________________
આગમસાર– ઉતરાર્ધ
116
(૫) કાંક્ષા મોહનીય(આદિ કર્મ)પ્રમાદથી ઉત્પન્ન થાય છે, પ્રમાદ યોગોથી (મન, વચન, કાયાથી) ઉત્પન્ન થાય છે, યોગ વીર્યથી અને વીર્ય શરીરથી ઉત્પન્ન થાય છે. શરીરનું નિર્માણ કર્મ સંયુક્ત જીવ જ પોતાના પુરુષાર્થથી કરે છે. તે પ્રમાદના પ્રકારો આ પ્રમાણે છે. ૧. અજ્ઞાન દશા, ૨. સંશય ૩. મિથ્યા જ્ઞાન ૪. રાગ ૫. દ્વેષ ૬. મતિભ્રમ ૭. ધર્મમાં અનાદર બુદ્ધિ ૮. અશુભ યોગ.
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ આ પાંચ કર્મ બંધના નિમિત્ત કારણ કહેવામાં આવ્યા છે. છતાં અહીં કેવલ પ્રમાદની પ્રમુખતાથી કરવામાં આવેલ કથન અપેક્ષાયુક્ત છે. કારણ કે પ્રમાદ શબ્દ વિશાળ અર્થનો સમાવેશ કરવા– વાળો છે. અર્થાત્ પ્રમાદ શબ્દથી સંસારની તમામ પ્રવૃત્તિઓનું ગ્રહણ પણ થઈ જાય છે.
(૬) જીવ પોતે જ પોતાના ઉત્થાન–કર્મ–બલ–વીર્ય-પુરુષકાર– પરાક્રમથી કર્મોને વેદે, ઉપશમન કરે, સંવરણ(કર્મોનું અટકાવવું) કરે છે અને ગર્હા પણ સ્વયં કરે છે. અર્થાત્ કર્મોની આલોચના અને તેના બંધથી નિવૃત્તિરૂપ સંવર ધારણ કરે છે અને સંચિત કરેલા કર્મોની નિર્જરા પણ સ્વયં પોતાના પુરુષાર્થથી કરે છે. ઉદય પ્રાપ્ત ન હોય એવા કર્મોની ઉદીરણા કરાય છે. વેદન, ઉદય પ્રાપ્ત કર્મનું થાય છે. ઉપશમન, ઉદય પ્રાપ્તનું નહિં પરંતુ સત્તામાં રહેલા કર્મોનું થાય છે. નિર્જરા ઉદય પ્રાપ્ત વેદાયેલા કર્મોની હોય છે. આ બધું પ્રવર્તન જીવના પોતાના ઉત્થાન, કર્મ, બલ, વીર્ય પુરુષાકાર પરાક્રમથી જ થાય છે. (૭) એકેન્દ્રિય પણ કાંક્ષા મોહનીય કર્મનું વેદન ઉદયાનુસાર કરે જ છે. પરંતુ તે અનુભવ કરતો નથી. કેમ કે તેમને તેવી તર્ક શક્તિ, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોતા નથી. છતાં પણ સર્વ પ્રકારનાં કર્મોનું વેદન તો તેમને થાય જ છે.
એકેન્દ્રિય સંબંધી એવા અનેક તત્ત્વ શ્રદ્ઘા કરવા યોગ્ય હોય છે. તેના વિષયમાં આ વાકય હંમેશાં યાદ રાખવું જોઇએ કે ભગવદ–ભાષિત તત્ત્વ સત્ય જ છે; શંકા કરવા યોગ્ય કિંચિત માત્ર નથી. આગમમાં આ વાક્યનું અનેક સ્થાને પુનર્કથન થયું છે. (૮) શ્રમણ નિર્રન્થ પણ કોઈ નિમિત્ત સંયોગ અથવા ઉદયવશ કાંક્ષા મોહનીય (મિથ્યાત્વ)નું વેદન કરે છે અર્થાત્ કોઈ પ્રસંગો અને તત્ત્વોને લઈને તે પણ સંદેહશીલ બની જાય છે. ક્યારેક સંદેહમાં મુંજાઈ જવાથી કાંક્ષા મોહનીયનું વેદન થાય છે. ફરી સમાધાન પામીને અથવા શ્રદ્ધાના ઉક્ત વાકયનું સ્મરણ કરીને મૂંઝવણથી મુક્ત(સ્વસ્થ) અવસ્થામાં આવી જાય છે.
જે વધુમાં વધુ મૂંજાતો રહે કે મૂંઝવણમાં જ સ્થિર થઈ જાય છે અથવા ઉક્ત શ્રદ્ઘા વાકયનું સ્મરણ ન કરી શકે તો તે કાંક્ષા મોહનીયનું વેદન કરીને સમકિતથી ભ્રષ્ટ બની જાય છે.
તેથી શ્રમણ નિગ્રન્થોને તત્ત્વજ્ઞાન ચિંતવના કરતાં કરતાં પણ શ્રદ્ધામાં સાવધાન રહેવું જોઇએ અને ઉક્ત અમોધ શ્રદ્ધા રક્ષક વાકયને માનસપટ પર હંમેશા ઉપસ્થિત રાખવું જોઇએ.
