________________
પ્રકરણ દશ
પશ્ચિમ ભારતના બે પ્રમુખ રાજવંશો : કેટલાક યક્ષપ્રશ્ન
આપણા દેશના પૂર્વકાલીન ઇતિહાસમાં પશ્ચિમ ભારતમાં બે પ્રમુખ રાજવંશો વિશેષ જાણીતા હતા : ગુજરાતના પશ્ચિમી ક્ષત્રપો અને દખ્ખણના સાતવાહન શાસકો. આ બંને રાજવંશોની રાજકીય સરહદો અડોઅડ હતી અને વખતોવખત સરહદો બદલાતી રહેતી હતી. આ બંને રાજવંશો એમની શાસનપ્રણાલિમાં લાક્ષણિક અને વિલક્ષણ હતા અને રાજયવિસ્તાર તથા દીર્થશાસન કાજે વિખ્યાત હતા. એક તરફ બંને રાજવંશોએ કેટલાક સમય વાસ્તે કૌટુંબિક સંબંધો સુદઢ કર્યા હતા તો બીજી બાજુએ રાજકીય દુશ્મનાવટનો અનુભવ પણ કર્યો હતો. ઘણાં બધાં ક્ષેત્રોમાં આ બંને રાજવંશોમાં પરસ્પરની અસરો જોવી પ્રાપ્ત થાય છે. પરંતુ આ બંને રાજવંશો વચ્ચેના કૌટુંબિક સંબંધો સહિતના રાજાશાહી સંબંધો વિશે ઘણું ઓછું અને આછું નિરૂપણ થયું છે. આથી, અહીં આ મુદ્દા પરત્વે થોડુંક વિશ્લેષણ કરવાનો એક પ્રયાસ કર્યો છે. મહત્ત્વનાં સાધનો
આ બંને શક્તિસંપન્ન રાજવંશો સંદર્ભે અગત્યના સ્રોત વિશે પ્રારંભમાં સંક્ષિપ્ત ચર્ચા કરીશું.
(૧) પેરિપ્લસ ઑવ ધ ઈરિશિયન સી : આ ગ્રંથમાં સાતવાહન રાજાએ ક્ષહરાત રાજા નહપાનને હરાવેલો તે વિશે અને તેના રાજયની વિસ્તરતી સરહદોનો ખ્યાલ આપ્યો છે, જેમાં ભરૂચનો સમાવેશ થાય છે.
(૨) આવશ્યક સૂત્ર નિયુક્તિઃ આ જૈન ગ્રંથમાં મહત્ત્વના ત્રણ મુદ્દાઓનો ઉલ્લેખ છે : ૧. પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો વચ્ચેનું યુદ્ધ. ૨. ભરકચ્છના નહપાનની આર્થિક સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનના સાતવાહનની સૈન્યશક્તિ (અર્થાત્ નભોવાહન કોશસમૃદ્ધ હતો અને સાલવાહન બલસમૃદ્ધ હતા). અને ૩. દગો રમવાના આશયથી સાલવાહનના કહેવાતા બરતરફ અમાત્યનું નહપાનની રાજકીય સેવાઓમાં સંલગ્નિત થવું.
(૩) જોગલ થમ્બીનો સિક્કાનિધિ : મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં સ્થિત આ સ્થળેથી ચાંદીના સિક્કાનો એક વિપુલ સંગ્રહ હાથ લાગેલો જેમાં નહપાનના સિક્કાઓ છે અને જેમાંના મોટાભાગના સિક્કાઓ ઉપર સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ પોતાની છાપ ઉપસાવી હતી.
(૪) રુદ્રસિંહ ૧લાના સિક્કા : આ રાજાના વર્ષયુક્ત સિક્કાઓના નિર્માણથી કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે, જેમાં એક છે : સાતવાહનોએ પશ્ચિમી ક્ષત્રપોના પ્રદેશ જીતી લીધા અને ક્ષત્રપસૂબાની દેખરેખ હેઠળ તે પ્રદેશો મૂક્યા.
(પ) ગૌતમીપુત્ર શાતકર્ણિના તાંબાના સિક્કા, જેના ઉપર ચાષ્ટને પોતાની છાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org