________________
૪૮/૪
આજે જ્યારે માનવી અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાં સપડાયો છે, કુટુંબજીન કલુષિત બનતું જાય છે, ત્યારે ગામડે ગામડે વિચરતા જૈનસાધુ આ વિષમકાળમાં સૌનો વિસામો બની શકે તેમ છે, જે વિસામો પામીને આજના અશાંત અને અતૃપ્ત માનવીનું અંતર ચિદાનંદમાં રમતું થઈ જશે. માનવભવ જો મુક્તિનું મંગલ દ્વાર છે, તો ચારિત્ર તેની ગુરુચાવી છે. જૈનસાધુ આ મુક્તિદ્વારને ખોલવાનો પ્રચંડ પુરુષાર્થ કરનાર ધર્મયોગી છે. આમ, સાધુઓનો સંગ માનવજીવનનાં હિતમાં છે.
નિર્મળ ચારિત્રસંપદાનો મઘમઘાટ
યુગ-યુગોથી વહેતી આવેલી શ્રી જૈન સંઘની પરંપરાગત ગૌરવગાથામાં ભારતીય ઇતિહાસનો જે એક નોંધપાત્ર મહિમા ગણાવાયો છે તે શ્રી ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓ અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણ સંસ્કૃતિએ સ્વીકારેલી નારી પ્રતિષ્ઠાનો વિરલ નમૂનો છે.
વિશ્વ અજાયબી :
રાજમહેલમાં રહેનારી ચંદનબાળા તપસ્વીનીઓમાં અગ્રેસર બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. ભગવાન મહાવીરના શાસનમાં જેમ પ્રથમ સાધ્વી થવાનું માન ચંદનબાળને ઘટે છે તેમ સાધ્વીઓમાં પહેલું કેવળજ્ઞાન થયાનું માન મૃગાવતીને ઘટે છે. બ્રાહ્મી, સુંદરી, રાજીમતી વગેરે સાધ્વીજીઓની પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ જિનશાસનમાં દીપી રહી છે.
સાધ્વી સમુદાયમાં મુકુટમણિ-આગમ પ્રવિણા યાકિની મહત્તરાના સ્વાધ્યાય સમયના એક જ શ્લોકે હિરભદ્ર જેવા તેજસ્વી બ્રાહ્મણ પંડિત ઉચ્ચ કોટીના ૧૪૪૪ ગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ થયા. શ્રમણ સંઘમાં તેમને જોડવાનું માન યાકિની મહત્તરાને ફાળે જાય છે. સાધ્વીશ્રી સુનંદા, શ્રી રાજીમતી, શ્રી મૃગાવતી જેવા મહાન રત્નોની ઉજ્જવળ જીવનજ્યોતથી જૈનશાસન આજે પણ ગૌરવ અનુભવે છે. જ્ઞાન ભક્તિના સમન્વયસમી સુલસા માત્ર શ્રદ્ધાને બળે મહાવીર પ્રભુના પદ્મની પાંખડી જેવા સ્વચ્છ અને સુકોમળ હૃદયમાં આસન જમાવી શકી અને એમ કહેવાય છે કે ભાવી ચોવીશીમાં સુલસા સતીનો જીવ પંદરમા તીર્થંકર નિર્મમ થશે. ચેલણા, દેવાનંદા, પ્રિયદર્શના જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહોનિશ ઘૂમતી રહી છે. ત્રિશલા માતા જેમ ઇતિહાસમાં અમર બની ગયા તેમ દેવાનંદા માતાનો પુણ્ય પ્રકાશ પણ નિરંતર ચમકતો જ
રહેવાનો. શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર આ કર્મયોગિનીઓ
સ્વભાવથી જ સહનશીલતા, ધૈર્ય, દયા, કરુણા અને અખૂટ વાત્સલ્યપ્રેમી સ્રીરત્નો વૈરાગ્ય અને તપસ્યાનો કઠિન માર્ગ પસંદ કરી સંચરે ત્યારે તેની ઋજુતા અને નમ્રતા, એમના સંયમ અને નિયમ ખરેખર વંદનીય બની રહે છે.
એમાંયે જૈન દર્શનમાં તો જપ, તપ અને સંયમ સાધનાના નિયમો ઘણાં જ કપરા છે, વ્રતો આકરા છે, સાધ્વી જીવન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું અતિ દોહ્યલું છે.
વળી ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, ઉગ્ર ઉપસર્ગો સમતાભાવે સહન કરવા એ જેવી તેવી વાત નથી. યક્ષા આદિ સાધ્વીજીઓના માર્મિક પ્રસંગો વારંવાર વાગોળવા જેવા છે. જૈન દર્શનમાં જેમ સત્વશાળી શ્રમણોના ચરિત્રો આલેખાયા તેમ પ્રભાવક શ્રમણીઓના ચરિત્રો પણ મનને ઉલ્લસિત કરનારા છે.
સમવાયાંગ, જંબુઢીપપ્રજ્ઞપ્તિ, કલ્પસૂત્ર અને આવશ્યકનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં તીર્થંકરોની ઉપાસિકાઓના ઉલ્લેખો ઠીક ઠીક પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org