સંદેહ ઉત્પત્તિનાં કેટલાય નિમિત કારણો છે. તે આ પ્રમાણે છે– અનેક પ્રકારે પરંપરાએ પ્રચલિત થતાં (૧) જ્ઞાનની વિભિન્નતાઓ (૨) દર્શનની વિભિન્નતાઓ (૩) આચરણની વિભિન્નતાઓ (૪) લિંગ–વેશભૂષાઓની વિભિન્નતાઓ (૫) સિદ્ધાંતોની વિભિન્નતાઓ (૬) ધર્મ પ્રવર્તકોની વિભિન્નતાઓ. એ જ રીતે (૭) કલ્પોની (૮) માર્ગોની (૯) મત મતાંતરોની (૧૦) ભંગોની (૧૧) નયોની (૧૨) નિયમોની અને (૧૩) પ્રમાણોની વિભિન્નતાઓ.
વ્યવહારમાં વિભિન્ન જીવોની વિભિન્નતાઓને અને ભંગો કે નયોની વિભિન્નતાઓને જોઈને, સમજી નહિ શકવાથી અથવા નિર્ણય નહીં કરી શકવાથી કુતૂહલ, આશ્ચર્ય અને સંદેહશીલ થઈને શ્રમણ નિગ્રન્થ કાંક્ષા મોહનીયના શિકાર બની શકે છે. તેથી ગુરુઓએ પોતાના શિષ્યોને પ્રથમથી જ વિવિધ બોધ દ્વારા સશક્ત—મજબૂત બનાવવા જોઇએ. જેથી તે આવી સ્થિતિઓના શિકાર બની પોતાની સુરક્ષાને જોખમમાં નાંખનારા ન બને. પરંતુ જ્ઞાનના અમોધ શસ્ત્રથી સદા અજેય બનીને પોતાના સમ્યક્ત્વની સુરક્ષા કરવામાં શક્તિમાન રહે.
પ્રત્યેક શિષ્ય અને સાધકોએ પણ શરૂઆતથી જ સ્વયં આ પ્રકારે અજેય અને સુરક્ષિત બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમજ અશ્રદ્ધા જન્ય પ્રત્યેક પરિસ્થિતિમાં શ્રદ્ધાના અમોધ શસ્ત્ર રૂપ આ વાકયને મનમાં તૈયાર રાખવું જોઇએ કે– ભગવદ્ ભાષિત તત્ત્વ સત્ય જ છે, તેમાં શંકા કરવા યોગ્ય કાંઈ જ નથી
ઉદ્દેશક : ૪
(૧) કર્મ પ્રકૃતિના ભેદ અને તેના વિપાક(ફળ) આદિનું વર્ણન પ્રજ્ઞાપના પદ –૨૩, ઉદ્દેશક–૧ અનુસાર સમજવું. (૨) મોહનીય કર્મ(મિથ્યાત્વ મોહનીયની અપેક્ષા)ના ઉદયમાં જીવ પરલોક જાય છે, તે સમયે તે પંડિત વીર્યવાળો અને બાલ પંડિતવીર્યવાળો હોતો નથી. પરંતુ બાલ વીર્યવાળો હોય છે અને બાલવીર્યમાં કાળ કરીને પરલોકમાં જાય છે.
(૩) મોહનીય કર્મના ઉદયથી(સંયમી) જીવ પતનને પ્રાપ્ત કરે છે, ત્યારે કોઈ સંયમથી શ્રમણોપાસક અવસ્થામાં જાય છે. તો કોઈ અસંયમ અવસ્થામાં જાય છે.
(૪) મોહનીય કર્મનો ઉપશમ થવાથી જીવ પ્રગતિ–વિકાસ કરે છે. ત્યારે કોઈ શ્રાવક અવસ્થામાં જાય છે, તો કોઈ સંયમ અવસ્થામાં જાય છે.
(૫) આ પતન અને પ્રગતિ જીવ પોતે જ કરે છે. બીજાના કરવાથી થાય નહિં,
(૬) મોહનીયકર્મના ઉદયથી જીવની પરિણતિ બદલાઈ જાય છે. તે જેમ પહેલાં શ્રદ્ધા–રુચિથી ધર્માચરણ આદિ કરે છે, તેમ પછી શ્રદ્ધા-રુચિ આચરણ તેના રહેતા નથી. એવો જ આ મોહ કર્મનો ઉદય પ્રભાવ હોય છે.
(૭) કરેલા કર્મ ભોગવ્યા વિના છુટકારો થતો નથી. તેમાં સૈદ્ધાન્તિક વિકલ્પ એ છે કે બંધાયેલા બધા કર્મ, 'પ્રદેશથી' ભોગવવા આવશ્યક હોય છે અને વિપાકથી ભોગવવામાં વિકલ્પ હોય છે. અર્થાત્ કેટલાક કર્મ વિપાકોદય વિના જ નષ્ટ થઈ જાય છે. તેના ત્રણ કારણ છે.
(૧) તે એવા જ પ્રકારના મંદ રસથી બંધાયેલા હોય (૨) તે કર્મને અનુકૂળ બાહ્ય સંયોગ ન મળે (૩) વિશિષ્ટ તપ-ધ્યાનથી નાશ પામી જાય. જેમ કે–૧. ચરમ શરીરી, તીર્થંકર, ચક્રવતી આદિના ભવમાં બંધાતા અનેક કર્મ મંદ પરિણામ- વાળા હોવાથી પ્રદેશ ઉદયથી જ નાશ થાય છે. ૨. નરકમાં તીર્થંકર નામ કર્મ, અણુત્તર વિમાનવાસી દેવમાં સ્ત્રીવેદનો સંયોગ હોતો નથી.