________________
સારવાર કરે, એ કેમ નરકમાં જાય ? જવાબ છે કે વૈદ સેવાભાવે પ્રામાણિકતાથી સારવાર કરે તો વાત અલગ છે. પણ જે વૈદ લોભાંધ બને, માત્ર પૈસા પડાવી લેવાની વૃત્તિ રાખે, દર્દીના દર્દ પ્રત્યેની એની હમદર્દી મટી જાય, એના સ્વાચ્ય અને જીવન પ્રત્યે ય એ બેદરકાર બની જાય તો તેની આ કઠોરતા અને નિર્દયતા કોટવાળને ય ટપી જાય છે. કોટવાળ તો ગમે તેમ તો ય પોતાની ફરજ બજાવે છે જ્યારે વૈદ તો ફરજ ચૂકીને છેતરપિંડી કરે છે. માટે વૈદની કઠોરતા ગંભીર સ્વરૂપ લે છે. એના કરતાં ય અધમ ભૂમિકાએ પુરોહિત છે, જે શાંતિકર્મ વિગેરે કરવા દ્વારા લૌકિક ધર્મગુરુ છે. તે અહીં એવો પુરોહિત સમજવો કે જે છેતરપિંડી કરીને ફોગટ સન્માન ઈચ્છે છે. ભક્તો પાસેથી પૈસા પડાવી લેવાના પેતરા રચે છે.
કોટવાળ, વૈદ અને પુરોહિતની આ ઉત્તરોત્તર અધમતર ભૂમિકાઓ કરતાં ય અધમતમ ભૂમિકા છે વેષધારી સાધુની. કારણ કે તેનું ક્ષેત્ર છે લોકોત્તર ધર્મનું માટે તેની છેતરપિંડી વૈદ અને પુરોહિતના પ્રપંચને ય ઓળંગી જાય છે.
જરા આત્મનિરીક્ષણ કરીએ. કોઈ પરિચિત કુટુંબ આપણને વંદનાર્થે આવ્યું. અડધો-પોણો કલાક આપણે સરસ મજાનો ધર્માલાપ' કર્યો. ઊંચામાં ઊંચા પદાર્થોને પીરસવાના લક્ષ્ય સાથે માર્મિક પ્રેરણાઓ કરી. ખૂબ ભાવિત-પ્રભાવિત થઈને એ કુટુંબે વિદાય લીધી. હવે જરા વિચારીએ કે આપણે કરેલી વાતો સાથે આપણા જીવનનો મેળ કેટલો ? જે ગુણોના અર્જનની આપણે પ્રેરણા કરી એ ગુણોની દિશામાં આપણો પ્રયાસ કેટલો ? આપણે આપેલા ઉપદેશનું આપણા જીવનમાં શક્ય પાલન કેટલું?
( ૨૨ )