Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પ્રસ્તુત સંપાદન
આ ગંભીર સ્તવન અને એનો એવો જ ગંભીર બાલાવબોધ આધુનિક પદ્ધતિએ સંપાદિત થઈને જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થઈ રહ્યો છે ત્યારે આ કાર્ય માટે પરિશ્રમ ઉઠાવનાર શ્રી કાંતિભાઈ બી. શાહની વિદ્યાપ્રીતિ અને પ્રેમપરિશ્રમની અનુમોદના જેટલી કરીએ એટલી ઓછી છે. બાલાવબોધ કાળજીપૂર્વક તૈયાર કરાયો છે. સાક્ષીપાઠોનાં સ્થાન શોધીને ગ્રન્થમાં તથા પરિશિષ્ટમાં વ્યવસ્થિત રીતે આપવામાં આવ્યાં છે. બાલાવબોધનો સારાંશ સુગમાર્થ રૂપે આપ્યો છે. નિવૃત્ત થયા પછી કાંતિભાઈએ પોતાની સાહિત્યિક પૃષ્ઠભૂમિ અને સજ્જતાને શ્રુતભક્તિમાં કામે લગાડ્યાં છે જેનાં મીઠાં ફળ તરીકે મધ્યકાલીન ગુજરાતીનાં સુંદર સંપાદનો તેમના તરફથી સંઘને મળ્યાં છે અને મળતાં રહેશે એવી અપેક્ષા જન્મી છે.
અને આવા વિદ્વાનોને પ્રેરણા, પીઠબળ અને પ્રતિસાદ આપવાનું ધર્મકાર્ય કરી રહેલા પૂજય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજની શ્રુતભક્તિ તથા વિદ્વત્રીતિને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. જયાં પણ કશુંક શુભ-સુંદર નજરે પડે તેને પ્રેમ-વાત્સલ્ય-અનુમોદનથી વધાવી લેવાનું જાણે તેમનું વ્રત છે. વાત્સલ્યધર્મી આચાર્યપ્રવરના આ ધર્મકર્તવ્યની ભૂરિ ભૂરિ અનુમોદના.
અંતમાં, શ્રમણ-શ્રમણી સંઘને એક અનુરોધ કરવાનું મન થાય છે કે ધર્મના માત્ર બાહ્ય માળખાની સુરક્ષાથી સંતુષ્ટ ન થતાં, તેની ભીતર જે જીવનરસ જેવો ભાવ વહેતો હોય છે તેને પામવા-પરખવા માટેની દૃષ્ટિનો ઉઘાડ પણ કરવા જેવો છે. અને એ માટે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ગ્રંથો શ્રેષ્ઠ સાધન બની શકે એમ છે. પ્રસ્તુત સ્તવન અને તેનો આ બાલાવબોધ એ રીતે વાંચવા-વાગોળવા જેવો છે. આ બાલાવબોધનો સાધુ-સાધ્વીના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. આસો સુદ-૮
ઉપા. ભુવનચંદ્ર સં. ૨૦૬૨, ધ્રાંગધ્રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org