________________
jainology I
27
આગમસાર
જેનો ચારે પ્રહરમાં સ્વાધ્યાય આદિ કરાય તેને ઉત્કાલિકશ્રુત’ કહે છે. અંગ પ્રવિષ્ટ બધા આગમો કાલિક હોય છે. આવશ્યક સૂત્ર ઉત્કાલિક સૂત્ર(નોકાલિક નોઉત્કાલિક સૂત્ર) છે. ચારે પ્રહરમાં તથા અસાયમાં પણ તેનું વાંચન(સ્વાધ્યાય) થાય છે.
અંગ પ્રવિષ્ટ સૂત્રોના નામ :- - (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદ(પૂર્વજ્ઞાન). આનો વિષય પરિચય સમવાયાંગ સૂત્રના સારાંશમાં છે
અંગબાહ્ય કાલિક સૂત્ર :– ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુત સ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરિયાવલિકાદિ પાંચ વર્ગ અર્થાત્ ઉપાંગ સૂત્ર, ઋષિભાષિત, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ ઇત્યાદિ ૧૦ અર્થાત્ સંક્ષેપિક દશા, ઉત્થાન શ્રુત, સમુત્થાન શ્રુત.
અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર :– દશવૈકાલિક, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયોગ દ્વાર, સૂર્યપ્રજ્ઞપ્તિ, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, દેવેન્દ્રસ્તવ, તન્દુલ– વૈચારિક, પૌરુષી મંડળ, મંડળ પ્રવેશ, ધ્યાન વિભક્તિ, મરણ વિભક્તિ, આત્મ વિશુદ્ધિ, વીતરાગ શ્રુત, સંલ્લેખનાશ્રુત, વિહાર કલ્પ, ચરણવિધિ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન.
અંગ પ્રવિષ્ટ સૂત્રોની સંખ્યા બાર છે. અંગ બાહ્ય સૂત્રોની કોઈ સંખ્યા બતાવી નથી. કયારેક વધી જાય છે તો કયારેક ઘટી જાય છે. પ્રત્યેક તીર્થંકરના શાસનમાં અલગ અલગ સંખ્યા રહે છે તથા એક તીર્થંકરના શાસનમાં પણ પ્રારંભમાં ૧-૨ હોય, ફરી નવા બનતા રહેવાથી વધે અને ક્યારેક વિલુપ્ત–વિચ્છેદ થવાથી ઘટી જાય છે. તેથી અહીં સૂત્રમાં અંગબાહ્યની કે કાલિક ઉત્કાલિકની સંખ્યા કહેલ નથી.
તીર્થંકરની ઉપસ્થિતિમાં એમના સર્વે શિષ્યો વીતરાગવાણીના આધારે પોતાનું વ્યક્તિગત સંકલન કરે છે. તેને પ્રકીર્ણશ્રુત કહે છે. આની સંખ્યા જેટલા સાધુ હોય તેટલી હોય છે. યથા ચોવીસમા તીર્થંકરની પ્રકીર્ણકશ્રુત સંખ્યા ૧૪ હજારની કહી છે. પ્રથમ તીર્થંકરના પ્રકીર્ણક સૂત્રોની સંખ્યા ૮૪૦૦૦ ની કહી છે. આનો સમાવેશ 'અંગ બાહ્ય કાલિક યા ઉત્કાલિક સૂત્રમાં થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય :– (૧) દ્રવ્યથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા બધા દ્રવ્યને જાણે દેખે છે. (૨) ક્ષેત્રથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ક્ષેત્રને જાણે—દેખે છે. (૩) કાળથી– ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાની સર્વેકાળને જાણે–દેખે છે. (૪) ભાવથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ભાવોને જાણે—દેખે છે. આ કથન ઉત્કૃષ્ટ માટે છે. જઘન્ય, મધ્યમ, માટે થોડું ઓછું દ્રવ્યક્ષેત્ર આદિ સમજવું. શ્રુતજ્ઞાનથી સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ જોવું ચિત્ર વગેરેની અપેક્ષાએ સમજવું. આ પાઠમાં કયાંક-કયાંક પ્રતોમાં ભેદ પણ છે. અન્ય આગમોમાં અને અન્ય પ્રતોમાં (ણ પાસઈ) છે. તેનો અર્થ થાય કે શ્રુતજ્ઞાની જાણી શકે છે પણ જોઈ શકતો નથી. પરંતુ એકાંત એવું નથી. કોઈ દ્રવ્ય આદિ પ્રત્યક્ષ હોય તો તે જોઈ શકે છે.
