Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
હસ્તપ્રતની વાચના તૈયાર કરવાનું એમણે આયોજન કર્યું.
આમ તો આ બાલાવબોધ પ્રકાશિત થયેલો છે, છતાં એની પ્રાપ્ત હસ્તપ્રતની જૂની ગુજરાતી ભાષા યથાવત્ જાળવી રાખીને વાચના તૈયાર કરવી અને સાથે પ્રત્યેક ગાથાના ટબાનો સુગમાર્થ આપવો એવા વિશેષ પ્રયોજન સાથે એનું સંપાદનકાર્ય હાથ ધરાયું.
જોકે ઉપાધ્યાયજીની આ પદ્યરચના આત્મસાત્ કરવા માટે પણ એક અધિકાર જોઈએ, છતાં મારા જેવા માટે એની કેટલીક લાક્ષણિકતાઓ ઊડીને આંખે વળગ્યા વિના રહેતી નથી.
ઉપાધ્યાયજીએ આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, ભગવતીસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, નંદીસૂત્ર જેવા આગમગ્રંથો અને ધર્મગ્રંથોનો અર્ક અહીં ઠસોઠસ સંકલિત કર્યો છે. ગાથાઓમાં આવતા શાસ્ત્રગ્રંથોના નિર્દેશો પરથી જ આ તારવી શકાય એમ છે. આ અર્કને એમણે અત્યંત સઘનપણે કૃતિમાં સમાવ્યો છે. જો વિષયવસ્તુના સંદર્ભથી થોડાઘણાય પરિચિત ન હોઈએ તો ગાથાનાં વાક્યાન્વયો અને અર્થાન્વયો સમજવાં મુશ્કેલ બની રહે. તેમ છતાંય આ રચનામાં રસ પડે છે તે એ કારણે કે વિવિધ ગ્રંથકથિત વચનોનું અહીં નિરૂપણ કરતી વેળાએ ઉપાધ્યાયજીની હૃદયસંવેદના પણ એમાં ભળી છે.
આખુંયે સ્તવન એમણે શ્રી સીમંધર સ્વામીને વિનંતીરૂપે રચ્યું છે. જિનાજ્ઞાની વાણીમાં જ એમને મીઠાશ અને રંગ ભળાયાં છે. (‘મનમોહનજી! તુઝ વયણે મુઝ રંગ'), પ્રભુજીની ભક્તિ અને કૃપારસની એમણે યાચના કરી છે. (‘મુઝ હોજો તુજ કૃપા ભવપયોનિધિ-તરી.') આમ એમના ભક્તિભાવે આર્દ્ર, કૃપાયાચક હૃદયના ઉદ્ગાર તો અહીં સંભળાય જ છે; સાથે જે શાસ્ત્રવચનો અહીં સંકલિત કરાયાં છે એ પણ એમના હૃદયની સંવેદનાએ રસિત થયેલાં છે. જેમકે ભાવસાધુપણાને વરેલા મુનિરાજનું ગુણવર્ણન તેઓ ‘ધન્ય તે મુનિવરા રે!' જેવા ભાવોદ્ગારથી આરંભે છે. તો આનાથી વિપરીત શ્રી સંઘમાં દેખાતો ગુરુ પ્રત્યેનો અવિનય, શિથિલાચાર, આડંબર, ગચ્છત્યાગ, નિયતવાસ, છિદ્રાન્વેષી દૃષ્ટિ, દૂષિત આલંબનોનો આધાર - એ બધા સામે ક્યાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org