Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
* હસ્તપ્રતોમાં ટબાની ત્રિવિધ શૈલી
દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની ૩૬ હસ્તપ્રતો અમને મળી. તેનું સંક્ષિપ્ત દિગ્દર્શન નીચે મુજબ સમજવું. (૧) સ્વોપજ્ઞ ટબાનું સ્વરૂપ ક્યાંક માત્ર ટિપ્પણી સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. દા.ત. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબામાં ૨૪૯૦૧ ક્રમાંકવાળી હસ્તપ્રતમાં જે ટબો મળે છે, તે સંક્ષિપ્ત ટિપ્પણી સ્વરૂપે છે.
39
(૨) ઘણી હસ્તપ્રતોમાં જે સ્વોપન્ન ટબો ઉપલબ્ધ થાય છે, તે થોડા વિસ્તાર સાથે છે. મધ્યમપરિમાણવાળા તે ટબાને અનુસરીને અદ્યપર્યન્ત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' સ્વોપજ્ઞટબાસહિત અનેક પ્રકાશનોમાં મુદ્રિત થયેલ છે. તેમાં ઘણા સ્થળે (૧૪/૧૨, ૧૫/૧/૪+૫+૭) ટબામાં રાસની ગાથાનું વિવેચન નથી પણ માત્ર પ્રાચીન સાક્ષીપાઠ જ છપાયેલ છે.
(૩) પરંતુ અમને રાસના સ્વોપજ્ઞ ટબાનું અત્યંત વિસ્તૃત સ્વરૂપ અનેક હસ્તપ્રતોમાં ઉપલબ્ધ થયેલ છે. જેમ કે (A) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબામાં ૫૪૧૩૮ ક્રમાંકવાળી હસ્તપ્રત, (B) સિદ્ધિ-ભુવન-જંબૂવિજયજી જ્ઞાનભંડાર, માંડલ ૮૩૬ ક્રમાંકવાળી હસ્તપ્રત, તથા (C) શેઠ આણંદજી કલ્યાણજી જૈન પુસ્તક ભંડાર, લીંબડીમાં ૨૫૯૬ ક્રમાંકવાળી હસ્તપ્રત આ ત્રણ હસ્તપ્રતોમાં તો મુદ્રિત પુસ્તકોમાં ઉપલબ્ધ પ્રચલિત ટબાના પરિમાણ (૧૯૮૦ જેટલી પંક્તિઓ) કરતાં લગભગ ૧૫% જેટલું પરિમાણ વધુ મળે છે. તે ટબામાં ગુજરાતી પંક્તિઓ લગભગ ૧૪૫ જેટલી વધુ મળે છે. તથા સંસ્કૃતભાષાની લગભગ ૧૪૨ જેટલી પંક્તિઓ વધુ મળે છે.
‘વિસ્તૃત ટબામાં જે સંસ્કૃતભાષાની નવી પંક્તિઓ છે, તે અન્ય-અન્ય લેખકોએ ટબામાં પોતાની રીતે પાછળથી પ્રક્ષિપ્ત કરેલ હોય' - તેવી સંભાવના તો તદ્દન અસ્થાને છે. આનું કારણ એ છે કે
(I) તે પંક્તિઓ નવ્યન્યાયની ભાષાથી ગુંફિત છે.
(II) પશુપાલ, દીષિતિકાર વગેરે નૈયાયિકોના મંતવ્યનું નિરાકરણ તેમાં મળે છે. (જુઓ-૪/૩) (III) અનેકાંતવ્યવસ્થા વગેરે ગ્રંથોનો અતિદેશ પણ તે પંક્તિઓમાં મળે છે. (જુઓ-૪/૩) (IV) મહોપાધ્યાયજી મહારાજના સંસ્કૃત ગ્રંથોમાં જે વાક્યરચનાશૈલી જોવા મળે છે, તેનું વૈલક્ષણ્ય તે સંસ્કૃત પંક્તિઓમાં ઉપલબ્ધ થતું નથી. (જુઓ - ૨/૧૩, ૩/૩+૪+૯, ૪/૧+૩ વગેરે) તેથી તે સંસ્કૃત પંક્તિઓ મહોપાધ્યાયજી દ્વારા જ આલેખાયેલી હોય તેમ સિદ્ધ થાય છે.
-
(V) તેમજ તે ત્રણ હસ્તપ્રતોમાં જે અધિક ગુજરાતી પંક્તિઓ મળે છે, તે પણ ટબાના ઊંડાણમાં પહોંચવા માટે આવશ્યક જ છે, પૂરક છે. તથા પ્રચલિત મુદ્રિત ટબા કરતાં તે અધિક ગુજરાતી પંક્તિઓની શૈલી બિલકુલ વિલક્ષણ નથી. (જુઓ - ૨/૭+૧૦+૧૧, ૩/૧+૨+૪+૬+૮+૧૧ વગેરે) આ એક પ્રબળ સંભાવના
આ પ્રમાણે હસ્તપ્રતોમાં ત્રણ પ્રકારે રાસનું લઘુ-મધ્યમ-બૃહત્ પરિમાણ જોતાં, તે અંગે ઊંડાણથી વિચાર કરતાં એવું માનવા માટે અંતઃકરણ પ્રેરાય છે કે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ રચેલ વીતરાગસ્તોત્રના આઠમા પ્રકાશ ઉપર મહોપાધ્યાયજી મહારાજે જેમ લઘુ-મધ્યમ-બૃહત્પરિમાણયુક્ત ત્રણ પ્રકારે સ્યાદ્વાદરહસ્યની રચના કરી છે. તેમ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ’ ગ્રંથ ઉપર પણ મહોપાધ્યાયજીએ લઘુપરિમાણ સ્તબક, મધ્યમપરિમાણ સ્તબક અને બૃહત્પરિમાણ સ્તબકની કાળક્રમે રચના કરી હશે.