________________
આગમચાર– ઉતરાર્ધ
યુગલિક મનુષ્યાણી – અંતરદ્વીપની યુગલિક મનુષ્યાણી સુજાત, સર્વાગ સુંદર અને સ્ત્રીના સર્વ ગુણોથી સંપન્ન હોય છે. ઉત્તમ બત્રીસ લક્ષણયુક્ત ઊંચાઈમાં પુરુષથી કંઈક ન્યૂન, સ્વાભાવિક શૃંગાર અને સુંદર વેશ યુક્ત હોય છે. તેનું બોલવું, ચાલવું, હસવું આદિ ચેષ્ટા સુસંગત હોય છે. યોગ્ય વ્યવહારમાં કુશલ, નિપુણ હોય છે. ક્ષેત્ર સ્વભાવ અને મનુષ્યોનું જીવન:- (૧) તે મનુષ્યો પૃથ્વી, પુષ્પફળનો આહાર કરે છે. ત્યાં પૃથ્વી, પુષ્પફળનો સ્વાદ અતિ ઉત્તમ અને પૌષ્ટિક ગુણયુક્ત હોય છે. (૨) ગામ, નગર, ઘર આદિ હોતા નથી, પરંતુ વૃક્ષો જ સુંદર ભવન અને આવાસ તરીકે ઉપયોગમાં આવે છે. (૩) વ્યાપાર-વાણિજ્ય, ખેતી આદિ કોઈ પણ પ્રકારના કર્મ હોતા નથી. (૪) સોના, ચાંદી, મણિ, ધન આદિ હોય છે, પરંતુ યુગલિક મનુષ્યને તેમાં મમત્વ ભાવ નથી. (૫) રાજા, શેઠ, માલિક, નોકર આદિ સ્વામી-સેવકના ભેદ નથી. સર્વ મનુષ્યો અહમેન્દ્રની જેમ એક સમાન હોય છે. (૬) માતા-પિતા, ભાઈ- બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, આદિ સંબંધો હોય છે, પરંતુ તેમાં તેમને તીવ્ર પ્રેમાનુરાગ હોતો નથી. (૭) શત્રુ-વૈરી, ઘાતક, મિત્ર, સખા, સખી આદિ નથી. (૮) કોઈ પ્રકારના મહોત્સવ, લગ્ન, યશ, પૂજન, મૃતપિંડ, નિવેદનપિંડ આદિ ક્રિયાઓ નથી. (૯) નાટક, ખેલ આદિ નથી કારણ કે તેઓ કુતુહલ રહિત હોય છે. (૧૦) યાન, વાહન નથી. તેઓ પાદવિહારી હોય છે. (૧૧) હાથી, ઘોડા આદિ પશુ હોય છે, પણ તેનો ઉપયોગ મનુષ્યો કરતા નથી. (૧૨) સિંહ-વાઘ, બિલાડી, કૂતરા આદિ હોય છે પરંતુ તેમાં પરસ્પર સંઘર્ષ થતો નથી. તેમજ ત્યાંના મનુષ્યોને કિંચિત્ માત્ર પીડા પહોંચાડતા નથી. (૧૩) ઘઉં આદિ ધાન્ય થાય છે. પરંતુ મનુષ્યો તેનો ઉપયોગ કરતા નથી.(૧૪) ખાડા-ટેકરા, ઉબડ-ખાબડ, વિષમ ભૂમિ તથા કીચડ આદિ નથી, ધૂળ-રજ ગંદકી આદિ નથી. (૧૫) કાંટા, કાંકરા નથી. (૧૬) ડાંસ, મચ્છર, માંકડ, જૂ, લીખ આદિ નથી (૧૭) સાપ, અજગર આદિ હોય છે. પરંતુ તે પણ ભદ્રપ્રકૃતિના હોય છે. માટે પરસ્પર અને મનુષ્યને પણ પીડા પહોંચાડતા નથી. (૧૮) વાવાઝોડું, આદિ કોઈ પણ પ્રકારની અનિષ્ટ ઘટનાઓ, ગ્રહણ, ઉલકાપાત આદિ કોઈ પણ અશુભ લક્ષણનો સંયોગ નથી. (૧૯) વૈર, વિરોધ, લડાઈ, ઝઘડા, યુદ્ધ આદિ નથી. (૨૦) કોઈ પણ પ્રકારના રોગ, વેદના, પીડા આદિ નથી. (૨૧) અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ નથી. (૨૨) સોનું, ચાંદી, આદિ ખાણ, નિધાન કે સુવર્ણ આદિની વૃષ્ટિ પણ થતી નથી.
૫૬ અંતરદ્વીપના યુગલિક મનુષ્યનું આયુષ્ય જઘન્ય–ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય કરતાં જઘન્ય આયુષ્ય કંઈક અલ્પ હોય છે. છ માસ આયુષ્યના બાકી રહે ત્યારે (પુત્ર-પુત્રી) યુગલને જન્મ આપે છે. ૪૯ દિવસ તેનું લાલન-પાલન કરે છે. ત્યાર પછી ગમે ત્યારે કાળ કરીને ભવનપતિ કે વ્યન્તર દેવમાં ઉત્પન્ન થાય છે. અંતરદ્વીપના નામઃ- (૧) એકોરૂક (૨) હયકર્ણ (૩) આદર્શ મુખ (૪) અશ્વમુખ (૫) અશ્વકર્ણ (૬) ઉલ્કામુખ (૭) ઘનદત્ત (૮) આભાષિક (૯) ગજકર્ણ (૧૦) મેંઢમુખ (૧૧) હસ્તિમુખ (૧૨) સિંહકર્ણ (૧૩) મેઘમુખ (૧૪) લષ્ટદંત.
