Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
‘કલ્પસૂત્ર'માં આવે છે અને ઘણા પૂર્વાચાર્યોએ પણ આ ચરિત્ર ઉપર પુસ્તકો લખ્યાં છે જેના પરથી ઋષભદાસે આ સ્થૂલિભદ્ર રાસ રચ્યો છે. ૫. અજાપુત્ર રાસ - સંવત ૧૬૭) ચૈત્ર સુદ -૨ ગુરુવાર ખંભાત.
આ રાસમાં કુલ ૫૫૭ ગાથા છે. જૈનોના આઠમાં તીર્થકર ચંદ્રપ્રભુના ગણધર અજાકુમારની કથા છે. જે ટૂંકમાં આ પ્રમાણે છે. અજાપુત્ર ગુરુને પોતાના માતાપિતાએ શા માટે ત્યાગ કર્યો હતો એ પૂછતાં ગુરુ કહે છે કે, દોષ વિના અબળા સ્ત્રીને તજવાના પાપકર્મથી તારા માતાપિતાએ તારો ત્યાગ કર્યો અને પછી સંયમના પાલનના પુણ્યથી તું રાજા થયો. આ ભવમાં પણ તું સંયમ લઈશ, તે પછી તું દેવ થઈશ. ત્યાર પછી આ ચંદ્રાનન નગરી જેવી નગરીમાં ચંદ્રપ્રભુ જિનેશ્વર થશે, તેમનો તું દત્ત નામનો ગણધર થઈશ અને મુક્તિરૂપી નારીને વરીશ. ૬. કુમારપાલ રાસ સંવત ૧૬૭) ભાદ્રપદ સુદ-૨ ગુરુવાર ખંભાત.
આ કૃતિ આનંદ કાવ્ય મ. મૌ. - ૮માં પ્રગટ થયેલી છે.
સોમ સુંદરસૂરિ શિષ્ય જિનમંડળગણિ ઉપાધ્યાયના સં. ૧૪૯૨માં રચાયેલા કુમારપાલ પ્રબંધ' (સંસ્કૃત)ના આધારે કવિએ આ કૃતિ રચી છે. એમ કવિ પોતે જણાવે છે, તે પ્રબંધમાંહિ છે જસ્ય, ઋષભ કહે મેં અમ્યું તસ્યું.' (ખંડ – ૨ પૃ. ૧૯૮) વળી આ કૃતિમાં શાસ્ત્ર પરંપરાથી પ્રાપ્ત થતી કેટલીક વિગતો અને નીતિશાસ્ત્રનાં વચનો તેમ જ હેતુ, યુક્તિ અને દષ્ટાંતો પણ શાસ્ત્ર અનુસાર લીધા છે, એમ જણાવી પૂર્વ કવિઓનું ઋણ પણ કવિ સ્પષ્ટપણે સ્વીકારે છે.
કુમારપાળ ભૂઅડરાજાની પંદરમી પાટે થયા. તેમના જીવનની અગત્યની માહિતી આ રાસમાં મળે છે. વનરાજ ચાવડો, સિદ્ધરાજ જયસિંહ તથા સાજનમંત્રી આદિના જીવન પ્રસંગો રસપ્રદ રીતે આલેખ્યાં છે. જે ઐતિહાસિક ઘટના ઉપર પણ પ્રકાશ પાડે છે. આ રાસનો કથા ભાગ કે વસ્તુ ગૌણ છે. અહિંસા, શીલ, તપ, દાન, ભાવ આદિ જે સદાચારના સિદ્ધાંતો ઉપર જૈન ધર્મ ખાસ ભાર મૂકે છે તેવો બોધ કરાવવો અને જિનમતનો મહિમા દર્શાવવો એ જ આ રાસનો પ્રધાન વિષય છે. આ પ્રધાન વિષયને પૃષ્ટ કરવા અનેક આડકથાઓનો સહારો લીધો છે. શંખશ્રેષ્ઠી અને જશોમતી શેઠાણી તથા તેની શોક્યનું સર્વધર્મ સમભાવ ઉપરનું દષ્ટાંત બાલ જીવો માટે રસપ્રદ અને બોધદાયક છે. જીવદયા ધર્મ દર્શાવતા દરેક પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો છે.
તે સમયના અણહિલવાડ પાટણનું વર્ણન કવિની નગરવર્ણન શક્તિની ઝાંખી કરાવે છે. બ્રાહ્મણ દૂતનું હૂબહુ વર્ણન, કુમારપાળની પટરાણી ભૂપલદેવીનું રૂપવર્ણન, માસખામણવાળા મુનિનું હૃદયદ્રાવક સુંદર દષ્ટાંત, કાળી અને ગોરી વચ્ચેનો વાદવિવાદ વગેરે કલાપક્ષના ઉત્કૃષ્ટ નમૂના છે. તે ઉપરાંત સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર વગેરેનો કવિનો અભ્યાસ ધ્યાન ખેંચે તેવો છે. સાથે સાથે ગિરનારની ઉત્પતિનાં ઈતિહાસ ઉપર પ્રકાશ પાડ્યો છે.
કુમારપાલે જૈનધર્મ અંગીકાર કરી બાર વ્રત ધારણ કર્યા હતા. તેમના રાજ્યમાં કોઈ જીવહિંસા કરતું નહિ. એક વણિકે જૂ મારી એના પ્રાયશ્ચિત રૂપે રાજાએ એની પાસે ‘ધૂકા વિહાર કરાવ્યો હતો. કુમારપાલે અઢારે દેશમાં અમારિ પ્રવર્તાવી હતી. અંતમાં કુમારપાલ મરણ પામી “સતમલી' નામે રાજા થશે અને પદ્મનાથ તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી ગણધર પદવી પ્રાપ્ત કરશે, એનું વર્ણન પણ કર્યું છે.