________________
લોકોને વશ કરી, તેમણે આપેલા દાન અને પૂજનથી ગર્વિત થઈ, જે પોતાને રાજા સમાન ગણી લે છે, તેને ધિકકાર થાઓ, તે ટૂંક સમયમાં દુર્ગતિમાં જવાનો છે.
ભવની ગલીના ભૂંડા ભિખારી પર ગુરુની અમી દૃષ્ટિ પડી ગઈ. જેને લોકો ધુત્કારતા હતાં, તેને જ આજે લોકો પૂજવા લાગ્યા, સાધુવેષનો આ કેવો અજબ-ગજબનો પ્રભાવ! ગૃહસ્થપણામાં કોઈ કરોડપતિ હોય, તો ય એને કોઈ નમે ખરું? એના પગે પડે ખરું? પણ કાલનો ભિખારી ય આજે દીક્ષિત બને એટલે રાજા-મહારાજાઓ પણ એને વંદન કરે. ચક્રવર્તી પણ એને નમસ્કાર કરે, અરે દેવો અને દેવેન્દ્રો ય એની પગચંપી કરે. પણ આ માન-પાન મને નથી, આ વેષને છે, એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આજે હિંદુસ્તાનના કોઈ પણ ઘરના બારણે જઈને હું ઊભો રહું, તો મને મીઠો આવકાર મળે છે. ઘરમાં જે હોય તે કાઢી કાઢીને મારા પાત્રા આગળ ધરી દેવાય છે. આ બધો પ્રભાવ પણ વેષનો છે. જો આ વેષ ન હોય, તો મને કોઈ પોતાના ઘરના બારણે ઊભો પણ રહેવા દે ખરો ? આ વિચાર સતત સ્મૃતિમાં રાખવો જોઈએ.
એક તો સાધુનો વેષ મળ્યો, એની સાથે કંઇક શાસ્ત્રાભ્યાસ થઈ ગયો. એમાં વળી કોઈ પદવી મળી ગઈ. આ બધામાં પાછી કોઈ વાકછટા ભળી. પાપાનુબંધી પુણ્યનો ઉદય ભળ્યો. ભોળા લોકો રંજિત થઈ ગયાં. તને મહાપુરુષ સમજવા લાગ્યા. કેટલાક તો હજી વધુ ભોળા હતાં, તેઓ તો તને ભગવાન જ સમજવા લાગ્યાં. તારી જરૂરિયાત કરતાં પણ વધુ સાધન-સામગ્રીઓનો તારી પાસે ખડકલો કરી દીધો. તારી ચાર મોંએ પ્રશંસા કરવા લાગ્યાં. આ પ્રશંસા અસદ્ભુત છે, એમ જાણવા છતાં ય તું હરખાવા લાગ્યો. ધીમે ધીમે તું અક્ક થતો ગયો, તારું ગુમાન વધતું ગયું. તું પોતાને રાજાધિરાજ સમજવા લાગ્યો. ડગલે ને પગલે તારો આ ગર્વ
(૧૪૯)