________________
ANPANYAYAKARAPATAY AY AYA* ** ** ** MENYAYA
પરિશિષ્ટ નં. ૩
જંબૂસ્વામીનો રાસ પુરોવચન
આ પુસ્તકમાં વર્તી ચરમો નવૂઃ' કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની આ ઉક્તિથી અવિસ્મરણીય અંતિમ કેવળી શ્રી જંબૂસ્વામીજીનું જીવનચરિત્ર રાસ રૂપે વણી લેવામાં આવ્યું છે. કર્તા વર્તમાનના અન્તિમ જ્યોતિર્ધર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી ગણિવર છે, જેઓશ્રી જૈનજગતમાં સુપ્રસિદ્ધ છે અને અજૈન જગતમાં પણ ખ્યાતનામ છે.
અઢારમી સદીમાં રાસા સાહિત્ય જ્યારે પૂર્ણતાની ટોચે પહોંચ્યું હતું, રાસાઓની રચનાઓની હારમાળાથી જૈન સાહિત્ય ઊભરાઈ રહ્યું હતું, ત્યારે ઉપાધ્યાયજીએ પણ એ ક્ષેત્રમાં ઝુકાવ્યું. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં ઊભી થએલી ઊણપોને પૂરી કરવામાં સતત જાગરૂક, સાહિત્યના ક્ષેત્રના કોઈ પણ પ્રકારનું શીઘ્ર અનુકરણ કરીને વિશિષ્ટકોટિનું અભિનવ સર્જન કરવામાં સદોત્સાહી ઉપાધ્યાયજીએ રાસાના પ્રકારને પણ અપનાવી લીધો. પ્રાચીન કાળના વિવિધ પ્રકારના અન્તિમ પ્રતીકોના અનુગામી લેખાતા ઉપાધ્યાયશ્રીએ પોતાના સર્જાતા સાહિત્યમાં રાસાન્ત નામથી અંકિત કૃતિઓનો ઉમેરો કર્યો, જૈન સાહિત્ય અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું અને રાસકવ તરીકે તેઓ ઓળખાયા.
ગુજરાતી ભાષાની પદ્યમય દીર્ઘ રચનાના આખ્યાન. ચોપાઈ, ભાસ આદિ અનેક પ્રકારો છે. તે રીતે રાસ પણ એક પ્રકાર છે. આજે આપણને ઉપાધ્યાયજી કૃત ત્રણ રાસાઓ ઉપલબ્ધ થાય છે. બે રાસાઓ સાદ્યન્ત સ્વકૃત છે અને એક રાસ અન્યકૃત રાસની પૂર્તિ રૂપે છે. સ્વકૃત રાસનાં નામ અનુક્રમે (૧) દ્રવ્યગુણપર્યાયનો રાસ (૨) જંબૂસ્વામી રાસ (૩) વર્તમાનમાં અતિ પ્રચલિત ઉપા૦ શ્રી વિનયવિજયજીકૃત ‘શ્રીપાલ રાસ' (કર્તા સ્વર્ગસ્થ થતાં) અધૂરો રહેલો જે પોતે પૂર્ણ કર્યો. આમાં દ્રવ્યગુણપર્યાયનો રાસ એ તો એક અનોખી વિશિષ્ટ રચના છે. સામાન્ય રીતે રાસાઓ આબાલગોપાલ પ્રજા માટે, કોઈ પણ પાત્ર, કોઈ પણ કથાનક કે કોઈ પણ ચરિત્રને કેન્દ્રમાં રાખીને પ્રાયઃ રચાતા હોય છે. જ્યારે પ્રસ્તુત રાસ એ તો જૈનોની મૌલિક સંપત્તિ તરીકે ગણાતા દ્રવ્ય-ગુણ-પર્યાય (નય-સપ્તભંગી આદિ) આદિ વિષયને ઉદ્દેશીને જ રચાયો છે. પદ્યમય ગુજરાતી ભાષામાં કઠિનમાં કઠિન વિષયને વણી લેવો એ ઘણું જ દુર્ઘટ કાર્ય છે. ખરેખર આ કાર્ય ઉપાધ્યાયજી જ બજાવી શકે.
આ કૃતિ બનાવવાના કારણમાં એક ઉક્તિ એવી સંભળાય છે કે જૈન મુનિઓના રાસાઓનું સર્જન અને પ્રચાર જોઈને વિરોધીઓમાં ‘રાસડા એ તો ફાસડા' એમ કહીને તેનો ઉપહાસ કર્યો.
ટીપ્પણ--રાસ એટલે વિવિધ રાગોમાં ગવાતું કાવ્ય. [ ૮૧૫ ]