________________
આગમસાર– ઉતરાર્ધ
196
(૧) અચેલ કલ્પ– સ્વમતિ નિર્ણય અનુસાર વસ્ત્ર—પાત્ર ઓછાવધુ માત્રામાં ઓછા વધુ મૂલ્યવાળા, જેવા પણ સમય પર મળે અને લેવા ઈચ્છે તો લઈ શકે છે. રંગીન વસ્ત્ર કહેવાની પરંપરા બરાબર નથી. (૨) ઔદેશિક− અનેક સાધુ સમુહના ઉદ્દેશ્યથી બનેલો આહાર વ્યક્તિગત કોઈ સાધુ લેવા ઈચ્છે તો તે લઈ શકે છે. અગર એના માટે જ વ્યક્તિગત કોઈએ બનાવ્યો હોય તો તે આધાકર્મી લઈ શકતા નથી. (૩) રાજપિંડ– ઈચ્છાનુસાર અમુક પ્રસંગે લઈ શકે છે. (૪) માસ કલ્પ– આવશ્યક લાગે તો ૨૯ દિવસથી વધારે પણ ઈચ્છાનુસાર રહી શકે છે. (૫) ચૌમાસ કલ્પ– આવશ્યક લાગે તો ભાદરવા સુદ ૫ ના પહેલા વિહાર કરી શકે છે. પાંચમના દિવસથી કારતક સુદં ૧૫ સુધી વિહાર કરવાનો નહિ, એટલા નિયમનું પાલન કરે છે. (૬) પ્રતિક્રમણ− આવશ્યક લાગે તો સવાર સાંજ પ્રતિક્રમણ કરવું અને આવશ્યક ન લાગે તો ન કરવું. પરંતુ પાખી ચૌમાસી સંવત્સરીના દિવસે સાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવું.
આ પ્રકારની વ્યવસ્થાવાળા આ ૬ વૈકલ્પિક કલ્પ છે. મધ્યમ તીર્થંકરના સમયના સાધુઓના આ પ્રકારે વૈકલ્પિક "અસ્થિત કલ્પ' કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને આ દશે કલ્પોનું આવશ્યક હોવુ ''સ્થિત કલ્પ' કહેવાય છે. અસ્થિત કલ્પવાળાના ચાર આવશ્યક કરણીય કલ્પ આ પ્રમાણે છે–
(૧) શય્યાતર પિંડ–મકાન માલિકના આહાર વિગેરે પદાર્થો લેવા નહિં.
(૨) વ્રત– મહાવ્રત ચાતુર્યામ તથા અન્ય વ્રત નિયમ સમિતિ, ગુપ્તિ વિગેરેનું આવશ્યક રૂપથી પાલન કરવું. (૩) કૃતિ કર્મ– દીક્ષા પર્યાયના ક્રમથી વંદન વિનય વ્યવહાર કરવો આવશ્યક હોય છે. (૪) પુરુષ જયેષ્ઠ– સાધ્વીઓ માટે બધા સાધુઓને જ્યેષ્ઠ પૂજનીય માની વિનય, વંદન વ્યવહાર કરવો આવશ્યક કલ્પ હોય છે.
આ આર્ય સંસ્કૃતિનો અનાદિ નિયમ છે. ભારતીય ધર્મ સિદ્ધાંતોમાં કયાંય પણ સાધ્વીઓ સાધુઓ માટે વંદનીય કહેવાઈ નથી. એટલે આ ભારતીય સંસ્કૃતિનો લૌકિક વ્યવહાર છે. આ કારણે આ નિયમને મધ્યમ તીર્થંકરોના શાસનમાં પણ વૈકલ્પિક ન બતાવી આવશ્યકીય નિયમોમાં બતાવ્યું છે. એટલે પુરુષ જ્યેષ્ઠનો વ્યવહાર કરવાનો અનાદિ ધર્મ સિદ્ધાંત જ લૌકિક વ્યવહારને અનુરૂપ છે. એવુ જ સર્વજ્ઞોએ યોગ્ય જોયું છે. આ સિદ્ધાંતથી લોક વ્યવહાર તથા વ્યવસ્થા સુંદર ઢંગથી ચાલી આવે છે. આ આગમિક સિદ્ધાંતનો મતલબ એ નથી કે સાધ્વી સંઘનો આદર થતો નથી. સાધુ નિગ્રન્થ ગૃહસ્થોની કોઈ પણ પ્રકારની સેવા કરી શકતા નથી. પરંતુ સાધ્વીની આવશ્યકીય સ્થિતિમાં તેઓ દરેક સેવા માટે તત્પર રહે છે. તે સેવા–ગોચરી લાવવી, સંરક્ષણ કરવું, ડોલીથી ઉઠાવીને અન્યત્ર પહોંચાડી દેવું, કયાંય પડતાં, ગબડતાં, ગભરાતી વખતે સહારો આપવો. અથવા પાણીમાં તણાતા હોય તો તરીને કાઢી લેવા, વિગેરે વિભિન્ન સૂત્રોમાં અનેક પ્રકારની સેવા કહેવાઈ છે. આ અનેક કાર્યોની શાસ્ત્રમાં આજ્ઞા છે. તથા ભાવ વંદન નમસ્કારમાં સાધુ પણ બધા સાધ્વીઓને વંદન નમસ્કાર કરે છે.(નમો લોએ સવ સાહુણં– નાના મોટા દરેક સાધુ સાધ્વીને વંદન હોજો )પુરુષ જ્યેષ્ઠ કલ્પ માત્ર લૌકિક વ્યવહાર માટે જ તીર્થંકરો દ્વારા બતાવાયો છે. એની અવહેલના, અવજ્ઞા કરવી શ્રદ્ધાળુ, બુદ્ધિમાનો માટે યોગ્ય નથી. વ્યવહારની જગ્યાએ વ્યવહાર છે અને નિશ્ચય(ભાવ) ની જગ્યાએ નિશ્ચય(ભાવ) છે. આ પુરુષ જ્યેષ્ઠ કલ્પને સમજવાનો સાર છે. આર્ય સંસ્કૃતિમાં લગ્ન થયા પછી પુરુષને ઘેર સ્ત્રી આવે છે. પરંતુ સ્ત્રીના ઘેર પુરુષ આવતો નથી. આ વ્યવહાર પણ પુરુષ જ્યેષ્ઠ ને પુષ્ટ કરવાવાળો છે.
