________________
ભાઈઓ તથા છોકરાઓની મંડળીઓ પગે ઘૂઘરાઓ બાંધીને અને નૃત્યોચિત વેશભૂષા સજીને વિવિધ પ્રકારે નૃત્ય કરે જ છે.
જ્યારે સાક્ષાત્ ભગવાન મહાવીર વિદ્યમાન હતા ત્યારે તેઓશ્રીની સમક્ષ ભક્તિ-નાટક નૃત્યો ભજવી બતાવ્યાના છૂટા છૂટા ઉલ્લેખો શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયના આગમ તથા ચરિત્રગ્રન્થોમાં મળે છે. શ્વે૦ આગમ ‘રાયપસેણી’માં સૂર્યાભ દેવે બત્રીસ પ્રકારનાં નાટકો કરી બતાવ્યાનો સ્પષ્ટ પાઠ છે. દિગમ્બરાચાર્ય જિનસેનકૃત આદિપુરાણમાં ઇન્દ્ર પ્રથમ તીર્થંકર શ્રીૠષભદેવના જીવનની વિશિષ્ટ ઘટનાઓ-કલ્યાણકો કે પૂર્વ ભવોને દર્શાવતું નૃત્ય કર્યાની નોંધ લીધી છે. વળી આ પુરાણમાં એવું પણ જણાવ્યું છે કે ઋષભદેવે નાટ્યશાસ્ત્રનું જ્ઞાન પોતાના પુત્ર ભરતને અને ગન્ધર્વશાસ્ત્રનું ગીત-વાદ્યરૂપ બાબતનું જ્ઞાન બીજા પુત્ર વૃષભસેનને આપ્યું હતું. શ્વેતામ્બર શાસ્ત્રો પણ યુગની આદિમાં તીર્થંકર જેવા તીર્થંકરદેવે પ્રજાને સંસારનાં સર્વ શિલ્પો-વિદ્યા-કલાઓ૧ શીખવી હતી. એમાં નૃત્યકલા-નાટકકલાનું જ્ઞાન પણ શિખવાડ્યું હતું.
અંતિમ નાટકમાં મહત્ત્વનો વિષય—એ યાદ રાખવું ઘટે કે બત્રીસબદ્ધ નાટકમાં અંતિમ બત્રીસમું નાટક કાયમ માટે તે તે તીર્થંકરનાં પાંચેય કલ્યાણકો સહિત પૂર્વ ભવની તથા અંતિમ ભવની વિશિષ્ટ ઘટનાઓને દર્શાવનારું જ હોય છે. આ હકીકત એ જ મહત્ત્વની બાબત સમજાવી જાય છે. તે એ કે ખુદ ઇન્દ્ર કે દેવ જે અવિરત અર્થાત્ અત્યાગી-ચોથા ગુણસ્થાનકે રહેલ હોવા છતાં ભગવાન મહાવીરનું રૂપ લઈને-મહાવીરની વિવિધ અવસ્થાઓને ધારણ કરીને તેમનું જીવનચરિત્ર પ્રેક્ષકોને બતાવે છે. બારે પર્ષદાના પ્રસંગે પણ તે જ વિકુર્વે છે. દૈવિક શક્તિથી વિવિધ રૂપો વિવિધ વેશભૂષાઓને ધારણ કરે છે. એમાં સાધુ-સાધ્વીજીનો પણ પાઠ લેવાનું આવી જાય છે. અવિરત ગણાતા ઇન્દ્ર કે દેવને આવા પાઠો ભજવતાં તીર્થંકરો ઈન્કાર કરતા નથી. આ નાટક વખતે ખુદ સાધુ-સાધ્વીજીઓ પણ હાજર હોય છે છતાં પણ તે ભજવાયા છે. સમવસરણ એ જાહેર આખ્યાન-વ્યાખ્યાનનું સ્થાન છે. પ્રજાના તમામ વર્ગને ત્યાં આવવાની છૂટ હોય છે. ચતુર્વિધ સંઘ, અજૈનો અને દેવદેવીઓ વચ્ચે આ નાટકો ભજવાયાં છે. આથી એ બાબત સ્પષ્ટ થાય કે ખુદ તીર્થંકરોએ અનેકવાર ભક્તિનાટક-નૃત્યો કરવા દઇને બોધક, ધર્મપોષક અને ઉત્તમ કક્ષાના નાટકોનું જૈન ધર્મમાં અચૂક અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે એ છાપ મારી આપી છે.
નાટકોનું સર્જન—કાલાંતરે જૈન મુનિઓએ દૃશ્ય અને શ્રાવ્ય નાટકો પણ રચ્યાં છે. તેમાંનાં કોઈ કોઈ ભજવાયાં પણ છે. વળી પ્રાચીન કાળમાં લોકોને ધાર્મિક બોધ મળે, શિક્ષણ મળે, ધર્મભાવનાને વેગ મળે, ઉત્સાહમાં વૃદ્ધિ થાય અને અંતઃકરણને જગાડી જાય એ માટે જૈન કથાઓ, ચિત્રો દ્વારા કે નાટકો દ્વારા રજૂ થયાના છૂટાછવાયા ઉલ્લેખો ઈતિહાસમાં વાંચવા મળે છે.
૧. પુરુષની ૭૨ કલા અને સ્ત્રીની ૬૪ કલા ગણાવાય છે.
*
[ ૩૬૮ ]
*