________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
જ્ઞાનની આશાતનાથી બચો (ગુજરાતી)ની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૫૭
ઇ.સન્ ૨૦૦૦
SC
થોડું આ વાંચી લો ટ
કોઈપણ સારી કે નરસી, પુણ્ય કે પાપની પ્રવૃત્તિમાં ત્રણ બાબતો ખાસ નિમિત્ત બને છે. પહેલું માણસનું મન, પછી તેની વાણી અને પછી તેનું શરીર-કાયા. જ્ઞાનની સાધના, આરાધના કે ઉપાસનાઓ મન, વચન, કાયાના ત્રિકરણ યોગથી જ થાય છે, એટલે કે તેમા મન, વચન, કાયા નિમિત્ત બને છે. આરાધનાથી પુણ્યબંધ અને કર્મક્ષય થાય છે તેમજ વિરાધનાથી પાપ અને કર્મનો બંધ થાય છે અને સરવાળે તે કેવળજ્ઞાનના (ત્રિકાળજ્ઞાનના) પ્રકાશની પૂર્ણ પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે, માટે સહુ કોઈ જીવોએ વિરાધનાથી બચી જઈને આરાધનામાં જોડાઈ જવું જોઈએ. એમાંય છેવટે વિરાધના-આશાતનાથી તો બચતા રહેવું જ જોઈએ!
મન, વચન, કાયાના ત્રિકરણયોગથી કેવી કેવી જ્ઞાનની આશાતનાઓ થાય છે તે વિસ્તારથી લખાય તો યાદી ઘણી લાંબી થઈ જાય અને કાયાથી થતી આશાતનાનું પ્રમાણ ઘણું મોટું હોય છે માટે ફક્ત કાયા સાથે સંબંધ ધરાવતી આશાતનાઓની થોડી ઝાંખી અહીં આપેલા લેખમાં કરાવી છે.
જ્ઞાનનો, પુસ્તકનો તેમજ જ્ઞાનદાતા ગુરુનો અવિનય-અનાદર કે આશાતના ન થાય અને જ્ઞાનના પ્રકાશને ઢાંકનારું જ્ઞાનાવરણીય આ નામથી ઓળખાતું કર્મ ન બંધાય માટે જૈન સાધુ-સાધ્વીજીઓ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે જ્ઞાનની આશાતનાથી દૂર રહીને જ્ઞાન અને જ્ઞાનીનો કેવો ભવ્ય આદર-માન કરે છે તેની યાદી આ પુસ્તિકામાં આપી શક્યા નથી.