________________
પ્રકરણ એકવીસ
૩૪૯
કચ્છનો અખાત તોફાની હોવાની હકીકત પેરિપ્લસે નોંધી છે. આથી અહીંથી પસાર થતાં વહાણને ખૂબ સાવચેતી રાખવી પડતી હશે. બારિગાઝાનો અખાત પણ સાંકડો હોઈ વહાણવટીઓને પરેશાન કરતો. આથી છીછરા પાણીમાં જઈ શકે તે પ્રકારની હોડીઓ સજ્જ ભોમિયા સુરાષ્ટ્રના કાંઠા સુધી જઈ બારિગાઝા આવતાં વહાણને માર્ગદર્શન આપવાનું કામ કરતા હોવાની વિગત પરિપ્લસમાં છે. આથી, ગુજરાતના સમુદ્રકાંઠાની આબોહવા અને દરિયાનાં જોખમની પ્રતીતિ થાય છે. વસાહત
વેપારવણજ અને ધનધાન્યની સમૃદ્ધિ અંકે કરનાર આ પ્રદેશમાં પ્રજાની નાની મોટી સંખ્યાતીત વસાહત હોવાનું અનુમાન કરી શકાય. આ સમયના લેખોમાં નાનાંમોટાં કેટલાંક ગામનો નિર્દેશ છે, જેમનો સ્થળનિર્ણય થઈ શકે છે. તદનુસાર આ ગામોને ગુજરાતની પ્રાકૃતિક પાર્શ્વભૂમિકાના નકશામાં ગોઠવવામાં આવે તો તેમાંના ઘણાં સ્થળ નદીતટે કે સમુદ્રકાંઠે આવેલાં હોય એમ સૂચવાય છે. દા.ત. ભરૂચ, પ્રભાસ, દ્વારકા, નગરા, હાથબ, વલભી વગેરે.
ભરુકચ્છના જેવાં દ્રોણમુખનું મહત્ત્વ આ સમયમાં હોવાનું દર્શાવી શકાય તેમ છે; કારણ કે આ પ્રકારનાં સ્થળ જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ ઉભય માર્ગનાં મુખ ઉપર વસેલાં હોઈ વેપારવણજના વિકાસનો વિશેષ અવકાશ રહે છે. આથી, ભરૂચ આ સમયના ગુજરાતની સૌથી મોટી વસાહત હોવાનું દર્શાવી શકાય. કહો કે દ્રોણમુખનું સ્થાન વસવાટ વાતે વધારે વૃદ્ધિદાયી હોય છે.
ઉખનન દ્વારા પ્રાપ્ત પુરાવશેષો ઉપરથી દ્વારકા, પ્રભાસ, અમરેલી, વડનગર, દેવની મોરી, નગરા, ટીંબરવા, અંકોટક, કારવણ, કામરેજ જેવાં સ્થળ પણ મોટી વસાહત જેવાં હોય એ સંભવે છે. ગિરિનગર તો અશોકના સમયથી વહીવટી કેન્દ્ર તરીકેનું મહત્ત્વ અંકે કરતું આવ્યું છે. એટલે ક્ષત્રપકાલ દરમ્યાન તે પણ ભરૂચના જેવું મોટું વસાહતી કેન્દ્ર હોવાનું સ્પષ્ટતઃ સૂચવી શકાય. માંગરોળ (જૂનાગઢ પાસેનું) પણ તોલમાપના સૂચવ્યા અનુસાર મોટું વસાહતી શહેર હોઈ શકે. તોલમાય આ ઉપરાંત સિદ્ધપુર (asiuda), થાન (theophila), સોજિત્રા (sazantion) વગેરે સ્થળવિશેષનો નિર્દેશ કરે છે. આ બધાં સ્થળ પણ વસાહતી હોઈ શકે. જૈન આગમોની વાચના માટે થયેલી વલભીની પસંદગી ઉપરથી તે ધાર્મિક અને શૈક્ષણિક એવું એક મોટું વસાહતી કેન્દ્ર હોવાનું સ્પષ્ટ સૂચવી શકાય. આથી, વલભી પણ સંભવતઃ ભરૂચ અને ગિરિનગર સમકક્ષ મોટું નગર હોવાનું સૂચવી શકાય. ગુંદાના લેખમાં “રસોપદ્રીય' ગામનો નિર્દેશ પણ વસાહત હોવાનું સૂચન કરે છે.
તે જમાનામાં સોએક વર્ષની સમયાવધિમાં જૂની વસાહતો નાશ પામે અને નવી સ્થપાય એ બહુ સંભવિત જણાતું નથી. એટલે કે મૈત્રકકાળ દરમ્યાન જે ગામડાં, નગરો કે મોટી વસાહતો હતાં એમાંનાં ઘણાંનું અસ્તિત્વ પ્રામૈત્રકકાલમાં એટલે કે ક્ષત્રપકાલમાં હોય એવું અનુમાની શકાય. તદનુસાર ખેડ(ખેટક), વઢવાણ (વર્ધમાન), ગોધરા (ગોદ્રહક), જંબુસર, શિહોર (સિંહપુર) ઇત્યાદિમાંથી ઘણી વસાહતો ક્ષત્રપાલમાં હોવા સંભવી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org