શ્રુતજ્ઞાનની અધ્યયન તથા શ્રવણ વિધિ :–
અધ્યયનના આઠ ગુણ :- (૧) વિનય યુક્ત સાંભળવું (૨) શંકાઓનું પૂછીને સમાધાન કરવું (૩) ફરી સમ્યક્ પ્રકારથી સાંભળવું (૪) અર્થ અભિપ્રાય ગ્રહણ કરવો. (૫) પૂર્વાપર અવિરોધ વિચારણા કરવી (૬) પુનઃ સત્ય માનવું (૭) નિશ્ચિત કરેલા અર્થને હૃદયમાં ધારણ કરવો (૮) એ જ પ્રમાણે આચરવું.
શ્રવણ વિધિ :– (૧) મૌન રહી એકાગ્રચિત્તથી સાંભળવું (૨) ‘હું’કાર અથવા ‘જી હા’ આદિ કહેવું (૩) ‘સત્યવચન’ તહત્તિ ઇત્યાદિ બોલવું (૪) પ્રશ્ન પૂછવા (૫) વિચાર વિમર્શ કરવો (૬) સાંભળેલા તથા સમજાવેલા શ્રુતમાં પારંગત થવું (૭) પ્રતિપાદન કરવામાં સમર્થ થવું.
-
અધ્યાપન વિધિ :– આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિ પહેલા સૂત્રોચ્ચારણ શીખવે. પછી સામાન્ય અર્થ અર્થાત્ શબ્દોની સૂત્ર સ્પર્શી નિર્યુકિત(શબ્દાર્થ) બતાવે. પશ્ચાત્ ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ એ સર્વેનો આશય વ્યાખ્યા સહિત બતાવે. આ ક્રમ પ્રમાણે અધ્યયન કરાવવાથી ગુરુ શિષ્યને પારંગત બનાવી શકે છે.
(૩) અવધિજ્ઞાન :– આ જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયતાની અપેક્ષા નથી રાખતું. પણ આત્મા દ્વારા રૂપી પદાર્થો નો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા છે, અરૂપીને નહિ. તે આ જ્ઞાનની મર્યાદા છે. બીજા શબ્દોમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સાથે આ જ્ઞાન રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં અવધિ શબ્દ મર્યાદાના અર્થમાં પ્રયુક્ત થયો છે.
અવધિ જ્ઞાનના બે પ્રકાર :– આ જ્ઞાન ચાર ગતિના જીવોને હોય છે. નરકગતિ અને દેવતિના જીવોમાં આ જ્ઞાન ‘ભવ પ્રત્યયિક’ હોય છે અર્થાત્ બધાને જન્મના સમયથી તે મૃત્યુ પર્યંત રહે છે. સમ્યગ્દષ્ટિનું આ જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યા દષ્ટિનું આ જ્ઞાન અવધિ અજ્ઞાન કહેવાય છે અથવા ‘વિભંગ જ્ઞાન’ કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યમાં ક્ષયોપશમ અનુસાર કોઈ કોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે, બધાને નહીં. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયના જીવોમાં આ જ્ઞાન નથી હોતું, સન્ની પંચેન્દ્રિયમાં જ હોય છે.
(૧) મનુષ્ય, તિર્યંચના આ જ્ઞાનને ક્ષયોપમિક અવધિજ્ઞાન કહેવાય છે.
(૨) દેવ નારકીના આ જ્ઞાનને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે.
અવધિજ્ઞાનના છ ભેદ :– જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન અણગારને અને ક્યારેક શ્રમણોપાસકને ક્ષયોપમિક અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. એના છ પ્રકાર છે. (૧) અનુગામિક– જે સાથે ચાલે છે. (૨) અનાનુગામિક– જે સાથે ચાલતું નથી. (૩) વર્ધમાન– જે વધતું જાય છે. (૪) હીયમાન– જે ઘટતું જાય છે. (૫) પ્રતિપાતી– જે ઉત્પન્ન થઈને નાશ પામે છે. (૬) અપ્રતિપાતી– જે સંપૂર્ણ ભવમાં નાશ પામતું નથી, તેમ ઘટતું પણ નથી.
(૧) અનુગામિક અવધિજ્ઞાન :– આ અવધિજ્ઞાનમાં કોઈને આગળ દેખાય, કોઈને પાછળ દેખાય, કોઈને જમણી બાજુ તો કોઈને ડાબી બાજુ દેખાય છે. આ અવધિજ્ઞાન જયાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે અવધિજ્ઞાની જયાં જાય ત્યાં તેની સાથે અવધિજ્ઞાન જાય છે.