________________
૯૪
ક્ષત્રપકાલીન ગુજરાત અત્યાર સુધીની ચર્ચાના પરિપ્રેક્ષ્યમાં એટલું સૂચિત થાય છે કે કથિક નૃપોનું વર્ષ ૧૨૭ કલયુરિ સંવતમાં બંધ બેસી શકે. પરંતુ અપરાન્તમાંથી ગુજરાત આવેલો આ સંવત દક્ષિણ ગુજરાત પૂરતો પ્રચારમાં સીમિત હતો. ઉત્તર ગુજરાતમાં તો ત્યારે ક્ષત્રપોનું શાસન પ્રવર્તતું હતું. વળી ત્યાં કલચુરિ સંવતનો પ્રસાર થયો હોય તેવો કોઈ નિર્દેશ તે પૂર્વે કે પછી ક્યાંય જોવો પ્રાપ્ત થતો નથી. તો પણ કથિક નૃપોનું વર્ષ ૧૨૭” એવો ઉલ્લેખ સૂચક તો ખરો જ. એમ પણ બને કે આ સંવત કથિકોએ પ્રવર્તાવ્યો હોય કે પ્રચલિત કર્યો હોય. વળી કલચુરિ સંવતનું અસલી નામ જાણમાં નથી. એ સંવત આભીરોએ શરૂ કર્યો હોય એવું ધારવામાં આવ્યું છે; અને પછી એને કથિકોએ પ્રચલિત કર્યો હોય એવું પણ સંભવે. છતાં કથિક નૃપોનો સંવત એ આ કલયુરિ સંવત હોય એમ નિશ્ચિત રીતે કહી શકાય નહીં.
આમ, કથિક નૃપોનું વર્ષ ૧૨૭ કોઈ પ્રચલિત જ્ઞાત સંવત સાથે સ્પષ્ટતઃ બંધબેસતું ન હોઈ એવું ફલિત થાય છે કે આ કોઈ તદ્દન ભિન્ન સંવત હોવો જોઈએ. તેમ હોય તો તેનો આરંભકાળ (epoch) ઈસ્વી ૧૪૭થી ૨૭૩ની વચ્ચે, સંભવતઃ ૨૨૫ની આસપાસ હોવાનું સૂચવાયું છે. પરંતુ એનો સ્પષ્ટ અને નિશ્ચિત આરંભકાળ નિર્ણિત કરાય નહીં ત્યાં સુધી મહાતૂપ અને મહાવિહારના સમયનિર્ણયમાં આ લેખમાંનું વર્ષ ઉપકારક થતું નથી. આથી આ સ્થળના ઉત્પનનકાર્ય દરમ્યાન પ્રાપ્ત ઠીંકરાં, સિક્કાઓ અને શિલ્પના નમૂનાઓના અર્થઘટનને આધારે એનો સમય નિશ્ચિત કરવાનો પ્રયાસ આપણે હવે કરીશું.
આપણે અવલોકી લીધું કે દેવની મોરીના મહાતૂપના અંડ નીચેથી પ્રથમ પીઠિકાના પેટાળમાંથી ક્ષત્રપોના ચાંદીના આઠ સિક્કાયુક્ત એક પાત્ર મળી આવ્યું હતું, જેમાં એક સિક્કો વિશ્વસનનો છે. આ રાજા મહાક્ષત્રપ ભર્તુદામાનો પુત્ર છે અને જેનો રાજ્ય-અમલ શક વર્ષ ૨૦૫થી ૨૨૬ ( ઈસ્વી ૨૮૩થી ૩૦૪) સુધીનો રહ્યો હતો. આથી આ મહાતૂપ વિશ્વસનના શાસનકાળ દરમ્યાન કે પછી ઈસુની ચોથી સદીના આરંભમાં બંધાયો હોવાનું સંભવતઃ અનુમાન થઈ શકે છે.
આ મહાતૂપના પેટાળમાંથી કમાનોના ટુકડાઓ, બુદ્ધની પ્રતિમાઓ અને અન્ય સુશોભિત પદાર્થો વિશેષ સંખ્યામાં હાથ લાગ્યા છે. આ બધા શિલ્પાવશેષ સ્તૂપના બાંધકામ દરમ્યાન વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાયા હોવાનું જણાય છે ૫. આ અવશેષોનું સૂક્ષ્મ અવલોકન સૂચિત કરે છે કે તે બધા એક યા બીજી રીતે ખામી યુક્ત હતા અને તેથી એમ કહી શકાય કે આ પ્રતિમાઓના કલાકારોએ જ તેને બિનોપયોગી રાખવાને સ્થાને એનો અહીં ઉપયોગ કર્યો હતો. આ અવશેષોમાં બુદ્ધ પ્રતિમાઓ ગાંધાર પ્રકારના વાળની લાક્ષણિક પદ્ધતિ અને તેનાં ગુલ્ફાંગૂંચળાં (ringlets) ઈસુની ત્રીજીચોથી સદીનો સમય સૂચવે છે. ઉપરાંત કમાનો અને સુશોભિત પદાર્થોમાંય કુષાણ અને ગાંધાર કલાનાં શૈલી-લક્ષણો વ્યક્ત થાય છે તેમ જ પ્રતિમાઓ અને સુશોભિત આકૃતિઓ (motifs) પણ ત્રીજીચોથી સદીનાં હોવાનો સંભવ વિશેષ જણાય છે. તેથી આ શિલ્પાવશેષોની કલાપદ્ધતિ અને કલાકારીગરી પણ આ સૂપનો સમય ઈસુની ત્રીજીચોથી સદીનો હોવાનું સૂચવે છે. હાલ ઈન્વોટ૮ ગાંધાર કલાનાં શિલ્પોને ચાર વિભાગમાં મૂકે છે, એમાં ત્રીજો પ્રકારનો સમય ઈસ્વી ૩૦૦થી ૪૦૦નો વચ્ચેનો જણાવ્યો છે અને આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org