Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
44
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
(૪) ઉપરના ત્રણેય પ્રકાશનોમાં સંપૂર્ણ ગ્રંથ (કુલ ગાથા-૨૮૫) ઉપલબ્ધ થાય છે. જ્યારે વિ.સં. ૧૯૬૪ માં, ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' (સ્વોપજ્ઞ ટબા વગરનો) પ્રકાશિત થયો, તેમાં ફક્ત ૧૪ ઢાળ ‘મોહનલાલ વિ.અમરશી શેઠ'ના ગુજરાતી વિવેચનવાળી તથા ૧૫ મી ઢાળના આઠ દુહા અને કળશ (વિવેચનશૂન્ય) એમ કુલ ૨૫૩ ગાથા છપાયેલ છે. ‘શ્રી જૈન વિજય પ્રેસ' દ્વારા છપાયેલી આ લઘુપુસ્તિકામાં કુલ ૩૨૪ પૃષ્ઠ છે. તેમાં સ્વોપજ્ઞ ટબો મુદ્રિત ન હોવા છતાં, ગુજરાતી વિવેચન તેના જ આધારે મહદ્ અંશે લખાયેલ છે.
(૫) ‘દિવ્ય દર્શન ટ્રસ્ટ, ધોળકા' દ્વારા વિ.સં. ૨૦૬૧ માં, સ્વોપન્ન ટબાથી અલંકૃત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ભાગ-૧ (ઢાળ ૧ થી ૮) પ્રકાશિત થયેલ છે. મારા વિદ્યાગુરુદેવ પ.પૂ.આ. શ્રીઅભયશેખરસૂરીશ્વરજી મ.સા.નું વિસ્તૃત ગુજરાતી વિવરણ તેમાં ઉપલબ્ધ છે. તેમાં કુલ ૩૦૦ પૃષ્ઠ છે. (૬) ‘શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત' દ્વારા વિ.સં. ૨૦૬૧ માં, ટબાસહિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' પ્રકાશિત થયેલ છે. પં. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાએ કરેલ ગુજરાતી વિવેચન પણ તેમાં સામેલ છે. પુસ્તકાકારે બે ભાગમાં આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. તેમાં કુલ ૭૫૭ પૃષ્ઠ વિદ્યમાન છે. (૭) શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ તરફથી ઈ.સ.૧૮૭૬માં પ્રકાશિત ‘પ્રકરણરત્નાકર’ (ભાગ-૧)માં રાસ તથા સ્વોપજ્ઞ ટબો ઉપલબ્ધ છે.
(૮) જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ તરફથી વિ.સં.૧૯૯૬માં પ્રકાશિત થયેલ ‘પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ'માં રાસની મૂળ ગાથાઓ મુદ્રિત થયેલી છે.
(૯) ‘શ્રીપદ્મવિજયજી ગણિવર જૈન ગ્રંથમાળા ટ્રસ્ટ' તરફથી વિ.સં. ૨૦૫૩ માં, ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ફક્ત પ્રથમ ઢાળ સ્વોપજ્ઞ ટબા સાથે છપાયેલ છે. કીર્તિભાઈ માણેકલાલ શાહે પ્રથમ ઢાળનું ગુજરાતી વિવેચન કરેલ છે. એ લઘુ પુસ્તિકામાં કુલ ૬૩ પૃષ્ઠ છે.
આ રીતે આ ગ્રંથના કુલ નવ પ્રકાશનો જાણવામાં આવેલ છે. એમાંથી અમુક પ્રકાશનોનો પાઠશુદ્ધિ માટે તથા ક્વચિત્ અર્થનિર્ણય માટે ઉપયોગ કરેલ છે.
* પ્રસ્તુત પ્રકાશનની પાર્શ્વભૂમિકા
ઈ.સ. ૩૦-૧૧-૨૦૦૩ ના રોજ અમદાવાદ-રાજનગરમાં, શ્રેયસ ફાઉન્ડેશન ખાતે પૂ. પદ્મસાગરસૂરિજી મ., પૂ. હેમચંદ્રસૂરિજી મ. (શાસનસમ્રાટ સમુદાય), પૂ. રાજયશસૂરિજી મ., પૂ. ઈન્દ્રસેનસૂરિજી મ., પૂ. યશોભદ્રસૂરિજી મ. (પંજાબ કેસરી સમુદાય), પૂ. પ્રદ્યુમ્નસૂરિજી મ., પૂ. પ્રવર્તક ધર્મગુપ્તવિજય મ., પૂ.પં.પુણ્યરત્નવિજયજી મ.(હાલ આચાર્ય) વગેરે મહાપુરુષોની નવલી નિશ્રામાં, ચતુર્વિધ સંઘની હાજરીમાં, જૈન-અર્જુન પંડિતો-સંન્યાસીઓ વગેરેની ઉપસ્થિતિમાં ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા' પ્રકરણના આઠેય ભાગના વધામણા થયા. સંઘનાયક શ્રીશ્રેણિકભાઈ, કુમારપાળભાઈ વિ. શાહ, અશોકભાઈ શાહ, ચીનુભાઈ દેત્રોજવાળા વગેરે મહાનુભાવોએ ‘નયલતા’ નૂતન સંસ્કૃત વ્યાખ્યા અને ગુજરાતી વિવરણથી વિભૂષિત દ્વાત્રિંશિકા પ્રકરણના આઠેય ભાગોને ચામરો વીંઝ્યા, અક્ષતથી વધાવ્યા. તે અવસરે ઉપરોક્ત પૂજનીય આચાર્ય ભગવંતોએ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ઉપ૨ સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા કરવાનો મને જાહેરમાં આદેશ કર્યો. એ અમોઘ આદેશને મેં શિરોમાન્ય કર્યો અને તે ધન્ય ઘડીએ પ્રસ્તુત પ્રકાશનના બીજની વાવણી થઈ.