આ દશે કલ્પને અહીં ભગવતી સૂત્રમાં, સ્થિત કલ્પમાં સમાવેશ કર્યા છે. પાંચમો ચારિત્ર દ્વાર :– ચારિત્ર પાંચ છે, એનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ
(૧) સમાયિક ચારિત્ર :– આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં અલ્પ કાલીન હોય છે. જઘન્ય સાત દિવસનું, ઉત્કૃષ્ટ છ મહિનાનું હોય છે. અર્થાત્ એટલા સમયમાં આ ચારિત્રને પુનઃ મહાવ્રતારોપણ કરીને છેદોપ સ્થાપનીય ચારિત્રમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. આ કારણે આ બે તીર્થંકરોના શાસનવર્તી સાધુઓનું સામાયિક ચારિત્ર ઇત્વરિક(થોડા સમયનું) કહેવાય છે. બાકી મધ્યમ તીર્થંકરોના શાસનવર્તી શ્રમણોના તેમજ તીર્થંકરોના અને સ્વયંબુદ્ધ વિગેરેના ગ્રહણ કરેલા સામાયિક ચારિત્ર આજીવન હોય છે. આ પ્રકારે સામાયિક ચારિત્રના બે ભેદ હોય છે. ઈત્વરિક સામાયિક ચારિત્ર અને યાવત્કથિત (આજીવન) સામાયિક ચારિત્ર. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર :– પહેલા પ્રત્યાખ્યાન કૃત જે સામાયિક ચારિત્ર છે, એનું છેદન કરીને ફરી મહાવ્રતારોપણ(મહાવ્રતમાં સ્થાપિત) કરવામાં આવે છે. આ ઉપસ્થાપન કરવું કહેવાય છે. આ નવા ઉપસ્થાપિત કરાયેલા ચારિત્રને જ છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ બે પ્રકારના હોય છે. (૧) નવદીક્ષિતને ૭ દિવસ પછી અથવા ૬ મહિના સુધીમાં સૈદ્ધાન્તિક વૈધાનિક રૂપથી આપવામાં આવેલા આ ચારિત્ર ‘નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર' કહેવાય છે. (૨) કોઈ પ્રકારના ગુરુતર–ભારી દોષ લાગવાથી જ્યારે પૂર્વ ચારિત્રનુ પૂર્ણ છેદ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યારે એ સાધકનો પહેલો દીક્ષા પર્યાય સંપૂર્ણ છેદન કરીને ફરી મહાવ્રતારોપણ કરવામાં આવે છે. તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. પહેલો સૈદ્ધાન્તિક અર્થાત્ શાસનના નિયમથી હોય છે અને બીજો દોષ સેવનથી થાય છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં વિશિષ્ટ વ્યવહારિક મર્યાદાઓનું તથા કલ્પોનું અંતર હોય છે. છેદોપસ્થાપનીયમાં ૧૦ કલ્પ આવશ્યક હોય છે. એટલે તે સ્થિત કલ્પવાળા કહેવાય છે. સામાયિકમાં ૬ કલ્પ વૈકલ્પિક હોય છે. એટલે તે અસ્થિત કલ્પવાળા કહેવાય છે. એના સિવાય બન્ને ચારિત્રોના સંયમ સ્થાન, પર્યવ, ગતિ, ગુણસ્થાન વિગેરે કેટલીક સમાનતાઓ હોય છે. એટલે આરાધના, ભાવ ચારિત્ર અને ગતિની અપેક્ષા બન્નેનું સ્થાન સમાન જ છે.
(૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર :– આ એક પ્રકારની વિશિષ્ટ તપ સાધનાના કલ્પવાળા ચારિત્ર છે. મૂળમાં આ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા જ હોય છે. આવી સાધના માટે પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં શ્રમણો માટે વિશિષ્ટ વ્યવસ્થા હોય છે. સામુહિક સંધમાં વિવિધ વક્ર જડ સાધુ પણ હોય છે. એટલે આ સાધનાની અલગ વ્યવસ્થા હોય છે. અન્ય તીર્થંકરોના શાસનમાં આવા તપ અને એમાં પણ વિશિષ્ટ તપ સાધનાઓ સમૂહમાં રહીને જ કરી શકાય છે. એટલે આ વિશિષ્ટ તપ સાધનાના પરિહાર વિશુદ્ધ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં જ થાય છે.