ છે અને બે ભોંયરાંઓ છે. જમીનની અંદર (અંડરગ્રાઉંડ) પાણીનો એક મોટો ટાંકો પણ છે. મકાનની અગાશીમાં જવા માટે સ્ત્રીપુરુષોના દાદર અલગ અલગ છે. આ મકાન એટલું વિશાળ છે કે જેનાં હમણાં ચાર વિભાગ કર્યા છે. અને ચારે વિભાગમાં ચાર ભાઈઓનો પરિવાર રહે છે. અમુક વિભાગમાં સમય અનુસાર થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. તે છતાં પણ આ મકાન કવિના સમયમાં જેમ હતું એવું લાગે છે.
મકાનમાં પ્રવેશતાં જ સામેની દીવાલ પાસે પાણીનો ટાંકો છે. જે કવિના સમયનો (આશરે ૩૫૦ વર્ષ પૂર્વનો) યથાવત્ જેમ હતો તેમ જ છે. તે ઉપરથી ૨ x ૨ ફૂટનો ચોરસ છે. ટાંકામાં નીચે ઊતરવા માટે પથ્થરનાં પગથિયાં મૂક્યાં છે. ત્રણ મીટર નીચે ઊતર્યા પછી ૧૫ ફૂટ ઊંડાઈવાળો ૨૦૦ ચોરસ ફૂટનો પથ્થરનો વિશાલ ટાંકો છે. આ ટાંકામાં પાંચ વર્ષ ચાલે તેટલું પાણી સચવાય છે. બે ઈંચ વરસાદ પડે તો પણ ટાંકો ભરાઈ જાય છે. હાલમાં ચારે પરિવારના સભ્યો આ એક જ ટાંકાનું પાણી વાપરે છે. દર ત્રણ વર્ષે ટાંકાની સફાઈ કરવી જરૂરી છે.
આ ઉપરથી કહી શકાય કે ૧૬/૧૭મી સદીમાં પણ વરસાદના પાણીની સાચવણી કરવાની અજોડ પદ્ધતિ હતી. જે આજના ઈજનેરોને પણ પ્રેરિત કરે છે.
| મકાનમાં ઉપર જવા માટે લાકડાંનો દાદર છે. આ દાદર ઉપર બંધ કરવા માટે સરકતો પાટિયો છે. બીજા માળ ઉપર બે ઓરડા છે. આ ઓરડાની દીવાલોના ચણતરમાં ઈંટો સાથે સાગનું લાકડું વાપર્યું છે. જે ચણતરકામ ઉપર પ્રકાશ પાડે છે.
મકાનના એક ભાગમાંથી બીજો દાદર ચડતાં ત્રીજા માળે અગાશી સાથે બે ઓરડા આવેલા છે. તેમાં બીજા ઓરડામાં કવિ ઋષભદાસનું ગૃહ દેરાસર હતું. જે ૨૫ વર્ષ પહેલાં જ નજીકમાં નવનિર્મિત શંખેશ્વર પાર્શ્વ જિનાલયમાં સુચારુ રીતે ગોઠવ્યું છે.
ગૃહ દેરાસર અગરતગરનાં લાકડાંનું બનેલું છે. જે લાકડું અગ્નિથી પણ બળે નહિ એવું છે.