________________
જ જાણી શકાય છે. આ વિજ્ઞાન ત્રિકાલજ્ઞાનીએ જ બતાવ્યું છે એ પૂરવાર કરવા માટે બીજા કોઈ પુરાવા તરફ ન જઈએ તો હું તો એમ કહું કે આ કર્મશાસ્ત્ર માટે જે જે શબ્દો પ્રયુક્ત થયા છે એ શબ્દો તમને વિશ્વમાં ક્યાંય જોવા-સાંભળવા નહિ મળે. આ શબ્દોની અભિનવતા અને અજોડતા એ જ એની સર્વજ્ઞકથિત સચ્ચાઈ પૂરવાર કરવા માટે નિષ્પક્ષપાત અને તટસ્થ વિદ્વાન માટે પ્રમાણપત્રરૂપ છે.
પ્રશ્ન :—હવે તમો કર્મને ગુણરૂપે નહિ પણ દ્રવ્યરૂપે છે એ શાસ્ત્ર દ્વારા અહીં નિશ્ચિતપણે જણાવવા માગો છો તો હવે તે વાત જણાવો.
ઉત્તર ઃ—જેમ વિજ્ઞાન, ડૉક્ટરી એલોપથી સાયન્સ એમ જણાવે છે કે–સમગ્ર વિશ્વ અસંખ્ય જાતનાં બેક્ટરીઆ અને વિવિધ પ્રકારનાં વાયરસ જીવોથી ઠાંસી-ઠાંસીને ભર્યું છે. એના વિનાની એક ટાંકણી જેટલીએ જગ્યા વિશ્વમાં ખાલી નથી. એક સોયના અગ્રભાગ જેટલી જગ્યામાં કરોડો બેક્ટરીઆ હોય છે.
વિજ્ઞાનની જેમ કર્મના અણુ-પરમાણુઓ (પુદ્ગલસ્કંધો) માટે પણ એ રીતે સમજવાનું છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કર્મના અનંતપ્રદેશી દ્રવ્યોને જોયા અને કહ્યું કે-કર્મરૂપ પરિણામ પામનારા પુદ્ગલસ્કંધો વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત છે.
જીવ સ્વભાવે અમૂર્ત (કોઈ પણ પ્રકારની આકૃતિ વિનાનો) છે. પણ અનાદિ કાલથી જ મૂર્ત એવા કોઈના સંબંધથી એકધારો અવિરહપણે જોડાએલો હોવાથી તે બાપડો મૂર્ત જેવો બની ગયેલો હોવાથી મૂર્ત પુદ્ગલોને આહરણ-ગ્રહણ કરવામાં પાવરધો–જોરદાર સંસ્કારવાળો બની ગએલો છે.
પુદ્ગલ એ એક પરમાણુ રૂપે હોય અને અનંત પરમાણુ રૂપે પણ હોય. એક પરમાણુ જોડે બીજા પરમાણુનું જોડાણ થાય ત્યારે તે બે પરમાણુના બનેલા આ ભાગને ‘સ્કંધ’ તરીકે ઓળખાવાય છે. આત્મા પરમાણુ રૂપે રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી શકતો નથી પણ સ્કંધરૂપે રહેલા પુદ્ગલ સ્કંધોને જ ગ્રહણ કરે છે. આવા સ્કંધો સર્વત્ર અનંતાનંત ઠાંસીઠાંસીને ભરેલા છે.
આત્મા અમૂર્ત છે જ્યારે આ કર્મો મૂર્ત છે. બંને અનાદિકાળથી અવિરત જોડાએલા છે. આત્મા આધ્યાત્મિક પુરુષાર્થ કરતો પરાકાષ્ઠાએ પહોંચે અને સકલ કર્મનો ક્ષય કરે ત્યારે સદાને માટે વિદેહી બની જતાં કર્મના જોડાણથી સર્વથા સર્વદા મુક્ત બની જાય.
કર્મના પ્રકારો અગણ્ય છે એની ગણત્રી કોઈ રીતે થઈ શકે નહિ એટલે અગણ્ય પ્રકારોનું વર્ગીકરણ કરી તેને આઠ પ્રકારમાં વહેંચી નાંખવામાં આવ્યા, અને આ પ્રકારોને વર્ગણા એ નામના પારિભાષિક શબ્દથી ઓળખાવ્યા-જેમકે-૧. ઔદારિકવર્ગણા, ૨. વૈક્રિયવર્ગણા, ૩. આહારકવર્ગણા, ૪. તૈજસવર્ગણા, ૫. કાર્યણવર્ગણા, ૬. ભાષાવર્ગણા, ૭. શ્વાસોચ્છ્વાસવર્ગણા, ૮. મનોવર્ગણા.
અહીંયા આઠ પ્રકારની વર્ગણા-પ્રકારો જે જણાવ્યા એમાં એક વર્ગણા-પ્રકાર એવો છે [ ૫૭૨ ]