________________
મહાન તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. માતા-પિતાએ તેનું જશવંતકુમાર એવું નામ સ્થાપ્યું. આ જસવંત એ જ ભાવિના આપણા યશોવિજયજી.
અતિ ખેદની વાત એ છે કે તેઓ કઈ સાલમાં, કયા મહિનામાં, કયા દિવસે જન્મ્યા હતા તેનો કશો ઉલ્લેખ મળતો નથી. એમના જીવનને વ્યકત કરતી ‘સુજસવેલી' કવિતા, ઐતિહાસિક વજ્રપટ, હૈમધાતુ પાઠની લખેલ પોથી, ઉના ગામના ભગવાનના સ્તવનનું લિખિત પાનું, આ બધાયની તથા સ્વકૃત ગ્રંથની પ્રશસ્તિઓ જોતાં એમનો જન્મ લગભગ ૧૬૪૦ થી ૧૬૫૦ વચ્ચેનો અંદાજી શકાય. તેઓ વિ. સં. ૧૭૪૩માં ડભોઈ મુકામે સ્વર્ગવાસી થયા હતા. એ ઉલ્લેખ જોતાં તેમનું આયુષ્ય લગભગ સો વર્ષનું કલ્પી શકાય.
સુજસવેલી નામની ગુજરાતી પદ્યમય રચનાના કથનાનુસાર પંડિત શ્રી નયવિજયજી નામના જૈન મુનિ કુણગેર ચોમાસું કરી કનોડુ પધાર્યા, જશવંતના માતા પોતાના પુત્રનું જીવન ધાર્મિક સંસ્કારોથી સુવાસિત બને એટલે માતા હંમેશા દેવદર્શન ગુરુદર્શન કરવા જતા ત્યારે જસવંતને સાથે લઈ જતા. દેવદર્શન કરી ઉપાશ્રયમાં ગુરુને વંદન કરી સુખશાતાની પૃચ્છા કરી માંગલિક પાઠનું શ્રવણ કરતા અને પોતાના ઘરે ગોચરી-ભિક્ષાનો લાભ આપવાની ગુરુશ્રીને વિનંતી કરતા. ધીમે ધીમે જશવંત બીજા સમયમાં પણ ઉપાશ્રયે જતો-આવતો થયો. સાધુઓ જોડે બેસતો, સાધુઓ પ્રેમથી બોલાવતા અને જશવતંના ગુરુદેવ પાસે વાર્તા કથા સાંભળતો અને એ નિરાંતે ત્યાગવૈરાગ્યની પ્રેરણા મેળવતો ગયો. પારખુ ઝવેરી જેમ હીરાને ઓળખી કાઢે અને તેના મૂલ્યનું માપ પણ કાઢે તે મુજબ ગુરુ શ્રી નયવિજયજીને જશવંતનું તેજસ્વી મુખ વિનય વિવેક ભર્યું વર્તન, શાણપણ, ઠાવકાઈ, ધર્મ ઉપરનો આછો પતલો પ્રેમ વગેરે ગુણો જોઈ તેનામાં ભાવિના એક મહાન નરરત્નની ઝાંખી થઈ. જશવંતનું ભાવિ માપી લીધું. જશવંતને પણ ગુરુજીએ તથા સાધુઓએ પૂછ્યું કે કેમ દીક્ષા લેવાની ભાવના થાય છે ખરી? ત્યારે તે સંમતિ સૂચક મસ્તક ધુણાવતો અને હા પાડતો. સાધુઓ ત્યાગી જીવન શું છે તે મળવું કેટલું કઠણ છે તે પણ સમજાવતા, ત્યારે તે હિંમતથી કહેતો કે તમો પાળો છો તો હું કેમ નહીં પાળું? જરૂર પાળીશ. પછી મુનિશ્રી નયવિજયજી જશવંતની બાબતમાં આગળ વધ્યા અને એક દિવસ ગુરુદેવે સંઘની હાજરીમાં બાળક જશવંતને જૈનશાસનના ચરણમાં સમર્પણ કરવાની અર્થાત્ દીક્ષા આપવા માટેની માંગણી કરી. જૈનશાસનને વરેલી માતાએ વિચાર્યું કે જો મારો પુત્ર ઘરમાં રહેશે તો વધુમાં વધુ શ્રીમંત થાય કે ગામ પરગામમાં નામના કાઢે કે કુટુંબનું ભૌતિક હિત કરે. મારો પુત્ર ઘરમાં રહેશે તો નાનકડી દીવડીની જેમ રહી મારા એક ઘરને પ્રકાશિત કરશે પણ જો ત્યાગી થઈ જ્ઞાની થશે તો સૂર્યની જેમ હજારો ઘરોને પ્રકાશ આપશે. હજારો આત્માઓને આત્મકલ્યાણનો માર્ગ બતાવશે તો એક ઘર કરતાં અનેક ઘરોને મારો પુત્ર અજવાળે તો એનાથી મારે રૂડું શું? હું કેવી બડભાગી બનું! મારી કુખ કેવી રત્નકુક્ષિ બની જાય. આ વિચારોએ માતાના હૈયામાં હર્ષ-આનંદની ભરતી આણી. ઉત્સાહપૂર્વક જિનશાસનને વરેલી માતાએ ગુરુ અને શ્રી સંઘની આજ્ઞા માથે ચઢાવી. પોતાના વહાલસોયા કુમારને એક શુભ ચોઘડિયે શ્રી નયવિજયજીને સુપ્રત કરી દીધો. આ પણ એક ધન્યપળ હતી. આ રીતે જૈન શાસનના ભાવિમાં થનારા જયજયકારનું બીજારોપણ થયું.
?& [ ૪૦૯ ]