________________
કાઠિયાવાડના એક સંત. મૂળરાજ ભગત એમનું નામ. ભકતોની ભીડ તેમને ભગવાનને પામવામાં બાધક લાગી. એક વેશ્યાને તેમણે સાધી. પોતાના પેટમાં જે બાળક છે તેના પિતા ભગત છે એવું એણે જાહેર કર્યું. એ જ ભક્તોનું ટોળું ભગત પાસે આવ્યું. નિંદા-ગાળાગાળી અને ગડદાપાટુનો મારમાં કાંઈ બાકી ન રાખ્યું. ઢોરમાર મારીને ભગતને ગામ બહાર કાઢી મુક્યા. ભગતના ધાર્યા કરતાં ય વધુ પરિણામ મળ્યું. ભગતે કો'ક ગુફામાં જઈને સાધના યજ્ઞ માંડી દીધો.
બે રાજર્ષિ હતા. ગોપીચંદ અને ભર્તુહરિ. રાજાપણાના પુણ્ય ઋષિપણામાં પણ તેમનો સાથ છોડ્યો ન હતો. લોકોના ટોળે ટોળા ઉમટી પડતા. સાધન-સામગ્રીઓનો ખડકલો થતો. આખો દિવસ સત્સંગ ચાલતો રહેતો. ભગવાનનું ભજન ક્યારે કરવું એ બંનેને મન મોટો પ્રશ્ન હતો. એક દિવસ બંનેએ એક રસ્તો શોધી કાઢ્યો. ગામલોકો તેમની પાસે બેઠા હતાં. ત્યારે કોઈ ગરીબ માણસે ભક્તિભાવથી તેમને લૂખો રોટલો ધર્યો. ભર્તુહરિએ જોરથી એના પર ઝપટ મારી. એની સાથે જ ગોપીચંદે પણ તરાપ મારી. ભર્તૃહરિએ ગુસ્સે ભરાઈને ગોપીચંદને એક લાફો લગાવી દીધો, તો ગોપીચદે ચાર તમાચ લગાવી દીધા. ગામલોકો તો સ્તબ્ધ થઈને જોતા જ રહ્યા. બંને રાજર્ષિઓ એક લૂખા રોટલા માટે લડી રહ્યા છે. રે... લડતા લડતા બંને લોહીલુહાણ થઈ ગયા. આખું ગામ તેમની ભરપૂર નિંદા કરતાં કરતાં, તેમના પર ફિટકાર વરસાવતા કાયમ માટે રવાના થઈ ગયું. બધા ગયા અને બંને રાજર્ષિઓ ભેટી પડ્યા. તેમના પાસા પોબાર પડ્યા હતાં.
સન્માનથી તો ગભરાઈને ભાગી છૂટવાનું છે. સન્માનના નામથી પણ ફફડી ઉઠવાનું છે.
( ૭૫ )