________________
૩૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત ૬૨ સેંટીમીટર જેટલો ભાગ સાદો છે. આ પીઠિકાના પાયા પાસે અગાઉ નોંધ્યું તેમ પ્રદક્ષિણાપથ હોઈ સ્વાભાવિક જ નીચલી પીઠિકા કરતાં તેનું ક્ષેત્રફળ (ઘેરાવો) નાનું હોય. આ પીઠિકામાં પણ દરેક બાજુએ ૧૦ અર્ધસ્તંભથી નિર્માયેલા ૯ ગવાક્ષ છે અને પ્રત્યેકમાં ચંદ્રકવાળી ચૈત્યકમાન કોતરેલી છે. આ પીઠિકાની દરેક બાજુએ ૧૦ અર્ધસ્તંભ અને દરેક બાજુએ ૯ ગવાક્ષ અને તેમાં એકાંતરે બુદ્ધની પ્રતિમા હોઈ, ચારેય તરફમાં બધી મળી ૨૦ મૂર્તિઓ હોવાનું સ્પષ્ટ થાય છે. એટલે કે પ્રત્યેક બાજુ ઉપર પાંચ પ્રતિમા છે. આમાંથી, વત્તેઓછે ખંડિત એવી ૧૭ મૂર્તિઓ હાથ લાગી છે. પીઠિકાના અર્ધસ્તંભ પણ અલંકૃત છે.
ઉપલી પીઠિકાની ઉપર ગોળાર્ધ અંડાકાર ભાગ છે, જે મહાતૂપની રચનાનો ત્રીજો અંક છે. આ અંકની-ભાગની ઊંચાઈ ૪.૪૨થી ૪.૭૨ મીટરની છે. ખોદકામ વખતે એનો બહારનો વ્યાસ ૧૫.૬૨ મીટરનો હતો. આ ભાગને પણ સારું એવું નુકસાન થયેલું છે અને તેથી તેના પૂર્ણ દેખાવ પરત્વે કોઈ ચોક્કસ અનુમાન થઈ શકતું નથી. હર્મિકા અને છત્રયષ્ટિ નાશ પામ્યાં હોઈ પ્રાપ્ત થયાં નથી. અંડના કેન્દ્રભાગ ઉપર એક ચોરસ રચના કરીને એની આજુબાજુ પીપળના પાનના ઘાયુક્ત વલયો રચવામાં આવ્યાં છે. આ વલયોની એક બાજુ પહોળી અને બીજી બાજુ અણીદાર બનાવીને તેને પીપળાના પાનનો ઘટા આપવામાં આવ્યો હતો. આ આખીયે રચના ઘડિયાળના કાંટાની દિશામાં દરેક થર ઉપર જુદી જુદી દિશામાં ફરતી રહે એવી રીતે ગોઠવવામાં આવી છે.
અસ્થિપાત્ર ઃ આવી સુંદર રચનાયુક્ત ઈંટોની વચ્ચે દશબલના શરીરાવશેષને સાચવતું એક અસ્થિપાત્ર હાથ લાગ્યું છે. એની ઉપર ૬૨ સેંટીમીટરની ઊંચાઈએ પકવેલી માટીમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની પૂર્વાભિમુખ એક પ્રતિમા હતી. રાતા રંગના અને ઉપરથી તૂટેલા માટીના ઘડાની અંદર આ અસ્થિપાત્ર મૂકેલું હતું. ભૂખરા પથ્થરમાંથી નિર્માયેલો આ દાબડો (અસ્થિપાત્ર/સમુદ્ગક) સંપૂર્ણ સુરક્ષિત સંપ્રાપ્ત થયો છે. એના પાયાનો વ્યાસ ૧૭ સેંટીમીટરનો છે. દાબડાના ઉપરના ભાગનો વ્યાસ ૧૬ સેંટીમીટરનો છે. દાબડાના ઢાંકણાનો પાયો ૧૫ સેંટીમીટરનો છે. દાબડાની સમગ્ર ઊંચાઈ ૧૩ સેંટીમીટરની છે. આ દાબડો સ્તૂપના પાયાથી ૭.૬૮ મીટરની ઊંચાઈએ અને અંડાકાર ભાગની ટોચથી ૪.૪૨ મીટરની નીચાઈએ તથા અંડાકાર ભાગના પાયાથી ૩૧ સેંટીમીટરની ઊંચાઈએ મૂકેલો હતો. દાબડાનો નીચેનો ભાગ, ઢાંકણું અને ઢાંકણાને પકડવાનો ડટ્ટો અલગ અલગ બનાવ્યાં હોય એમ પ્રત્યક્ષ નિરીક્ષણથી સૂચવાય છે.
આખાયે ઢાંકણા ઉપર, એની બહારની બાજુ તથા અંદરની બાજુ, દાબડાના મુખ્ય ભાગની ચારેય તરફ અને તળિયાના ભાગ ઉપર – આમ સમગ્ર દાબડા ઉપર બ્રાહ્મી લિપિમાં લખાણ ઉત્કીર્ણ થયેલું છે. પ્રતીત્યસમુદ્રનો બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત ઢાંકણા ઉપર બ્રાહ્મી લિપિમાં અને પાલિ ભાષામાં ઉત્કીર્ણ છે. આ સૂત્ર અન્ય સ્તૂપનાં લખાણમાં પણ પ્રાપ્ત થયું છે. દાબડા ઉપરના ઐતિહાસિક લેખમાંની વિગતોના વિશ્લેષણ વાસ્તુ અને લેખની ભાષાશૈલી સારુ અગાઉ અવલોકન કર્યું છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ચોથું અને પ્રકરણ પંદર અનુક્રમે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org