________________
પ્રકરણ ૧૦ : પૃથ્વી
પૃથ્વીને નૈયાયિકો સ્વતંત્ર દ્રવ્ય માને છે, અને ગંધનું સમવાયી કારણ માને છે, અને ગંધની સમવાયી કારણતાના અવચ્છેદક રૂપે નૈયાયિક પૃથ્વીતત્ત્વની સિદ્ધિ કરે છે; પરંતુ ઉપાધ્યાયજી પૃથ્વીને સર્વથા સ્વતંત્ર દ્રવ્ય ન માનતાં પુદ્ગલ દ્રવ્યનો પરિણામ-વિકાર વિશેષ છે એમ જણાવે છે.
પ્રકરણ ૧૧ : જળ
જળતત્ત્વને પણ નૈયાયિકો સ્વતંત્ર દ્રવ્ય માને છે પણ જૈનો સ્વતંત્ર દ્રવ્યરૂપે નથી માનતા. જૈનો સ્વતંત્ર દ્રવ્ય રૂપે પુદ્ગલ દ્રવ્યને જે માને છે તેનો જલ એક પ્રકાર છે. ચૈતન્ય--આત્મદ્રવ્ય સિવાય વિશ્વમાં (આકાશને તેમજ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળને છોડીને) જેટલા ભૌતિક પદાર્થો છે તેનો સમાવેશ એક ‘પુદ્ગલ' નામના સ્વતંત્ર દ્રવ્યમાં જ થાય છે. પછી એ જ પુદ્ગલ દ્રવ્યના વિકારો-પર્યાયોરૂપે તમામ દ્રવ્યો-પદાર્થો વર્તે છે.
પ્રકરણ ૧૨ : તૈજસ
સુવર્ણ–સોનું એ તૈજસ અગ્નિરૂપ છે કે પૃથ્વીરૂપ છે, આ સવાલ છે. એમાં વૈશેષિકદર્શન સુવર્ણને તૈજસરૂપ માને છે. અને ભલે સ્પષ્ટ તૈજસપણું નથી પણ અભિભૂત જરૂર છે. જ્યારે તત્ત્વચિંતામણિકાર એમ જણાવે છે કે સુવર્ણમાં ઉષ્ણસ્પર્શ અદ્ભુત છે, એની સામે ઉપાધ્યાયજી કહે છે કે સુવર્ણ પૃથ્વીમાં-ધરતીમાં ઉત્પન્ન થાય છે તેથી અને કાપવાથી સમાન અંકુર આવિભૂતિ દેખાતા હોવાથી સુવર્ણ પૃથ્વીકાયનો જ ભેદ છે. આ રીતે જૈનદર્શન ધાતુઓને પૃથ્વીકાય માને છે તેની સાબિતી કરી આપી છે.
પ્રકરણ ૧૩ : વાયુ
મીમાંસકો, ત્વચાથી વાયુ પ્રત્યક્ષ થાય છે એવું માને છે. ચિન્તામણિકાર એવું માનતા નથી. આ બંનેને ઉપાધ્યાયજી જવાબ આપે છે કે વાયુનું પ્રત્યક્ષ વિચારજ્ઞાનથી થઈ શકે છે. પણ આ વાત જલદી ગળે ન ઉતરે તો વૃક્ષાદિના કંપન દ્વારા અનુમાનથી તેની પ્રતીતિ કરી શકાય છે, વગેરે અનેક બાબતો આ પ્રકરણમાં જણાવી છે. આ પ્રકરણ અપૂર્ણ રહી ગયું છે.
પ્રકરણ તેર અને ચૌદ બે મલ્યાં નથી, તથા આકૃતિના છેલ્લા પાનાં ઉપર વાયુપ્રામ્ એવું જે હેડીંગ છપાયું તે રદ કરવું.
[ ૪૦૭ ]