________________
(દેહધારી અવસ્થાની દૃષ્ટિએ) સ્વશરીર પરિમાણવાળો છે. જે જે યોનિમાં જાય ત્યાં ત્યાં ન્હાનું કે હોટું, જેવું જેવું શરીર મેળવે તેવા શરીરમાં તે વ્યાપીને રહે છે. શરીરથી બહાર (અવકાશમાં) ફેલાઈને કદી રહેતો નથી. આ વાત આમ શરીરધારી આત્માને અનુલક્ષીને કરી છે. બાકી સૂક્ષ્મ શરીરધારી (તૈજસ-કાર્મણ) આત્માનું પ્રમાણ એક અંકુલના અસંખ્યાતમા ભાગનું પણ હોય છે.
૨. નૈયાયિકો સમવાયને અલગ પદાર્થ માને છે, જ્યારે જૈનો સ્વતંત્ર પદાર્થ છે એવું માનતા નથી. તેથી તેના મતનું ખંડન કર્યું છે. જૈનો સમવાય સંબંધના સ્થાને ભેદાભેદ અવિશ્વભાવ સંબંધ માને છે અને આ વાત એમને તદિકથી પૂરવાર કરી છે.
૩. જૈનદર્શન આત્માને નહિ પણ સંસારી જીવાત્માને ઉત્પત્તિ, વિનાશ, અને ધ્રૌવ્યથી યુકત માને છે, તેથી તાત્પર્ય એ છે કે, આત્મા અપેક્ષાએ નિત્ય અને અનિત્ય બંને રીતે હોવાથી નિત્યાનિત્યથી ઓળખાય છે. વળી જૈનદર્શન આત્માને શાશ્વત નિત્ય દ્રવ્ય માને છે પણ જ્યાં સુધી તે મુકતાત્મા ન થાય ત્યાં સુધી તે સંસારી અવસ્થાવાળો છે. અને સંસારમાં રહેનારો હોવાથી તેને કોઈને કોઈ જન્મમાં દેહધારી રૂપે રહેવું જ પડે છે. શરીરો ભલે બદલાય પણ શરીરમાં રહેનારો બદલાતો નથી. તે તો અનાદિકાળથી એક જ રૂપે છે અને તે અનંતકાળ સુધી તે જ રહેવાનો છે, આથી આત્મદ્રવ્ય એ ધ્રુવદ્રવ્ય છે.
૪. વિવક્ષિત એક યોનિમાં આત્મા ઉત્પન્ન થાય છે, ત્યારે વહેવારથી તેનો ‘જન્મ' થયો કહેવાય છે. આ જન્મ એટલે ઉત્પત્તિ અને વિવક્ષિત જન્મનું આયુષ્ય પૂર્ણ થતાં (આત્મા દેહમાંથી અન્યત્ર જન્મ લેવા ચાલ્યો જાય) દેહનો વિનાશ થાય ત્યારે તેને ‘વિનાશ' કહેવાય. વહેવારમાં મૃત્યુ અથવા માણસ કે જીવ મરી ગયો બોલાય છે. આપણે આત્મા મરી ગયો નથી બોલતા. કેમકે એનો ઉત્પત્તિ, વિનાશ છે જ નહિ. આ ચૈતન્ય સ્વરૂપ શાશ્વત અવિનાશી દ્રવ્ય છે એટલે આત્માનાં જન્મ મરણ નથી. જન્મ મરણ તો દેહનાં છે. આત્મા તો ધ્રુવ-નિત્ય દ્રવ્ય છે. કર્મસત્તાને વશવર્તી બનીને આ સંસારના મંચ ઉપર વિવિધ પ્રકારના પાત્રો લઈને જાતજાતનાં સારાં-નરસાં નાટકો ભજવે છે, એટલે જ તેના ઉત્પત્તિ વિનાશ પર્યાયની દૃષ્ટિએ સમજવાનાં છે.
૫. નૈયાયિકો વગેરે લોકો સર્વથા પ્રલયને માને છે. જ્યારે જૈનો સર્વથા પ્રલયને સ્વીકારતા નથી, પણ તે આંશિક પ્રલય જરૂર માને છે. આ કારણે ઉપાધ્યાયજીએ સર્વથા પ્રલયની વાતનું ખંડન કર્યું છે.
૬. કેટલાક મતકારો જીવ માત્રને મોક્ષ–મુકિત માને છે, જ્યારે જૈનદર્શન તમામ જીવોની મુકિત થાય તેવું નથી માનતું. એટલે એ વાત પ્રસ્તુત પ્રકરણમાં સુંદર રીતે સમજાવી છે.
૭. અન્ય દાર્શનિકો જગતને અનાદિ સાંત માને છે. જ્યારે જૈન દર્શન જગતને (પ્રવાહની અપેક્ષાએ) અનાદિ અનંત માને છે. અર્થાત્ તેનો સર્વથા નાશ થતો નથી એવું માને છે. તેથી સર્વથા અનાદિ સાંત કહેનારા મતવાદીઓનું ખંડન કર્યું છે.