________________
******************************************
ભગવાનના જન્મ દિવસે વ્યાખ્યાન આપવાનો પ્રસંગ બન્યો. આજુબાજુનાં ગામોમાંથી જનતાની વિશાળ સંખ્યા ઉપસ્થિત હતી. તે દિવસે ભગવાન શ્રી મહાવીર અને ચંડકૌશિક નાગ ઉપર પ્રવચન થયું. અનેક લોકોએ વ્યાખ્યાનની નોંધો કરી હતી. એ નોંધોને સંસ્કારિત અને સુયોગ્ય કરી બીજા વ્યાખ્યાનરૂપે તૈયાર કરી તે પ્રગટ કરવામાં આવી. આ વ્યાખ્યાને પબ્લિકમાં ખૂબ રસ જગાડ્યો. અનેક મોટા સાધુ અને વિદુષી સાધ્વીઓને પણ જાણ થતાં આ પુસ્તિકા મંગાવતા રહ્યા.
આ પુસ્તિકાની બે આવૃત્તિ પ્રગટ થઇ હતી પણ હજુ જનતામાં તેનું આકર્ષણ સારૂં હોવાથી હાલમાં તેની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરી છે.
પ્રસ્તુત વ્યાખ્યાન અંગે
પ્રસ્તુત વ્યાખ્યાન એકવાર નહીં પણ બે-ત્રણવાર ધ્યાનપૂર્વક વાંચવામાં આવશે તો વ્યક્તિના ક્રોધ-કષાયની ઉગ્રતાનો પારો ઘટ્યા સિવાય નહીં રહે. હળુકર્મી આત્મા હશે તો ક્રોધ-કષાય પાતળાં પડ્યા વિના નહીં રહે. ભગવાન શ્રી મહાવીર અને ચંડકૌશિકની આ ઘટના ઘણી વેધક, માર્મિક અને ખૂબ જ પ્રેરક છે. આ પ્રસંગને વાંચ્યા પછી એકાંતમાં ભગવાન મહાવીરને અને ચંડકૌશિકને નજર સામે લાવી એ પ્રસંગને ધ્યાનપૂર્વક વિચારશો. અંદર આપેલું ચિત્ર ઊંડી નજરે એકસરખું જોતાં રહેજો તો તમારા મન ઉપર સમતાભાવની મોટી અસર ઊભી થયા વિના નહીં રહે.
વર્તમાનકાળની પરિસ્થિતિ એવી કક્ષાએ પહોંચી છે કે (પ્રાયઃ) ઘડીભર એમ થાય કે શું સમતાએ આ ધરતી ઉપરથી વિદાય લીધી છે? એ પરિસ્થિતિમાં ક્ષમા-સમતાભાવની પ્રતિષ્ઠા સહુ કોઇ પોતાના હૃદયમંદિરમાં યથાશક્તિ કરતા રહે તો પોતે અને સમગ્ર માનવજાત સુખ, શાંતિ અને આનંદની ગંગામાં આધ્યાત્મિક શાંતિ, તન-મનની શાંતિ તેમજ શીતળતાનો અનુભવ કરી શકશે.
આ વ્યાખ્યાનના ઉત્તરાર્ધમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની થિઅરી જગતની ધરતી ઉપર કોઇપણ ધર્મમાં ન બતાવી હોય એવી રજૂ કરી છે. એ થિઅરી સહુને સમજાય એવી છે. મુક્તિની મંઝિલ તરફ આગળ વધવું હોય તેઓ બહુ ધ્યાનપૂર્વક વાંચે અને જીવનમાં અંતરથી તેનો અમલ કરતા રહે.
સહુ કોઇ પ્રસ્તુત પ્રવચન વાંચીને ક્ષમા અને સમતાના ભેખધારી બનો અને આત્માને
અજવાળો!
*********** [ ૬૭૨ ]
********
***