________________
પ્રાકથન
મારી નવદશ વર્ષની નાની વયથી હું શા માટે જીવું છું, મારું જીવન શા માટે છે, મારા જીવનનું ધ્યેય શું છે, એવા એવા કેટલાય સવાલો મને મુંઝવતા હતા. અને આ સવાલોના જવાબ મને ક્યાંયથી મળતા ન હતા. આમ કરતાં મારી તેર વર્ષની વયે મને “શ્રીમદ્ રાજચંદ્ર”ની પાંચમી આવૃત્તિના બે ભાગ વાંચવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. તે વાંચતા તેમાંથી ઘણી ઊંડી સમજણ તો નહોતી મળી; પણ તેમનાં અવધાનશક્તિ, કવિત્વશક્તિ, સ્મરણશક્તિ તથા જ્યોતિષિક શક્તિ મારાં આકર્ષણનો વિષય થઈ ગયા. વળી, આ બધી શક્તિઓનો જનસમાજને પરિચય કરાવવાનું તેમણે તેમની અઢાર-ઓગણીસ વર્ષની નાની વયે ત્યાગી દીધું, એ હકીકતે એનું કારણ જાણવાનું મારું કુતૂહલ વધારી દીધું. જે શક્તિઓ જનસમાજમાં ભાગ્યે જ જોવા મળે છે તે તેમને સહજતાએ બાળવયથી મળી હતી, તો તેનું જીવોને દર્શન કરાવવાનું કેમ છોડયું? વળી, આ શક્તિઓનો લોકોને લાભ આપવાથી કીર્તિ, સત્તા તથા ધનની પ્રાપ્તિ સહેજે થાય; જેની પ્રાપ્તિ માટે આખું જગત મથે છે, તો આ બધાંનો ત્યાગ તેમણે કેમ કર્યો? એની જાણકારી મેળવવા મારું મન ખૂબ જ તલપાપડ થઈ ગયું. સાથે સાથે મારા મનમાં દઢ નિશ્ચય થયો કે આ શક્તિઓ કરતાં પણ ઊંચા પ્રકારની કોઈ સિદ્ધિ તેમને પ્રાપ્ત થઈ છે જેના પ્રભાવથી આ દુન્યવી સિદ્ધિનો મોહ તેમને રહ્યો નથી. પણ આ સિદ્ધિ કઈ? તેનું જાણપણું જ આવતું ન હતું. છતાં અંતરમાં એવો દઢ વિશ્વાસ થઈ ગયો કે મારા સવાલોના જવાબો તેમની પાસેથી જ મળવાના છે. પરિણામે તેમનાં જીવન અને કવનનો અભ્યાસ કરવાની તાલાવેલી મનમાં શરૂ થઈ. આમ ઇ.સ. ૧૯પરમાં શરૂ કરલું કૃપાળુદેવનાં વચનોનું વાંચન ચાલતું રહ્યું, પણ વ્યવસ્થિત અભ્યાસ કરી મારા સવાલના જવાબો મેળવવાનો યોગ ઇ.સ. ૧૯૬૩ સુધી આવ્યો નહિ. પણ નિયમિતપણે થતાં તેમનાં વચનોનાં વાંચનથી મને મારું જીવન ખૂબ સુધારી, તેમના જેવા થવાના ભાવ ધીરે ધીરે ક્રમથી વધતાં ગયા.
xix