- (૧૫) વેષાણિક (૧૬) ગોકર્ણ (૧૭) અયોમુખ (૧૮) સિંહમુખ (૧૯) અકર્ણ (૨૦) વિદ્યુદંત (૨૧) ગૂઢદંત (૨૨) નાગોલિક (ર૩) શર્કાલિકર્ણ (૨૪) ગોમુખ (૨૫) વ્યાઘમુખ (રદ) કર્ણપ્રાવરણ (૨૭) વિદ્યુજ્જિવ્યા (૨૮) શુદ્ધ દંત. આ ૨૮ દ્વીપો ચુલ્લહિમવંત પર્વતના બન્ને કિનારે છે. તે જ રીતે શિખરી પર્વતના બંને કિનારે આ જ નામવાળા ૨૮ અંતરદ્વીપ છે. દેવ વર્ણન – દેવોના વિમાન વિસ્તાર :- સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનું જે આકાશક્ષેત્ર છે, તેનાથી ત્રણ ગણા ક્ષેત્ર જેટલું એક કદમ ભરતા–ભરતા કોઈ દેવ ચાલે તો કોઈક વિમાનનો પાર પામે છે અને કેટલાકનો પાર પામતા નથી. આ રીતે પાંચગણા, સાતગણા, નવગણા કદમ ભરતા–ભરતા છ માસ ચાલવા છતાં કોઈ વિમાનનો પાર પામી શકે છે અને કોઈ વિમાનનો પાર પામી શકતા નથી. વિમાનોના નામ આ પ્રમાણે હોય છે- (૧) અર્ચિ (૨) સ્વસ્તિક (૩) કામકામાવર્ત (૪) વિજય-વિજયંતાદિ. નોધ:- ઉક્ત નિર્દિષ્ટ ગતિથી દેવ પાર પામી શકતા નથી પરંતુ દેવ પોતાની ઉત્કૃષ્ટ ગતિથી સર્વ વિમાનો-નરકોનો પણ પાર પામી શકે છે. દેવોની પરિષદ - દેવોની પરિષદ ત્રણ પ્રકારની હોય છે. આત્યંતર, મધ્યમ અને બાહ્ય. આ ત્રણેના નામ ભવનપતિમાં સમિતા, ચંડા અને જાયા પરિષદ છે. આત્યંતર પરિષદના દેવો બોલાવવાથી આવે છે. તેની સાથે ઇન્દ્ર આવશ્યક કાર્યની વિચારણા કરે છે મધ્યમ પરિષદના દેવો બોલાવવાથી અથવા બોલાવ્યા વિના પણ આવે છે. તેમની સાથે ઇન્દ્ર ઉપરોકત વિચારણાના ગુણ-દોષની વિસ્તૃત વિચારણા કરીને નિર્ણય કરે છે. ત્રીજી બાહ્ય પરિષદમાં નિર્ણિત કરેલી આજ્ઞા અપાય છે. જેમ કે આ કાર્ય કરવાનું અથવા આ કાર્ય કરવાનું નથી વગેરે.
એ ત્રણ પરિષદના દેવ-દેવીની સંખ્યા તથા આયુષ્ય આદિ જણાવેલ છે. વ્યન્તર દેવોની ત્રણ પરિષદના નામ ઈશા, ત્રુટિતા અને દઢરથા છે. જ્યોતિષી દેવોની ત્રણ પરિષદના નામ તુંબા, ત્રુટિતા, પ્રેત્યા છે. દ્વિીપસમુદ્રનું વર્ણન – તિરછા લોકમાં જંબૂદ્વીપ આદિ અસંખ્ય દ્વીપ છે. લવણ સમુદ્ર આદિ અસંખ્ય સમુદ્ર છે. જંબુદ્વિપ સર્વથી નાનો
અને બરાબર વચ્ચે છે. તે પૂર્ણ ચંદ્રમાના આકારે છે. એક લાખ યોજન લાંબો, પહોળો છે. તેની ચારે તરફ વલયાકાર બે લાખ યોજન વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. ત્યાર પછી એક દ્વીપ અને એક સમુદ્ર ક્રમશઃ વલયાકારે છે. તે સર્વ વિસ્તારમાં બમણા–બમણા છે. પ્રત્યેક દ્વીપ સમુદ્રના કિનારે પદ્મવર વેદિકા અને વનખંડ છે. તે પણ વલયાકારે છે. જંબૂદ્વીપ જગતી – જંબુદ્વીપના કિનારે જગતી છે. તેની મધ્યમાં ચારે તરફ ગવાક્ષકટક છે. જગતીની ઉપર(શિખરતલ પર) મધ્યમાં પાવર વેદિકા છે. તેની બંને બાજુ વનખંડ છે. વનખંડમાં અનેક વાવડીઓ આદિ છે.(સૂત્રમાં પદ્મવર વેદિકા અને વનખંડ તથા તેમાં રહેલી વાવડીઓનું વિસ્તૃત વર્ણન છે.) જગતી પર વાણવ્યંતર દેવો ક્રીડા, આમોદ-પ્રમોદ કરવા માટે આવે છે. ત્યાં બેસવા-સૂવા માટે આસન શિલાપટક આદિ છે. લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો જંબુદ્વીપથી સ્પષ્ટ છે અને જંબુદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રથી સ્પષ્ટ છે પરંતુ તે પ્રદેશો તેમની જ મર્યાદાના કહેવાય છે. જંબુદ્વીપમાંથી મરીને કેટલાય જીવો લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને લવણ સમુદ્રના કેટલાક જીવ મરીને, જંબુદ્વીપમાં ઉત્પન્ન થાય છે.