________________
ભાવનાઓના પરિભાવન સાથે ગ્રંથકારશ્રી બીજી પણ ભલામણ કરે છે કે, તને જે સંયમ દુઃસાધ્ય લાગે તેમાં પણ તું યત્ન કર. તારો ઉત્સાહ તારા વીર્યાન્તરાય કર્મને તોડી નાખશે. તને દુઃસાધ્ય લાગતી સાધના પણ સુસાધ્ય બની જશે. વાસ્તવમાં તો તારો અનુત્સાહ જ વીર્યાન્તરાયના ઉદયનું કારણ બની રહ્યો હતો. વીર્યાન્તરાયથી અનુત્સાહ, અનુત્સાહથી છતી શક્તિએ અપ્રવૃત્તિ અને અપ્રવૃત્તિથી વીર્યાન્તરાય, આ વિષચક્રમાં તું ફસાઈ ગયો હતો. હવે તું સત્ત્વ ફોરવ. ઉત્સાહથી સાધનામાં જોડાઈ જા, શરૂઆતમાં થોડી તકલીફ પડશે ય ખરી, અનાદિકાળના કુસંસ્કારો અને સુખશીલતાથી ટેવાયેલું તારું શરીર બળવો પણ કરશે. પણ તું હિંમત હારીશ મા. જો તું અણનમ રહીશ, તો એમને ઝુક્યા વિના છૂટકો જ નથી.
અને આ શરૂઆત પણ આજે ને હમણાથી જ કર, કારણ કે યમરાજ તને ભાળી ગયો છે. એનો હાથ તારા તરફ લંબાઈ ગયો છે. એ તને પકડે એટલી જ વાર છે. રે, યમરાજે તને પકડી લીધો હોય અને ખાવાની તૈયારી કરતો હોય, તો ય કોને ખબર છે ?
कवलयन्नविरतं जङ्गमाजङ्गमं, जगदहो नैव तृप्यति कृतान्तः। मुखगतान् खादतस्तस्य करतलगतैः, न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः॥
ચરાચર સમગ્ર જગતનો યમરાજ કોળિયો કરી રહ્યો છે. એનું આ ભોજન સતત ચાલુ જ છે. તો ય એ કદી તૃમિ પામતો નથી. મુખમાં રહેલાને એ ખાઈ રહ્યો છે અને આપણે તેના હાથમાં રહેલા છીએ, તો શું આપણો ય અંત નહીં આવે ?
(૧૨૪)