________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૩૦
ભાવાર્થ -
શ્રાવકો પાંચ અણુવ્રતો સ્વીકારે છે અને તે અણુવ્રતોને અતિશયિત કરવાર્થે દિગુવિરમણ નામનું પ્રથમ ગુણવ્રત સ્વીકારે છે જે વ્રતમાં ઊર્ધ્વદિશિ, અધોદિશિ અને તિર્જી ૮ દિશામાં તેનું નિયમન કરવામાં આવે છે. તેથી જે શ્રાવક જાવજીવ સુધી અથવા યત્કિંચિત કાળ માટે જેટલી દિશાનું નિયમન કરેલું હોય તેનાથી અધિક જાય નહીં તેવો તેનો સંકલ્પ હોય છે. તેના કારણે શ્રાવકનાં ૫ અણુવ્રતોથી કરાયેલા આરંભસમારંભના નિયંત્રણમાં જે અવશેષ આરંભ-સમારંભનો ત્યાગ નથી તે આરંભ-સમારંભ ક્ષેત્રની મર્યાદાથી નિયંત્રિત થાય છે. અર્થાત્ અણુવ્રતો સ્વીકારવાથી જે અવશેષ અવિરતિ અંશ છે તે અવિરતિ ૧૪ રાજલોકના સર્વક્ષેત્રમાં વ્યાપક હતી તેને દિગુવિરમણ વ્રત દ્વારા શ્રાવક નિયંત્રિત કરે છે. તેથી ઉપયોગપૂર્વક અને ભાવથી જેનું ચિત્ત વિરામ પામેલું છે તેવો શ્રાવક જે ક્ષેત્રની મર્યાદા કરે છે તેનાથી અધિક ક્ષેત્રના આરંભસમારંભથી તેનું ચિત્ત નિવર્તન પામે છે તેથી પાંચ અણુવ્રતોનો ગુણ કરનાર એવું આ આદ્ય ગુણવ્રત છે અને આ વ્રત સ્વીકારવાથી સ્વીકારાયેલી ક્ષેત્રની મર્યાદાથી બહારના ક્ષેત્રમાં રહેલા સ્થાવર અને ત્રસ જીવોના ઉપમર્દનનો શ્રાવક દ્વારા જે સંભવ હતો તેઓને અભયદાન મળે છે અને અધિક ક્ષેત્રમાં જઈને ધનાદિ અર્જન કરવાનો જે લોભનો પરિણામ હતો તેનું નિયંત્રણ થાય છે. તેથી શ્રાવકને આ આદ્ય ગુણવ્રતથી મહાન લાભ થાય છે જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે કે દેશવિરતિગત શ્રાવક પણ તપાવેલા લોખંડના ગોળા જેવો છે તેથી તેના અવિરતિના પરિણામથી સર્વત્ર જીવોનું ઉપમર્દન થાય છે. અને દિગુવિરમણવ્રત સ્વીકારવાથી ક્ષેત્રની મર્યાદા થવાના કારણે એટલા અંશમાં તેને અવિરતિકૃત પાપબંધની પ્રાપ્તિ થતી નથી.
શ્રાવક આરંભ-પરિગ્રહમાં તત્પર હોવાને કારણે જ્યાં જ્યાં જાય છે, ખાય છે, સૂએ છે, વ્યાપાર કરે છે ત્યાં ત્યાં તપાવેલા ગોળાની જેમ જીવનું ઉપમર્દન કરે છે તેથી શ્રાવક કોઈ પ્રવૃત્તિ ન કરતો હોય તોપણ ક્ષેત્રમર્યાદા ન કરેલી હોય તો તેનાથી તે તે ક્ષેત્ર વિષયક હિંસા પરિણામથી થાય છે; કેમ કે તે-તે ક્ષેત્રમાં જવાના પરિણામનું નિયંત્રણ નથી, તેથી તેના પરિણામ અનુસાર સર્વક્ષેત્રમાં તે પાપ કરી શકે તેવી તેની પરિણતિ છે. તેથી શ્રાવકના હિંસાદિ પાપસ્થાનકોનું નિવર્તન કરનાર આ ગુણવ્રત છે; કેમ કે દિક્પરિમાણ ગુણવ્રત સ્વીકારવાથી ચિત્તમાં તે ક્ષેત્રથી બહાર જવાનો સંકલ્પ નિવર્તન પામે છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ શ્રાવકને દિપરિમાણ વ્રત દ્વારા પાપની નિવૃત્તિ થાય છે તેમ સાધુને પણ પાપનિવૃત્તિ અર્થે દિપરિમાણવ્રત કેમ નથી ? તેથી કહે છે –
સાધુ સમિતિ-ગુપ્તિના પરિણામવાળા હોય છે તેથી સર્વ ક્ષેત્રથી સર્વ પ્રકારનાં પાપોનો ત્યાગ કરીને માત્ર અસંગભાવમાં જવા માટે સદા ઉદ્યમ કરનારા હોય છે તેથી અસંગભાવની વૃદ્ધિનું જે કારણ હોય તેવી જ આચરણ કરે છે. જે આચરણાથી આરંભ-પરિગ્રહની લેશ પણ પ્રાપ્તિ નથી. તેથી સાધુ જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્રમાં પણ આરંભથી નિવૃત્ત છે અને અન્ય ક્ષેત્રમાં પણ આરંભથી નિવૃત્ત છે પરંતુ સંયમની વૃદ્ધિનું પ્રયોજન જણાય તો સંયમવૃદ્ધિ અર્થે અન્ય ક્ષેત્રમાં જાય છે. માટે તેઓને હિંસાદિ પાપસ્થાનક નહીં હોવાથી હિંસાદિના પાપસ્થાનકના નિવર્તન અર્થે દિક્પરિમાણવ્રત નથી તે પ્રમાણે જાણવું.