________________
જૈન શ્રમણ
૫૪૧
છે વિધવિધ સાધનાઓ વિવિધ સાધકો
પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)
જૈન શ્રમણપણું ખરેખર ખાંડાના ખેલ છે. એક તરફ વર્તમાનકાળમાં વધેલી વિલાસિતા, વિકારિતા અને વિપરીતતા જે ધર્મી આત્માઓ માટે ધર્મારાધનાઓ કરવામાં–જાળવવામાં અને વધારવામાં આડખીલી અંતરાયરૂપ છે અને બીજી તરફ દુનિયાના ગાડરિયા પ્રવાહથી પર જિનાજ્ઞા પાળી કઠોર આત્મસાધના કરનારા જૈન શ્રમણો વિશ્વમાં વિરલ છતાંય વિશિષ્ટ જીવન જીવનારા છે.
પ્રસ્તુત લેખમાં મહદંશે ભગવાન મહાવીરકાલીન કે તેમની પાટ પરંપરાના સાધુઓના જીવનપ્રસંગની અલ્પતમ નોંધ લેવામાં આવી છે, ઉપરાંત અન્ય મુનિ મહાત્માઓના પણ શાસનપ્રભાવક, શાસનરક્ષક, આરાધક ભાવ, ઉપસર્ગ-પરિષહવિજય અને કૈવલ્યજ્ઞાન સુધીની પ્રગતિઓ નોંધવામાં આવી છે. અમુક પ્રસંગો પતન અને ઉત્થાનના પણ નોંધાયા છે, છતાંય સંયમજીવનની વિરાધના પછીની આલોચના અને અપૂર્વ ઉલ્લાસથી ફરી પ્રારંભાયેલ આરાધના, જેથી થયેલ આધ્યાત્મિક ઉત્થાન મહત્ત્વની ઘટના છે. જિનધર્મલક્ષી વિવિધ સાધનાઓઆરાધનાઓ દેવગતિ-સદ્ગતિ અને મુક્તિપ્રદાતા બને છે, પણ તે માટે ઉત્સર્ગ-અપવાદ અનેકાંતવાદ-સ્યાદ્વાદ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વિશેનું બહોળું જ્ઞાન અપેક્ષનીય છે, તેવા ગીતાર્થોના કારણે જ શાસનની પ્રભાવના અને રક્ષા શક્ય બની છે. પ્રસ્તુત લેખમાં પણ મહામંત્ર નવકારના ત્રીજા પદથી લઈ પાંચમાં-પદ સુધીના સાધુ આત્માઓનાં વર્ણન લેવામાં આવ્યાં છે, તે ઐતિહાસિક સત્યોથી કદાચ જિનશાસનનાં આરાધનામાર્ગ જાણવા મળી શકે છે.
હજુ પણ અનેક દષ્ટાંતો પીરસી શકાય તેમ છે, છતાંય લેખમર્યાદાને ધ્યાનમાં રાખી સંક્ષિપ્ત પરિચયો જ લેખકશ્રી દ્વારા રજૂ કરાયા છે. તદુપરાંત આ જ દળદાર ગ્રંથમાં અન્ય લેખોથી અન્ય દષ્ટાંતો અવગાહવા નમ્ર સૂચના છે, લેખમાં પીરસાયેલ પદાર્થો પ્રસ્તુતકર્તાના બહોળા અભ્યાસ-સ્વાધ્યાય તથા અનુભવોથી લખાયેલા સ્પષ્ટ જણાશે, તે માટે જિનશાસનનાં વિવિધ ક્ષેત્રો વિષે અમારા નૂતન ગ્રંથ ઉપરાંત પૂર્વના ગ્રંથોમાં પોતાનો કલમકસબ દેખાડનાર પ.પૂ. જયદર્શન વિ.મ.સા.ની ગ્રંથ રચનામાં અપાયેલ શ્રુતસહાયની હાર્દિક કદરદાની કરીએ છીએ.
જિનશાસનનું શ્રુત દરિયા જેવું અગાધ છે, તેમાંથી ઘટતું-ઘટતું જેટલું પણ વર્તમાનમાં ઉપસ્થિત છે તેથીય અનેકગણું અ૫ ગ્રંથમાં રજૂ કરી શક્યા છીએ, જેનો ખેદ છે, બાકી લેખકશ્રીની દૃષ્ટિએ અનેકગણું લખાણ હજુ ખેડવા જેવું છે, જે માટે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે અમારા કે અન્ય કોઈના પણ માધ્યમથી અવનવી પ્રસ્તુતિઓ જૈન તથા જૈનેતર સમાજને મળતી રહે.
પ્રાંતે પ્રસ્તુત લેખમાં કોઈ દષ્ટાંતો એકાકી વિહારીના પણ છે, સાધ્વી-સંસ્થા અને વર્તમાનકાળના પ્રભાવકોના અલ્પાક્ષરો સાથે પૂર્ણ થતો લેખ ભૂત-વર્તમાન અને ભાવિકાળની શ્રમણ સંસ્થા અને શ્રમણસંઘનું બહુમાન વધારતો છે. “સાધૂનાં દર્શન પુણ્ય'ના ન્યાયે લખવાનું કે “બાહ્ય-અત્યંતર તપ ઉજમાળ તે મુનિ વંદુ ગુણમણિમાળ”. “ૐ નમો ચારિત્તસ્ય.”
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org