________________
પ્રકરણ એકવીસ
લોકજીવન (પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક)
ક્ષત્રપોના શાસન સમય દરમ્યાન ગુજરાતના લોકજીવન બાબતે સળંગ અને વિગતથી માહિત ભાગ્યે જ ઉપલબ્ધ થાય છે. આથી, લોકજીવન સબબ એનાં જે પાસાં વિશે જે કોઈ છૂટી છવાઈ માહિતી પ્રાપ્ત થાય છે તે તમામને અહીં સંકલિત સ્વરૂપે પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ કર્યો છે. પ્રાકૃતિક પરિસ્થિતિ
કોઈ પણ પ્રદેશના લોકજીવનનાં ઘડતરમાં સ્થાનિક ભૌગોલિક વાતાવરણની અને પર્યાવરણની પરિસ્થિતિ મુખ્ય ભાગ અદા કરે છે. એટલે આપણે અહીં આરંભમાં ક્ષત્રપ સમયના ગુજરાતની પ્રાકૃતિક સ્થિતિનાં અવલોકન કરીશું.
કચ્છના અખાતમાં ખાસ કોઈ ભૌગોલિક ફેરફાર થયો હોય એવી માહિતી ઉપલબ્ધ નથી. આ અખાત વિભિન્ન સમયે વિભિન્ન નામથી ઓળખાતો હતો. પેરિપ્લસમાં “બરાકાનો (દ્વારકાનો) અખાત” એવો ઉલ્લેખ છે, જે કચ્છના અખાતના સંદર્ભમાં હોવાનું સૂચવાયું છે. તેથી કચ્છનો અખાત ત્યારે દ્વારકાના અખાત તરીકે ઓળખાતો હતો. આ ઉપરથી સૂચવી શકાય કે યાદવકાલીન મૂળ દ્વારકા ગમે તે જગ્યાએ સ્થિત હોય પણ ક્ષત્રપકાલમાં એનું સ્થાન હાલની દ્વારકા પાસે રહેલું હોવાનું સ્પષ્ટ થાય છે. અત્યારની દ્વારકાના વિસ્તારમાં ઉત્પનનકાર્ય થતાં ત્યાંથી ક્ષત્રપ અવશેષો હાથ લાગ્યા છે.
તોલમાય કચ્છના અખાતને “કન્વીનો અખાત” એવા નામથી ઓળખાવે છે. અને બરાકા’ને એ અખાતના એક ટાપુ તરીકે દર્શાવે છે. જ્યારે પેરિપ્લસ બરાકાના અખાતમાં સાત ટાપુ હોવાનું નોંધે છે. અત્યારે ખંભાતના અખાતને નામે ઓળખાતો અખાત પણ ક્ષત્રપ કાલમાં અસ્તિત્વમાં હતો, માત્ર તે ઓળખાતો જૂદા નામે. પેરિપ્લસ અને તોલમાપ બારિગાઝા'ના અખાતનો ઉલ્લેખ કરે છે, જે હકીકતમાં ખંભાતના અખાત માટે પ્રયોજાયેલો શબ્દ છે. આ માટેનું કારણ એ હોઈ શકે કે ત્યારે ખંભાત નગરનું અસ્તિત્વ ના હોય. તે સમયે નગરા નામનું મોટું નગર હતું. પણ બંદર તરીકે તેની ખ્યાતિ જાણવામાં નથી. ત્યારે એ અખાતમાં નર્મદાના મુખ પાસેના ભરુકચ્છનું બંદર તરીકે મહત્ત્વ હતું. તેથી તે આખો અખાત ભરુકચ્છના અખાત તરીકે ઓળખાતો હતો.
હાલના ઘોઘા પાસે સ્થિત હાથબ, જેનું પૂર્વકાળમાં નામ હતું હસ્તકવપ્ર, આ કાલ દરમ્યાન સમુદ્રતટ પાસે હોવાનું પેરિપ્લસનાં વર્ણનથી સ્પષ્ટ થાય છે. પેરિપ્લસમાં એનું નામ અષ્ટકંપ્ર છે, જ્યારે તોલમાપની ભૂગોળમાં કર્તવ્ર છે. પેરિપ્લસમાં તે સાથે “પાપિકા' ભૂશિરનો ઉલ્લેખ છે. તેથી તે પણ સમુદ્રતટે હોય એમ કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org