________________
શાસ્ત્રકારોની કેટલી સૂક્ષ્મ કાળજી ! જાણે તેઓ કહી રહ્યા છે કે, તને આ બધાથી શું લેવા-દેવા ? તું તારે ગૌતમસ્વામીની જેમ ઉત્કટિકાસનમાં માથુ નીચે રાખીને ધ્યાનકોષ્ઠમાં ગરકાવ થઈ જા ને ? બહારનું જોઇને તારે લૂંટાવાનું છે. તારું ચંચળ મન વાંદરો બનીને સંયમની રસકૂપિકાઓને ફોડી નાખવાનું છે. હાથે કરીને આવો નુકશાનીનો ધંધો શા માટે કરે છે ? તારે પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરવાનો છે, ગુરુ, તપસ્વી, ગ્લાનાદિની સેવા કરવાની છે, તારી પાસે ક્યાંય માથું મારવાનો સમય જ ક્યાં છે ? તો ય જો તું આ બધી વાતોને અભરાઈએ ચડાવીને તારી બુદ્ધિમાં જે બેસે, તે જ કરે છે, બેફામપણે સાવદ્યની પ્રેરણા-અનુમોદના કરે છે, તો મને કહેવા દે કે તું મુમુક્ષુ જ નથી. મોક્ષની તને કોઈ ઝંખના જ નથી.
कथं महत्त्वाय ममत्वतो वा, सावद्यमिच्छस्यपि सङ्घलोके ? |
न हेममय्यप्युदरे हि शस्त्री,
क्षिप्ता क्षणोति क्षणतोऽप्यसून् किम् ? ॥ ४९ ॥
પોતાના મહત્ત્વ માટે કે મમત્વબુદ્ધિથી પણ તું સંઘમાં ય સાવદ્ય કેમ ઇચ્છે છે ? છરી સોનાની હોય, તો ય તેને પેટમાં ખોસી દેવાથી એ શું ક્ષણવારમાં પ્રાણોને ન હણી લે ?
મહત્ત્વ માટે એટલે જો આ શ્રાવકો ચૈત્ય વગેરે કરે તો મારું મહત્ત્વ વધે કે આ મહાત્મા હતા તો આ ચૈત્ય, ઉપાશ્રય, સાધર્મિકવાત્સલ્ય વગેરે થયું. અથવા તો મમત્વથી કરે કે પહેલા આ મારું ઘર હતું, હવે તેનાથી આ મારું ચૈત્ય થાઓ. અથવા તો મેં ગૃહસ્થપણે ચૈત્ય વગેરે કરાવ્યું હતું. તેથી મારા એ ચૈત્ય વગેરેની સજાવટ કરાવું.
પ્રશ્ન- પુણ્યનું કાર્ય સાવદ્ય શી રીતે બની શકે ?
( ૧૪૬ )