________________
૩૩૦
ક્ષત્રપકાલીન ગુજરાત આકૃતિના મસ્તક ઉપર લોખંડી ટોપના આકારનું શિરસ્ત્રાણ છે. કદાચ ઈરાનીઓ માથે બાંધે છે તેવા પ્રકારનું કોઈ શિરોવસ્ત્ર હોઈ શકે. નહપાનના સિક્કા ઉપરની મુખાકૃતિના માથે પાઘડી મૂકેલી જોવી પ્રાપ્ત થાય છે. આ રાજાઓના વાળ લાંબા, વાંકોડિયા અને સુંદર રીતે હોળેલા છે. એમની લાંબી અને ગાલ ઉપર વીંછીના પૂછડાની જેમ વળેલી વાંકી મૂછ આકર્ષક દેખાય છે. કાન પાસેના ગાલ ઉપર લંબાયેલા પહોળા અને જાડા થોભિયા એમનાં વીરત્વમાં ઉમેરો કરે છે. કાનમાં કુંડલ પ્રકારનું ઘરેણું ધારણ કરેલું છે. પોપટની ચાંચ જેવું ઉપસાવેલું નાક, વિસ્ફારિત નયન, ભ્રમરની સુરેખતા તથા ઓષ્ઠદ્વયની સ્પષ્ટ ઉપસેલી રેખાઓ કોતરકલાના સુંદર નમૂનાઓનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. કંઠને ફરતી સુશોભિત પટ્ટી એમના ઈરાની ઢબના લાંબા કોટની ગળાપટ્ટી હોય એ વધુ સંભવિત છે. કંઠની નીચેનો ભાગ, સિક્કાના કદની મર્યાદાને કારણે, કંડારેલો ના હોઈ આ બાબતે વિશેષ અનુમાન તારવવું મુશ્કેલ છે.
ગઈ સદીના ઉત્તરાર્ધમાં જામખંભાળિયા (જામનગર જિલ્લો) નજીક આવેલા કાકાની સિંહણ ગામેથી એક મુખાકૃતિ હાથ લાગી હતી. એ શિલ્પ ખરતા પથ્થરનું છે. તે ક્ષત્રપકાલીન હોવાનો અભિપ્રાય છે ૭. ૬ X ૫.૩ X ૮.૪ સેંટીમીટરનું કદ ધરાવતી આ મુખાકૃતિ નરી આંખે જોવાથી મોટી હોવાનો ભાસ થાય છે. સુશોભનયુક્ત બેસણી ઉપર આ મુખાકૃતિ સ્થિત છે. બેસણીના ઉપરના સપાટ ભાગ ઉપર મણકાની માળા જેવું ઘરેણું કંડારેલું જોવા મળે છે (જુઓ ચિત્ર ૧૧). પ્રસ્તુત ચિત્રમાં કદાચ આ માળા જોવાતી નથી, પરંતુ મૂળ કૃતિને નરી આંખે જોવાથી માળાનું આલેખન સ્પષ્ટ દેખાય છે. લાંબા કાનમાં કુંડલ જેવું ઘરેણું છે. માથા ઉપર પાઘડી જેવું જણાય છે. પાઘડી ઉપર બેસણી જેવી કોતરણીનાં સુશોભન છે. પહેલી નજરે આ મુખાકૃતિ ક્ષત્રપ સિક્કામાંની મુખાકૃતિ હોવાનો ભ્રમ ઉપસ્થિત થાય છે. પરંતુ સૂક્ષ્મ નિરીક્ષણથી ઉભય વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ થાય છે. આ મુખાકૃતિનાં પોપચાં-ભ્રમરનું સુરેખ આલેખન મથુરાની કુષાણકાલીન કળા જેવી જણાય છે. તેથી આ મુખાકૃતિ ગુજરાતની ક્ષત્રપકાલીન શિલ્પકળા ઉપર સારો એવો પ્રકાશ પાથરે છે. આ મુખાકૃતિ ઈસ્વીની બીજી સદીની છે.
દેવદેવીઓની પ્રતિમા ક્ષત્રપકાલીન ગુજરાતમાં દેવદેવીઓની આકૃતિઓ પહેલવહેલી ઢંકગિરિમાંથી મોટી સંખ્યામાં હાથવગી થઈ છે. ઉપરકોટની ગુફામાં પ્રાણી-માનવ-આકૃતિઓ છે પણ દેવીદેવતાની નથી. એથી, ઊલટું ઢંકગિરિમાં દેવદેવીની પ્રતિમા છે અને પ્રાણી કે માનવકૃતિ આકૃતિ નથી. જૈન પ્રતિમા
ઢંકગિરિની ઉપલબ્ધ મૂર્તિઓ બૌદ્ધ હોવાની કલ્પના બર્જેસે વ્યક્ત કરેલી. તો તે બધી જૈન તીર્થકરોની છે એમ સાંકળિયાએ પ્રતિપાદિત કર્યું છે. મૂર્તિઓમાં આદિનાથ ઋષભદેવ, સોળમાં તીર્થકર શાંતિનાથ, તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ, ચોવીસમા તીર્થંકર મહાવીર વગેરેનો સમાવેશ થાય છે.
ડુંગરના નીચાણવાળા ભાગ ઉપરની એક ઓરડીમાં પથ્થરની ત્રણ બેઠક છે : એક પ્રવેશદ્વારની સામે, બીજી બે ડાબે-જમણે છે. આ બેઠકો ઉપર આદિનાથની પ્રતિમા કંડારેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org